ઔર એક શ્રેણી વિજય: વિરાટ મેન ઓફ ધ સિરિઝ

મુંબઇ તા.12
ભારતે ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડિઝને નિર્ણાયક ટી-ટ્વેન્ટી મુકાબલામાં 67 રનથી હરાવીને ત્રણ મેચની સિરીઝ 2-1થી જીતી લેવાની સાથે 2016ની સાલમાં આ જ સ્થળે કેરેબિયનોના હાથે વર્લ્ડ કપની હારનો બદલો લીધો હતો.
રોહિત ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 400મી સિક્સર ફટકારનારો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો. ગઈ કાલે એકંદરે બેટ્સમેનો કેએલ રાહુલ (91 રન, 56 બોલ, ચાર સિકસર, નવ ફોર), રોહિત શર્મા (71 રન, 34 બોલ, પાંચ સિક્સર, છ ફોર) તથા કેપ્ટન વિરાટ કોહલી (70 અણનમ, 29 બોલ, સાત સિક્સર, ચાર ફોર)ની ત્રિપુટીએ જીત અપાવી હતી. આખી મેચમાં કુલ 28 સિક્સર ગઈ હતી જેમાંથી 16 ભારતીયોની અને 12 કેરેબિયનોની હતી. રાહુલને મેન ઑફ ધ મેચનો અને વિરાટને મેન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર અપાયો હતો.
ભારતે આપેલા 241 રનના લક્ષ્યાંક સામે કેરેબિયનો 8 વિકેટે 173 રન બનાવી શક્યા હતા જેમાં કેપ્ટન પોલાર્ડ (68 રન, 39 બોલ, છ સિક્સર, પાંચ ફોર)નો હાઇએસ્ટ સ્કોર હતો. હેટમાયર પાંચ છગ્ગાની મદદથી 41 રન બનાવી શક્યો હતો. ભારત વતી ભુવનેશ્ર્વર, દીપક ચહર, શમી અને કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી હતી. બેટ્સમેન એવિન લુઇસને ફીલ્ડિંગ દરમિયાન ઈજા થતાં સ્ટ્રેચરમાં મેદાનની બહાર લઈ જવાયો હતો.
સાંજે, ભારતે બેટિંગ મળ્યા પછી 20 ઓવરમાં 3 વિકેટે જે 240 રન બનાવ્યા હતા એમાં કેએલ રાહુલના 91 રન, રોહિત શર્માના 71 અને કેપ્ટન વિરાટ કોહલીના અણનમ 70 રનનો સમાવેશ હતો. ઓપનરો રોહિત-રાહુલ વચ્ચે 135 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. ટી-ટ્વેન્ટીમાં તેમની આ ત્રીજી સેન્ચુરી-પાર્ટનરશિપ હતી.

રિલેટેડ ન્યૂઝ