એપલ જેવું ગુણકારી કસ્ટર્ડ એપલ

ફ્રૂટની જેમ ખાવાથી લઈને સીતાફળનો ઉપયોગ બાસુંદી, દૂધપાક, આઈસ્ક્રીમ શેક તેમજ જુદી જુદી મીઠાઈઓમાં થાય છે

અત્યારે જ્યારે બજારમાં ખૂબ સીતાફળ આવી રહ્યા છે ત્યારે નિયમિત ડાયેટમાં તેનો સમાવેશ કરીને ભરપૂર લાભ મેળવીએ

આજકાલ બજારમાં ફળોની લારી અને દુકાનોમાં સૌથી વધુ જો કોઈ ફળ દેખાતું હોય તો તે સીતાફળ છે. દેખાવમાં બીજા ફળોથી અલગ અને ખાવામાં પણ બીજા ફળોથી અલગ એવું સીતાફળ ગુણોથી ભરપૂર છે. આ એક જ ફળ એવું છે જેને છરી વડે સુધાર્યા વગર સીધું જ ખાઈ શકાય છે. સીતાફળ ને ઇંગ્લિશમાં કસ્ટર્ડ એપલ કહેવાય છે જેના ફાયદા એપલ જેટલા જ છે. ઉપરથી આછા લીલા કલરનું અને અંદર કાળા નાના બી પર નરમ મુલાયમ અને રસદાર ભરપૂર મીઠો ગર હોય છે, જેને જોતાં જ મોમા પાણી આવી જાય છે. વિટામિન બી થી ભરપૂર સીતાફળમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ તેમજ ફાઈબરની માત્રા હોવાથી તેનું નિયમિત સેવન શારીરિક સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. બાળકથી લઈને વૃદ્ધ સુધીના દરેકને ભાવતું આ ફળ ખાવાના અનેક ફાયદા છે. ફ્રૂટની જેમ ખાવાથી લઈને સીતાફળની બાસુંદી, દૂધપાક, આઈસ્ક્રીમ શેક તેમજ હલવો અને જુદી જુદી મીઠાઈઓ પણ બને છે. અત્યારે જ્યારે બજારમાં ખૂબ સીતાફળ આવી રહ્યા છે ત્યારે નિયમિત ડાયેટમાં તેનો સમાવેશ કરીને ભરપૂર લાભ મેળવીએ.
સીતાફળમાં ફાઈબર હોવાથી તે ખોરાક પચવામાં ઉપયોગી છે જેથી જમીને અડધું સીતાફળ ખાવાથી પાચનમાં અને કબજિયાતમાં ફાયદો થાય છે.
સીતાફળમાં શર્કરા અને કાર્બોહાઇડ્રેટ્સ હોવાથી નબળું શરીર હોય તેને વજન વધારવામાં ઉપયોગી છે સવારે નાસ્તામાં 1 કપ દૂધ સાથે અડધા કપ સીતાફળનો પલ્પ ઉમેરી શેકની જેમ લેવાથી ફાયદો થાય છે.
સીતાફળમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોવાથી સિઝનમાં આખા દિવસ દરમ્યાન એક સીતાફળ ખાવાથી હૃદયને લગતી બીમારીથી દૂર રહી શકાય છે.
ઝીંક અને કોપર સ્કિન અને વાળ માટે ફાયદાકારક છે. નિયમિત સીતાફળના સેવનથી સ્કિન ચમકદાર થાય છે. આ ઉપરાંત સીતાફળના પલ્પ થી ફેસ પર મસાજ કરવાથી પણ ચમક આવે છે.
સીતાફળમાં રહેલ આયર્ન અને કોપર ગર્ભવતી સ્ત્રી માટે ખૂબ ફાયદાકારક છે તેથી નિયમિત એક સીતાફળનું સેવન શરીરમાં ઉપયોગી તત્ત્વોને બેલેન્સ રાખે છે. છતાં ડોક્ટરની સલાહ-તાસીર મુજબ સેવન કરવું.
તેમાં રહેલ શર્કરા અને વિટામિન બી મગજને તરોતાજા રાખે છે, તેથી થાક,ટેન્શન અને તનાવમાં સીતાફળ ખાવાથી રિલેક્સ થવાય છે તનાવ દૂર થાય છે.

રિલેટેડ ન્યૂઝ