સાધુની ઉપાસના કરતા ચારિત્ર મોહનીય કર્મ ખપાવીએ : પૂજ્ય યશોવિજયસૂરીશ્ર્વરજી મહારાજા

નવપદની આરાધના એ મોક્ષે જવા માટેનો શ્રેષ્ઠ યોગ છે. પહેલા પાંચ પદમાં આપણે ગોઠવાવાનું છે અને પછીના ચાર પદ આપણામાં ગોઠવવાનાં છે. તો આજે પાંચમો દિવસ એ સાધુપદની આરાધનાનો દિવસ છે. સાધુપદ એટલે કમ્પલસરી પદ છે. સાધુપદ એ ગેટ-વે ઓફ નવપદ છે. જેને અરિહંત થવું હોય, સિધ્ધ-આચાર્ય-ઉપાધ્યાય થવું હોય તો સાધુ થવું કમ્પલસરી છે. તેથી સાધુપદ એ અત્યંત મહત્ત્વનું છે અને તેને સમજવા આપણે તેના પાંચ મુદ્દા સમજીએ :

 1. સાધુ ભગવંત એ પાવન ઉપકારી છે
  સાધુ ભગવંત આપણા આત્માને પાવન કરે છે. સાધુના દર્શન પુણ્યાનુબંધી પુણ્ય તમારા ખાતામાં જમા કરવાનું કામ કરે છે. સાધના દ્વારા જે ન મળે એવી ચીજ સાધુના દર્શન દ્વારા પ્રાપ્ત થઇ જાય છે. સાધુ ભગવંત સમ્યક્ દર્શન આપણામાં પ્રગટાવવાના માધ્યમથી મિથ્યાત્ત્વની દુર્ગંધ આપણામાંથી દૂર કરવાનું, આત્માને પાવન કરવાનું કામ કરે છે. ભીતરમાં વિઝન હોય, ચક્ષુ હોય તો સાધુના દર્શને સમ્યક્ દર્શનની પ્રાપ્તિ થાય છે. સાધુનું દર્શન એ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન અપાવે તો આપણને તો સાધુના રોજ દર્શન થાય છે. સુપાત્ર દાન, જિનવાણી શ્રવણ આપણે કરીએ છીએ તો શું પ્રાપ્ત થયું? ઇલાઇચી કુમારે માત્ર સાધુના દર્શન કરતા કેળવજ્ઞાનની પ્રાપ્તિ કરી હતી. અંદરનું લાગણી તંત્ર આખુ જો હલી જાય અને વિચાર આવે કે આ કેવા મહાન સાધુ છે. સાધુ ભગવંતનો ભવ સુધરી ગયો, મારો બગડી ગયો… માત્ર આ ભવની નહીં પણ આવતો ભવ પણ મારો બરબાદ થઇ ગયો, તો અંદરથી વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થઇ શકે. આત્મકલ્યાણના માર્ગ પર જતા પહેલા યમરાજ લઇ જાય એના કરતા પહેલા આત્મકલ્યાણના માર્ગ પર જોડાઇ જઇએ. જેને ડૂબવાની વેદના હોય તેને બહાર નીકળવાની ધીરજ હોતી નથી. આપણી જાત ભવસાગરમાં ડૂબી રહેલી છે, તેનું ભાન થતું નથી. વિરાધક અને વિરાધના ભાવમાં આપણો આત્મા સંસારમાં ડૂબી રહેલો છે. 18 પાપસ્થાનકમાં પહેલા પાંચ પાપ એ વિરાધના છે ને પછીના વિરાધક ભાવ છે. આ 18 પાપસ્થાનકથી ભરેલા આ સંસારના સમુદ્રમાં હું ડૂબી રહ્યો છું, તો તેને તરવા માટે ધીરજ રહેતી નથી અને આત્મકલ્યાણના માર્ગ ઉપર આગળ વધી જાય છે. ભવસાગરમાં પણ જે ડૂબતું હોય ને તે દેખાતું ન હોય તેને આવી અધિરાઇ પ્રગટ થતી નથી. સાચા સુખનું સરનામું મહાત્મા પાસે છે. આપણે આપણી જાતને દોષમુક્ત કરવી છે.
  સાધુની ઓળખાણ શું છે?
  પાંચ મહાવ્રતનું પાલન કરે, પોતાના હાથે વર્ષમાં બે વાર લોચ કરે, ખુલ્લા પગે વિહાર કરે, સ્નાન કરવાનો વિચાર પણ ન આવે, નિર્દોષ ગોચરી માટે ઘરે ઘરે જવાનું, પોતાના આત્માને સાધવાની સાધનામાં લીન બનેલા હોય, આત્મા ને પરમાત્મા વચ્ચેની દિવાલને ધરાશાયી કરવાનું કામ ચોવીસ કલાક જે કરે એનું નામ સાધુ છે. આવા સાધુપણાની ઓળખાણ-પરિચય આપણને થાય. સાધુપદ મારામાં આરુઢ કયારે કરીશ, આવા પ્રકારનો ભીતરમાં ભાવ જો જાગે તો આત્મા પાવનકારી થયા વિના રહે નહીં. તેથી સાધુ ભગવંત એ આત્માને પાવન કરનારા છે ને પાવન ઉપકારી છે.
 2. સાધુ ભગવંત એ ભ્રાતા તરીકે છે
  સાધુ ભગવંતને સાચા મોટા ભાઇ તરીકે રાખીશ એવો સ્વીકાર જો આપણને થાય તો સાચા અર્થમાં શ્રાવક થઇ શકીએ. ભાઇને એકબીજા માટે વાત્સલ્ય ભાવ હોય છે ને નાનો ભાઇ મોટા ભાઇ પાસેથી શીખવાનું કામ કરે ને મોટો ભાઇ એને મદદ કરવાનું કામ કરે છે. નાના ભાઇ દ્વારા ભૂલ થઇ હોય તો પોતાના ગુણોની કબુલાત કરે ને મોટો ભાઇ તેને સાચવવાનું, પ્રેમથી ટેકલ કરવાનું કામ કરે છે. નિખાલસતા નાના ભાઇ પાસે હોય અને મોટો ભાઇ, નાનો ભાઇ આવી ભૂલ ન કરે એવું માર્ગદર્શન આપવાનું, પ્રેમથી સમજાવવાનું કામ કરે ને તેની આબરૂ સાચવી રાખે પણ ભાઇને ભાઇ તરીકે રાખેલું હોય તો આવું થઇ શકે. મોટા ભાઇ તરીકે સાધુ ભગવંત હોય ને નાના ભાઇ તરીકે શ્રાવક હોય તો, જિનશાસન ઉજળું કરવાનું કામ કરી શકાય, જયવંતુ કરી શકાય અને આત્મકલ્યાણના માર્ગ ઉપર આગળ વધી શકાય. મોટો ભાઇ નાના ભાઇને પોતાના જેવો બનાવવાનું કામ કરે, શ્રાવકને સાધુ બનાવવાનું કામ કરે.
 3. મુક્તિ ક્ધયા સાથેના લગ્નમાં સાધુ ભગવંત એ વરરાજા તરીકે છે
  સંસાર છોડી, બધું મૂકીને મુક્તિ ક્ધયાને પરણવા માટે નીકળેલા સાધુ ભગવંત છે. તો આપણે એવી ભવ્ય ભાવના કરવાની છે કે મુક્તિ ક્ધયા સાથે પાણી ગ્રહણ મારું કયારે થશે? સાધુ ભગવંતની જેમ મુક્તિ ક્ધયા સાથે લગ્ન કરવા વરરાજા તરીકે હું સાધુ કયારે થઇશ… નવપદના પહેલા પાંચ પદમાં આપણે ગોઠવાવાનું છે.
 4. સાધુ ભગવંતની માતાએ અષ્ટ પ્રવચન માતા છે
  પાંચ સમિતિને ત્રણ ગુપ્તિ એ સાધુ ભગવંતની માતા છે. નીચે જોઇને સાધુ ચાલે, બોલવાનો વિવેક હોય, નિર્દોષ ગોચરી વાપરે, કોઇપણ વસ્તુ લેતા-મૂકતા પહેલા પૂંજવાનું કામ કરે, નિર્દોષ જમીન ઉપર મળ-મૂત્ર કરે ને ત્રણ ગુપ્તિ એટલે મન-વચન-કાયા ઉપર કંટ્રોલ સાધુ કરે છે. આવા મહાત્મા અનેકના જીવનમાં સંયમ બીજનું વાવેતર કરનારા બની જતા હોય છે.
 5. સાધુ ભગવંતની ઉપાસના કરવાથી ગંગા સ્નાન થાય છે
  લોકોના પાપ-તાપ-સંતાપ સમાવવાનું કામ ગંગા નદી કરે છે એવી માન્યતા છે. સાધુ ભગવંતની ઉપાસના કરવાથી આવું સ્નાન ઘર બેઠા કરવા મળે છે. સાધુની ઉપાસના કરવા દ્વારા આપણા બધા ચારિત્ર, મોહનીય કર્મ ખપી જાય એવું ગંગા સ્નાન આપણે કરી પરમ પદને મેળવીએ.
  આયંબિલ ઓળી દિવસ-5
  પરમ પૂજય આચાર્ય ભગવંત શ્રી યશોવિજયસૂરીશ્ર્વરજી મહારાજા
  (જિનઆજ્ઞા વિરુધ્ધ કાંઇપણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્ )

રિલેટેડ ન્યૂઝ