ઓસ્ટ્રેલિયન મુક્કેબાજનું તાલીમી મુક્કામાં જ મોત

સિડની તા.13
ઑસ્ટ્રેલિયાનો બોક્સિગં સમુદાય શોક ડૂબી ગયો છે. દેશના જાણીતા બોક્સર 27 વર્ષના ડ્વાઇટ રિચીનું શનિવારે તાલીમ દરમિયાન મૃત્યુ થયું હતું. મિડલવેઇટ વર્ગનો આ મુક્કાબાજ મેલબર્નમાં માઇકલ ઝેરેફા સાથે તાલીમના ભાગરૂપે બોક્સિગં કરી રહ્યો હતો ત્યારે રિચીને સંભવત: છાતી પર મુક્કો વાગ્યો હતો જેને પગલે તે રિંગના એક ખૂણામાં જતો રહ્યો હતો અને ત્યાં જ ઢળી પડ્યો હતો. તેને ભાનમાં લાવવાની ખૂબ કોશિશ કરવામાં આવી હતી, પરંતુ ભાનમાં નહોતો આવ્યો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે જ ખબર પડી હતી કે તે અંતિમ શ્ર્વાસ લઈ ચૂક્યો છે.
માઇકલ ઝેરેફાની ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન જેફ હોર્ન સાથે જે મુક્કાબાજી થવાની છે એ માટે ઝેરેફાની રિચી સાથે પ્રેક્ટિસ ચાલી રહી હતી. આ વર્ષમાં કોઈ બોક્સર મુક્કાબાજી દરમિયાન મૃત્યુ પામ્યો હોય એવો આ ચોથો બનાવ છે. જુલાઈમાં રશિયન બોક્સર મેક્સિમ દાદાશેવ એક મુકાબલા દરમિયાન મગજ પર હરીફનો મુક્કો વાગતાં મૃત્યુ પામ્યો હતો. બે દિવસ બાદ આર્જેન્ટિનાનો હુગો સેન્ટિલેનનું મુક્કાબાજીમાં મૃત્યુ નીપજ્યું હતું. ઑક્ટોબરમાં અમેરિકાનો પેટ્રિક ડે ચાર્લ્સ કોનવેલ સાથેની મુક્કાબાજી દરમિયાન મગજ પર મરણતોલ મુક્કો વાગતાં મૃત્યુ પામ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ