ગુલાબી બોલથી ‘ટેસ્ટ’ સામે ચેતેશ્ર્વરનું રેડ એલર્ટ

બેંગલુરુ તા.13
ભારતના ટોચના બેટ્સમેન અને રાજકોટના ગૌરવ સમા ક્રિકેટર ચેતેશ્ર્વર પુજારાનું માનવું છે કે ભારત અને બંગલાદેશ વચ્ચે આ મહિને કોલકતામાં રમાનારી રાષ્ટ્રમાંની પ્રથમ ડે ઍન્ડ નાઇટ ટેસ્ટ મેચમાં ઝાંખા અજવાળામાં અને ફ્લડ લાઇટમાં પિન્ક બોલને પારખવામાં કદાચ સમસ્યા ઊભી કરશે. ભારતમાં ગુલાબી રંગના બોલ વડે દિવસ-રાતની ટેસ્ટ મેચનું ઈડન ગાર્ડન્સ ખાતે 22મી નવેમ્બરથી પહેલી વાર આયોજન થનાર છે.
આ મેચ બંને રાષ્ટ્રની પ્રથમ દિવસ-રાતની ટેસ્ટ હોવા ઉપરાંત, તેમાં એસ. જી. બ્રાન્ડના ગુલાબી રંગના બોલનો પ્રથમ વેળા સત્તાવારપણે ઉપયોગ કરાનાર છે.
હું દુલીપ ટ્રોફી સ્પર્ધામાં આ અગાઉ ગુલાબી રંગના બોલ વડે રમ્યો હતો અને તે અનુભવ સારો હતો, એમ પુજારાએ બી. સી. સી. આઈ. ટેલિવિઝનને કહ્યું હતું. ઘણાખરા ક્રિકેટરો પોતાની કારકિર્દીમાં ગુલાબી રંગના બોલ વડે પહેલી વાર રમશે, પણ પુજારા, મયંક અગરવાલ, હનુમા વિહારી અને કુલદીપ યાદવ પાસે દુલીપ ટ્રોફીમાં કૂકાબુરા બ્રાન્ડના ગુલાબી બોલ વડે રમવાનો અનુભવ છે.
પુજારાએ કહ્યું હતું કે દૃષ્ટિમર્યાદા દિવસના સમયે કોઈ સમસ્યા ઊભી કરતી નથી, પણ ઝાંખા અજવાળામાં ફલડલાઈટ હેઠળ રમવામાં મુશ્કેલી પડે છે. પુજારાએ કહ્યું હતું કે ઘણાખરા ખેલાડીઓનું કહેવું છે કે રિસ્ટ સ્પિન બોલરોના ગૂગલી બોલને પારખવામાં મુશ્કેલી પડતી હોય છે. ભારતની ટીમના અન્ય વરિષ્ઠ ખેલાડી અજિંક્ય રહાણેએ કહ્યું હતું કે દિવસ-રાતની ટેસ્ટ નવો પડકાર ફેંકે છે, પણ મેચ પૂર્વે બે-ત્રણ વેળા ગુલાબી રંગના બોલ વડે પ્રેક્ટિસ કરવામાં અનુભવ કેળવી શકાય છે.
પુજારા સહિત, અગરવાલ, રવીન્દ્ર જાડેજા, મોહંમદ શમી, રહાણે જેવા ભારતીય ખેલાડીઓએ રવિવારે અહીં ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ફ્લડલાઈટ હેઠળ રાષ્ટ્રના ભૂતપૂર્વ કેપ્ટન અને નેશનલ ક્રિકેટ એકેડેમી (એન. સી. એ.)ના ક્રિકેટના વડા રાહુલ દ્રવિડની દેખરેખ હેઠળ પ્રેક્ટિસ કરી હતી.

રિલેટેડ ન્યૂઝ