આજથી NZ સામે પ્રેક્ટિસ ‘ટેસ્ટ’

હેમિલ્ટન તા.14
ઓપનિંગ જોડી માટે સ્પષ્ટતા તથા રવિચંદ્રન અશ્ર્વિનની બોલિંગમાં વિવિધતા સામે રવીન્દ્ર જાડેજાની ઓલ-રાઉન્ડ આવડત પર ભારતની શુક્રવારથી અહીં ન્યૂ ઝીલેન્ડ ઈલેવન સામે રમાનારી ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચમાં ખાસ ધ્યાન અપાશે.
તાજેતરમાં સમાપ્ત થયેલ ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચની શ્રેણીમાં 0-3થી પરાજિત થયા બાદ લાલ બોલના ઉપયોગ સાથેની આ પ્રેક્ટિસ મેચ વિરાટ કોહલી અને તેના સાથી ખેલાડીઓ માટે આગામી બે ટેસ્ટભરી શ્રેણીની તૈયારીમાં બહુ આવકાર્ય છે.ભારતીય ટીમને પૂરી પ્રેક્ટિસ કરાવવા ન્યૂ ઝીલેન્ડની ટીમમાં સિનિયર અને એ-ટીમના ખેલાડીઓનો સમાવેશ કરાયો છે જેમાં લેગ-સ્પિનર ઈશ સોઢી, ઓલ-રાઉન્ડર જીમ્મી નીશામ અને વિકેટકીપર ટીમ સીફર્ટ પણ ભાગ લેનાર છે. સફેદ બોલની ક્રિકેટમાં સિનિયર ટીમના ફાસ્ટ બોલરો સ્કોટ ક્જલેજિન અને બ્લેર ટિકનેર ભારતીય ઓપનિંગ બેટ્સમેનો પૃથ્વી શો અને શુબમન ગિલની કસોટી કરશે જે બંનેના પહેલી ટેસ્ટ મેચ માટેની ટીમમાં પસંદગી પામવા દાવા છે.
આઈ. સી. સી. (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યુ. ટી. સી.)ના હિસ્સા તરીકે રમાનાર ભારત-ન્યૂ ઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટભરી શ્રેણીની પહેલી મેચ 21મી ફેબ્રુઆરીથી વેલિંગ્ટન ખાતે રમાનાર છે. ગિલ ટેસ્ટ ક્રિકેટ રમવા પોતે કાબેલ હોવાની ભારતીય ટીમના કેપ્ટન કોહલી અને સત્તાવાળાઓને પોતાની લાયકાત દેખાડવા તત્પર હશે અને ટેસ્ટ ટીમમાં સમાવેશ માટે તેના ટેકેદારો આશા કરી રહ્યા છે. સેડોન પાર્ક મુજબની અહીં સપાટ પિચ ભારતના બે ટોચના સ્પિનર અશ્ર્વિન અને જાડેજાની પણ કસોટી કરશે. ન્યૂ ઝીલેન્ડ ઈલેવન વતી ડેન ક્લિવર રમશે જેણે ભારત સામેની બે એ-ટેસ્ટમાં 196 અને 53 રન કર્યા છે અને ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન જમાવવા માટે તે સિલેક્ટરોને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરશે.
સામાન્યપણે પ્રથમ કક્ષાના દરજ્જા વિનાની આ પ્રેક્ટિસ મેચમાં ભારત આગામી ટેસ્ટ શ્રેણી માટે પોતાની ટીમ નક્કી કરી દેવાનો પૂરો પ્રયાસ કરશે. ન્યૂ ઝીલેન્ડ ઈલેવનનું સુકાન ડેરિલ મિચેલ કરનાર છે.

રિલેટેડ ન્યૂઝ