આજે થર્ડ T-20: જો જીતા વોહી સિકંદર

વાનખેડેમાં નિર્ણાયક ટી-20માં બરાબરીનો ખેલ: સાંજે 7થી લાઇવ: ભારતની પાંચમી અને ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન કેરેબિયનોની દસમી રેન્ક છે
મુંબઈ તા.11
મક્કમ ઈરાદા સાથેની વેસ્ટ ઈન્ડિઝની ટીમ સામે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણીમાં અહીં વાનખેડે સ્ટેડિયમ ખાતે આજે સાંજે રમાનારી ત્રીજી અને આખરી રસપ્રદ બનવાની આશા જગાવતી નિર્ણાયક મેચમાં ભારતે છેલ્લી મેચની પોતાની કેટલીક ખામી સુધારવી પડશે.
વિરાટ કોહલીની ટીમે હૈદરાબાદ ખાતેની પહેલી મેચ જીતી સરસાઈ મેળવ્યા બાદ, આ ફોર્મેટની રમતમાં બે વાર વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકેલ વેસ્ટ ઈન્ડિઝે થિરુવનંથપુરમમાં બીજી મેચ જીતી શ્રેણી વર્તમાનમાં 1-1થી સમાન કરી છે.
વેસ્ટ ઈન્ડિઝ માટે ટી-20 ક્રિકેટમાં અહીંનું વાનખેડે સ્ટેડિયમ નસીબવંતું છે કે તેણે 2016માં આઈ. સી. સી. વર્લ્ડ કપની સેમી-ફાઈનલ મેચમાં ભારતને પરાજિત કયુર્ં હતું અને છેવટે સ્પર્ધાનો તાજ જીત્યો હતો. જોકે, ભારતને આજે એ હારનો બદલો લેવાની તક છે. ભારત માટે બધાની નજર ઑફ-સ્પિનર વોશિંગ્ટન સુંદર અને ખાસ કરીને નિંદા-ટીકા હેઠળ રહેતા, પણ આશાસ્પદ વિકેટકીપર/ બેટ્સમેન રિષભ પંત જેવા યુવા ખેલાડીઓ પર હશે. સુંદરના કિસ્સામાં જોવાનું રહે છે કે ટીમના સત્તાવાળા તેને બીજો મોકો આપે છે કે પછી ચાઈનામેન બોલિંગ કરતા કુલદીપ યાદવને રમવાની તક આપશે.
બીજી તરફ, વેસ્ટ ઈન્ડિઝની ટીમ છેલ્લી મેચ જીતવાના આત્મવિશ્ર્વાસ સાથે શ્રેણી-વિજયના પ્રયાસમાં રમશે.
તેના ટોચના ક્રમના બેટધરો અને ખાસ કરીને સિમન્સ ઘણા સારા ફોર્મમાં છે તથા ઈવિન લુઈસ, નિકોલસ પૂરન અને શિમરોન હેટમેયરે પણ રન કર્યા છે અને તેઓ સારો દેખાવ કરવાના પોતાના પ્રયત્ન ચાલુ રાખશે.બ્રેન્ડન કિંગ, જેસન હોલ્ડર અને સુકાની કિરોન પોલાર્ડ સાથે વેસ્ટ ઈન્ડિઝ તેના કોઈ માનીતા દિવસે અજેય ટીમ બની શકે છે. ઝડપી ગોલંદાજ શેલ્ડન કોટ્રેલ સહિત તેના બોલરોએ પણ વિકેટો ઝડપી છે અને કોટ્રેલને ટેકો આપવા કેસરિક વિલિયમ્સ, લેગ-સ્પિનર હેડન વોલ્શ જુનિયર અને હોલ્ડર હરીફ ટીમના જુમલાને કાબૂમાં રાખવા હાજર હશે.
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કે. એલ. રાહુલ, રિષભ પંત, મનીષ પાંડે, શ્રેયસ ઐયર, શિવામ દુબે, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચહર, ભુવનેશ્ર્વર કુમાર, મોહંમદ શમી, સંજુ સેમસન.
કિરોન પોલાર્ડ (કેપ્ટન), બ્રેન્ડન કિંગ, ડેનેશ રામડિન, શેલ્ડન કોટ્રેલ, ઈવિન લુઈસ, શેરફેન રુધરફોર્ડ, શિમરોન હેટમેયર, ખેરી પિએર, લેન્ડલ સિમન્સ, જેસન હોલ્ડર, હેયડન વોલ્શ-જુનિયર, કીમો પોલ, કેસરિક વિલિયમ્સ.

રિલેટેડ ન્યૂઝ