આઇપીએલના બે ખેલાડી ફિક્સિગંમાં ‘ફિક્સ’

બેંગલુરુ તા.8
આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની ત્રણ ટીમ વતી રમી ચૂકેલ સી. એમ. ગૌતમ નામના પ્રથમ કક્ષાના ક્રિકેટર અને કર્ણાટકની ટીમના તેના ભૂતપૂર્વ સાથી ખેલાડી અબ્રાર કાઝીની ભ્રષ્ટાચાર ભરેલી કર્ણાટક પ્રીમિયર લીગ (કે. પી. એલ.)માં સ્પોટ-ફિક્સિગં કરવા માટે નાણાં સ્વીકારવાના આરોપસર ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી.
બેલેરી ટસકર્સની ટીમના કેપ્ટન અને ભૂતપૂર્વ વિકેટકીપર/બેટ્સમેન ગૌતમ તથા તેના સાથી ખેલાડી કાઝીની શહેરની સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી હતી જે કે. પી. એલ.ની છેલ્લી બે મોસમમાં સ્પોટ-ફિક્સિગંના બનાવના આરોપમાં તપાસ કરી રહી છે.
એડિશનલ કમિશનર ઑફ પોલીસ સંદીપ પાટીલે તપાસ આગળ વધતા કેટલીક વધુ વ્યક્તિની ધરપકડ કરાશે. ગૌતમ મુંબઈ ઇન્ડિયન્સ તેમ જ રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર અને દિલ્હી ડેરડેવિલ્સની ટીમમાં સ્થાન પામી ચૂક્યો છે.
હાલમાં ગોવાની ટીમ વતી રમતા ગૌતમ અને મિઝોરમનું પ્રતિનિધિત્વ કરતા કાઝી, બંનેની રાષ્ટ્રીય સર્કિટની ટી-20 સ્પર્ધા તરીકે શુક્રવારથી યોજાનાર સૈયદ મુશ્તાક અલી ટ્રોફી સ્પર્ધા માટે પોતપોતાના રાજ્યની ટીમમાં પસંદગી કરાઈ છે.
પોલીસે કહ્યું હતું કે આ બંને ખેલાડી કે. પી. એલ. 2019ની બેલેકી ટસકર્સ અને હુબલી ટાઈગર્સની ટીમો વચ્ચેની ફાઈનલ મેચમાં ફિક્સિગંમાં સંડોવાયેલા હતા કે જેમાં ધીમી બેટિંગ કરવા માટે તેઓએ વ્યક્તિગત રૂ. 20 લાખ લીધા હતા.
હુબલી ટાઈગર્સની ટીમે તે મેચ આઠ રનથી જીતી હતી. વધુ તપાસમાં માલૂમ પડ્યું હતું કે તેઓ બેંગાલૂરુ ટીમ સામેની અન્ય મેચમાં ફિક્સિગંમાં પણ સંડાવાયેલા હતા.
ગોવા ક્રિકેટ એસોસિયેશન (જી. સી. એ.)એ સી. એમ. ગૌતમના કોન્ટ્રાક્ટને રદ કરી આગામી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે તેની બદલીમાં દર્શન મિસાલની નવા કેપ્ટન તરીકે નિમણૂક કરી હતી.

હવે આઇપીએલની પ્રત્યેક મેચનો
પ્રારંભ થશે રાષ્ટ્રગીતથી
નવી દિલ્હી: આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના સહ-માલિક નેસ વાડિયાએ બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ને લેખિતમાં દરખાસ્ત મોકલી છે જેમાં આગ્રહપૂર્વક સૂચવાયું છે કે 2020ની સાલની સિઝનથી આઇપીએલની દરેક મેચની શરૂઆત પૂર્વે ભારતીય રાષ્ટ્રગીત વગાડવું જોઈએ. સામાન્ય રીતે ઇન્ટરનેશનલ મેચ પહેલાં રાષ્ટ્રગીત રાખવામાં આવતું હોય છે. ઇન્ડિયન સુપર લીગ (આઇએસએલ) નામની ફૂટબોલ લીગ તથા પ્રો-કબડ્ડી લીગમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવતું જ હોય છે. વાડિયાનું એવું માનવું છે કે વિશ્ર્વની નંબર-વન ક્રિકેટ લીગ (આઇપીએલ)માં ભારતનું નેશનલ ઍન્થેમ રાખવું જ જોઈએ અને એની પ્રથા પાડી દેવી જોઈએ. આઇપીએલ માટેની ખર્ચાળ ઓપનિંગ સેરેમનીની પ્રથા બંધ કરવા બદલ વાડિયાએ બીસીસીઆઇની પ્રશંસા પણ કરી હતી.

રિલેટેડ ન્યૂઝ