ભારત સામે બાંગ્લાનો (એસિડ) ટેસ્ટ

ભારતને ટેસ્ટ શ્રેણી જીતવાનો હેટ્રિક ચાન્સ
ઈન્દોર તા.14
ભારતીય(ઇન્ડિયા) ક્રિકેટ ટીમ ગુરૂવારે બાંગ્લાદેશ સામે બે મેચની ટેસ્ટ શ્રેણીમાંની પ્રથમ ટેસ્ટ રમશે. ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં આ મેચ રમાશે. છેલ્લી બે ટેસ્ટ સીરિઝમાં ભારત ક્લીન સ્વિપ કરી ચૂક્યું છે. ભારતે વેસ્ટ ઈન્ડીઝને તેના ઘરમાં 2-0થી અને પછી ઘરેલુ શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાને 3-0થી હરાવ્યું હતું. હવે તેની પાસે સતત ત્રીજી શ્રેણી ક્લીન સ્વિપ કરવાની તક છે.
જો ભારત બંને ટેસ્ટ જીતી લેશે તો આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતને 120 પોઈન્ટ મળશે. ભારત અત્યારે આ ચેમ્પિયનશિપમાં 240 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે. ભારતે બાંગ્લાદેશ સામે રમાયેલી ટી20 શ્રેણી 2-1થી જીતી લીધી હતી. બાંગ્લાદેશની ટીમ નબળી હોવા છતાં ભારતીય ટીમ તેને હળવાશથી લેવા માગતી નથી. કેપ્ટન કોહલી અને વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેએ પણ બાંગ્લાદેશનો સામનો કરવા પુરતી તૈયારી કરી લીધી છે.
ટેસ્ટમાં ફરી એક વખત દરેકની નજર રોહિત શર્મા પર હશે. દક્ષિણ આફ્રિકા શ્રેણી સાથે ટેસ્ટમાં ઓપનર તરીકે શરૂઆત કરનારા રોહિતે ખુદને આ સ્થાન માટે સાબિત કરવાની જરૂર રહેશે. રોહિતની સાથે મયંક અગ્રવાલે સારી ભાગીદારી બનાવી હતી. બંનેએ ભેગા મળીને દક્ષિણ આફ્રિકા સામે 829 રન બનાવ્યા હતા. ટેસ્ટમાં ભારતનો બેટિંગ ક્રમ મજબુત છે. મધ્યમ ક્રમમાં ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, રિદ્ધિમાન સાહા, હનુમા વિહારી સારું પ્રદર્શન કરે છે. ફાસ્ટ બોલરમાં મોહમ્મદ શમી, ઈશાંત શર્મા અને સ્પીન બોલિંગમાં રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની જોડી કમાલ કરી રહી છે. શાકિબ અલ હસન અને તમીમ ઈક્બાલ ન હોવાના કારણે બાંગ્લાદેશ ઘણી મુશ્કેલીમાં છે. આ બંને ટેસ્ટ ટીમમાં મહત્વના ખેલાડી છે. ટેસ્ટમાં ટીમની કમાન મોમિનુલ હક પાસે છે. તે ઈચ્છશે કે ટીમ ટેસ્ટમાં પણ ટી20 જેવું પ્રદર્શન કરે. પૂર્વ કેપ્ટન અને સીનિયર ખેલાડી હોવાના ધોરણે મુશફિકુર રહીમના માથે પણ મોટી જવાબદારી છે.
ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા, શુભમન ગિલ અને ઋષભ પંત.
બાંગ્લાદેશ ટીમ: મોમિનુલ હક(કેપ્ટન), અબુ ઝાયેદ, લિટન દાસ, મુશપિકુર રહીમ, મહેમદુલ્લાહ, મોહમ્મદ મિથુન, મુસદ્દક હુસેન, શાદમાન ઈસ્લામ, ઈમરુલ કાયેસ, સૈફ હસન, મહેંદી હસન મિરાજ, તૈજુલ ઈસ્લામ, નઈમ હસન, મુસ્તફિઝુર રહેમાન, અલ અમીન હુસેન, ઈબાદત હુસેન.

રિલેટેડ ન્યૂઝ