દસે-દસ વિકેટ ખેરવી બોલરે મચાવ્યો તરખાટ

નવી દિલ્હી તા.27
4.5 ઓવરની બોલિંગમાં એક મેઈડન ઓવર અને 12 રન આપીને તમામ 10 વિકેટો… આ જાદુઈ કારનામું બીજા કોઈએ નહીં એક ભારતીય યુવા મહિલા ફાસ્ટ બોલરે કર્યું છે. તેનું નામ કાશવી ગૌતમ છે. કાશવીએ આ કારનામું મહિલા અન્ડર-19 વન-ડે ટ્રોફીની એક મેચમાં કર્યું. આંધ્ર પ્રદેશમાં રમાયેલી આ મેચમાં ચંડીગઢની કાશવીએ અરુણાચલ પ્રદેશની આખી ટીમને એકલા હાથે જ આઉટ કરી દીધી. આમાં એક હેટ્રિક પણ શામેલ રહી. બીસીસીઆઇએ તેનો વિડીયો ટ્વીટર પર શેર કર્યો છે.
કાડપાના કેએસઆરએમ કોલેજ ગ્રાઉન્ડ પર રમાયેલી આ મેચમાં ચંડીગઢની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. તેણે 50 ઓવરમાં 4 વિકેટ
ગુમાવી 186 રન બનાવ્યા. રોમાંચક વાત એ રહી કે કેપ્ટન કાશવીએ બેટિંગમાં પણ ધમાલ મચાવી. તેણે 68 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 49 રન બનાવ્યા. તેના સિવાય સિમરન જોહલે 42 અને મેહુલે 41 રનની ઈનિંગ રમી. ત્યારબાદ કાશવીએ બોલિંગમાં ધમાલ મચાવી. તેણે 4.5 ઓવર બોલિંગ કરી અને માત્ર 12 રન આપી આખી ટીમને સમેટી દીધી. આ દરમિયાન કાશવી સતત ત્રણ બોલમાં ત્રણ વિકેટ પણ લીધી. તેની ઘાતક બોલિંગની સામે વિરોધી ટીમ માત્ર 8.5 ઓવરમાં 25 રન પર


સમેટાઈ ગઈ. આ રીતે અરુણાચલ પ્રદેશની ટીમ 161 રનના મોટા માર્જિનથી આ મેચ હારી ગઈ.
કાશવીની ધારદાર બોલિંગ સામે અરુણાચલ પ્રદેશના બેટ્સમેનો ખાતુ પણ ન ખોલી શક્યા. અરુણાચલની ટીમમાં માત્ર ઈતિહા ત્યાગી
(10) જ ડબલ ફિગરમાં પહોંચી શકી. અરુણાચલની ટીમ હજુ આનાથી પણ ઓછા સ્કોર પર સમેટાઈ જાત પરંતુ ચંડીગઢે એક્સટ્રા રૂપે 8 રન આપી દીધા.
કાશવીની આ ધમાલે મહાન ભારતીય સ્પિનર અનિલ કુંબલેની યાદ અપાવી દીધી. અનિલ
કુંબલેએ 1999માં કોટલા ટેસ્ટમાં પાકિસ્તાનના તમામ 10 ખેલાડીઓને આઉટ કર્યા હતા. તે આ કારનામું કરનારો પ્રથમ ભારતીય બોલર છે, જ્યારે દુનિયાનો બીજો બોલર છે. તેના પહેલા 1956માં ઈંગ્લેન્ડના ઑફ સ્પિનર જિમ લેકરે ઑસ્ટ્રેલિયા સામે તમામ 10 વિકેટો ઝડપી ઈતિહાસ રચી દીધો હતો.

રિલેટેડ ન્યૂઝ