રાજકોટમાં રોહિતનું ‘મહા’ ત્રાટક, બાંગ્લા તબાહ

રાજકોટ તા.8
ભારતે ગઈ કાલે અહીં મહા વાવાઝોડાનો ભય ટળી ગયા બાદ તેમ જ મેઘરાજાની ગેરહાજરી વચ્ચે બંગલાદેશને બીજી ટી-ટ્વેન્ટીમાં આસાનીથી (26 બોલ અને 8 વિકેટ બાકી રાખી) હરાવીને ત્રણ મેચની સિરીઝ 1-1થી લેવલ કરી લીધી હતી. રોહિત શર્મા (85 રન, 43 બોલ, છ સિક્સર, છ ફોર)ની આ
100મી મેચ હતી અને એમાં તેણે 18મી હાફ સેન્ચુરીની મદદથી ભારતને અત્યંત જરૂરી વિજય અપાવ્યો હતો.
ભારતે 154 રનનો લક્ષ્યાંક 15.4 ઓવરમાં બે વિકેટના ભોગે મેળવી લીધો હતો. શિખર ધવને 31 રન બનાવ્યા હતા અને રોહિત સાથે તેની 118 રનની મેચ-વિનિંગ ભાગીદારી થઈ હતી. રાહુલ 8 રને અને ઐયર 24 રને અણનમ રહ્યા હતા. બન્ને વિકેટ અમીનુલ ઇસ્લામે લીધી હતી.
એ પહેલાં, બંગલાદેશે 20 ઓવરમાં 6 વિકેટે 153 રન બનાવ્યા હતા જેમાં નઇમના 36 તથા સૌમ્ય સરકાર અને કેપ્ટન મહમુદુલ્લાના 30-30 રન હતા. ભારત વતી ચહલ (28 રનમાં બે વિકેટ) સૌથી સફળ બોલર હતો. ખલીલ, દીપક ચહર અને વોશિંગ્ટન સુંદરને એક-એક વિકેટ મળી હતી. એક તબક્કે ત્રણ બોલમાં ત્રણ છગ્ગા ફટકારનાર રોહિત શર્માને મેન ઑફ મેચનો પુરસ્કાર
અપાયો હતો. રોહિત શર્મા ગઈ કાલે 100મી ટી-ટ્વેન્ટી મેચ રમનારો ભારતનો પ્રથમ અને વિશ્ર્વનો બીજો ખેલાડી બન્યો હતો. પાકિસ્તાનનો શોએબ મલિક (111 મેચ) 100 ટી-ટ્વેન્ટી મેચના આંકડાને પાર કરનાર વિશ્ર્વનો એકમાત્ર ખેલાડી છે.
ભારતીયોમાં રોહિતની 100 ટી-ટ્વેન્ટી પછી મહેન્દ્રસિંહ ધોની 98 મેચ સાથે બીજા સ્થાને છે. રોહિતે 100 મેચની સિદ્ધિ ગઈ કાલે અહીં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં મેળવી હતી. ટી-ટ્વેન્ટી ઇન્ટરનેશનલ્સમાં રોહિતના 2452 રન વિશ્ર્વભરના ખેલાડીઓમાં હાઇએસ્ટ છે.
બીજા નંબરે વિરાટ કોહલી (2450 રન) છે. રોહિતે 2452 રન ચાર સેન્ચુરી અને સત્તર હાફ સેન્ચુરીની મદદથી બનાવ્યા છે. તેણે 2007ના ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપમાં આ ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્રીજી અને નિર્ણાયક ટી-ટ્વેન્ટી રવિવારે નાગપુરમાં રમાશે.

વિકેટકીપર પંતનું બ્લન્ડર
રિષભ પંતે ગઈ કાલે ચહલના એક બોલમાં લિટન દાસને સ્ટમ્પ-આઉટ કર્યો હતો, પરંતુ પંતે બોલ હાથમાં લીધો તેના ગ્લવ્ઝનો થોડો ભાગ સ્ટમ્પ્સની આગળ હતો અને નિયમ મુજબ દાસ આઉટ ન કહેવાય. રિપ્લે પરથી થર્ડ અમ્પાયરે દાસને નોટઆઉટ જાહેર કર્યો હતો અને મેદાન પરના અમ્પાયરે ચહલના બોલને નો-બોલ જાહેર કરતા દાસને ફ્રી-હિટ મળી હતી. જોકે, દાસ 29 રન પર હતો ત્યારે પંતે જ તેને રનઆઉટ કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ