Site icon Gujarat Mirror

દેરડી કુંભાજીમાં છાત્રાનો આપઘાત: દીકરીના મોતથી પરિવારમાં શોક

ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં મિતલ કનુભાઈ ચાવડા નામની 17 વર્ષની યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક મિતલના પિતા ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મિતલ તેના બે બહેન અને એક ભાઈમાં સૌથી મોટી હતી, જેના પર પરિવારને ઘણી આશાઓ હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, મિતલે તાજેતરમાં જ ધોરણ-12ની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ કરી હતી. પરીક્ષા પૂરી થયા બાદ તે પોતાના ભવિષ્યને લઈને ભારે મથામણમાં હતી. પ્રાથમિક અનુમાન મુજબ, ધોરણ-12 પછી આગળ કયા ક્ષેત્રમાં અભ્યાસ કરવો અને કારકિર્દી કેવી રીતે બનાવવી, તે બાબતની સતત ચિંતા તેને સતાવી રહી હતી. આ માનસિક તણાવ અથવા અન્ય કોઈ અગમ્ય કારણોસર તેણે ઘરે કોઈ ન હતું ત્યારે ગળેફાંસો ખાઈ લીધો હોવાનું મનાઈ રહ્યું છે.ખેત મજૂરની તેજસ્વી દીકરીએ આ રીતે અકાળે વિદાય લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

આ કિસ્સો વિદ્યાર્થીઓમાં વધતા જતા શૈક્ષણિક અને ભવિષ્યના તણાવ તરફ પણ અંગુલિનિર્દેશ કરે છે. પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ પરિણામ કે કારકિર્દીની ચિંતામાં યુવા પેઢી ગંભીર પગલાં ભરી લેતી હોય છે, જે સમાજ માટે ચિંતાનો વિષય છે. હાલમાં પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Exit mobile version