વિખુટા પડેલા માજીને શોધીને, પરિવાર સાથે મિલન કરાવ્યું

જુનાગઢ તા. 14

પરિક્રમા દરમિયાન તંત્રની વધુ એક સરાહનીય કામગીરી
જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે યોજાતી ગિરનાર પરિક્રમામાં આવતા લાખો માણસોની થોડીક બેદરકારીથી તેઓના બાળકો, પરિવારજનો વિખુટા પડી જવાના બનાવો અવાર નવાર બને છે, ત્યારે આ વર્ષે જૂનાગઢ પોલીસ દ્વારા બંદોબસ્તની સાથે પોલીસ પ્રજાની મિત્ર છે એ વાતને સાર્થક કરતાં સરાહનીય કામગીરી હાથ ધરી અનેક વિખુટા પડેલા સ્વજનોને પરિવાર સાથે મેળવી આપી લોકોના પ્રસંસના અધિકારી બન્યા હતા.
જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે યોજાયેલ ગિરનાર પરિક્રમામાં ભવનાથ ખાતે પોલીસ સ્ટાફને અમદાવાદ શહેરના નરોડા ખાતેથી પરિક્રમા કરવા આવેલ રૈયાબેન જગમલભાઈ ડોડીયા (ઉવ. 70) નામની વૃધ્ધાએ પોલીસને એવી જાણ કરેલ કે, પોતાની સાથે પરિક્રમા કરવા આવેલ હેમાબેન (ઉવ. 65) માળવેલા, નળ પાણીની ઘોડી, બોરદેવી પાસે જુદા પડી ગયેલા છે. આથી ભવનાથ પોલીસની સ્પેશિયલ બનાવવામાં આવેલ ખાસ ખોયા પાયા ટીમ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવેલ હતી. તથા બીજા દિવસે ગુમ થનાર હેમાબેન નામના વૃદ્ધાને સાંજના સમયે શોધી કાઢી, જાણ કરનાર રૈયાબેન જગમાલભાઈનો સંપર્ક કરવામાં આવતા, રૈયાબેન સોમનાથ દર્શન કરવા નીકળી ગયા હતા અને હેમાબેનને સીધા અમદાવાદ પહોંચી જવા તથા પહોંચાડી દેવા જણાવેલ હતું.
ઉંમરલાયક અને જૂનાગઢ ભવનાથ વિસ્તારના અજાણ વૃદ્ધા જાતે અમદાવાદ કઈ રીતે પહોંચશે…? તે બાબત ચિંતામાં પડી ગયેલા. ઉંમરલાયક વૃદ્ધા હેમાબેનની સમસ્યા પોલીસ સમજી ગયેલ અને તેઓની પાસે ભાડું છે કે કેમ..? તેવું પૂછતાં, મોટી ઉંમરના માજી હેમાબેન ચિંતામાં પડી ગયેલા અને આંખોમાં ઝળઝળિયા આવી ગયેલા. ત્યારે પરિસ્થિતિ પામી ગયેલા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ મહાસાગર ટ્રાવેલ્સના માલિક અજયભાઈ ઉર્ફે અભિ સુખવાણીનો સંપર્ક કરી, મોટી ઉંમરના માજી હેમાબેન માટે ટ્રાવેલ્સની બસમાં ટીકીટ બુક કરાવી, મોબાઈલ પેટ્રોલિંગમાં રહેલ મહિલા પીએસઆઇ કવિતાબેન ઠાકરિયા તથા મહિલા પોલીસ સાથે મહાસાગર ટ્રાવેલ્સની બસમાં બેસાડી, અમદાવાદ પહોંચાડવા તજવીજ કરી, હેમખેમ તેના પરિવારજનોને સોંપવામાં આવેલ હતા.
મોટી ઉંમરના માજીની જૂનાગઢ પોલીસે સાર સંભાળ રાખી, રાત્રીના ભોજન જમાડવામાં પણ આવતા મોટી ઉંમરના વૃદ્ધા બસમાં બેસવા સમયે પોલીસથી છુટા પડવા સમયે ગદગદ થઈ ગયેલ હતા.
અમદાવાદ ખાતે પહોંચી, મોટી ઉંમરના માજી હેમાબેન તથા જાણ કરનાર રૈયાબેન જગમાંલભાઈએ મોબાઈલ ફોન ઉપર પોતે હેમખેમ પહોંચી ગયાની જાણ કરી, હાલમાં બંને માજીઓ સત્સંગમાં જ બેઠા હોય, ભગવાન પાસે જૂનાગઢ પોલીસ માટે પ્રાર્થના કરવા અંગે તેમજ પોતાની 65 થી 70 વર્ષની ઉંમરમાં આવી પોલીસ પહેલી વાર જોઈ હોવાનું જણાવી, જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસ દ્વારા પણ પોતાની ફરજના ભાગરૂપે કાર્યવાહી કરેલાનું જણાવી, પોતાનો ખ્યાલ અને તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી…
જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક સૌરભસિંઘ દ્વારા બનાવવામાં આવેલ ખાસ ખોયા પાયા ટીમ દ્વારા ભવનાથ ખાતેના પરિક્રમા બંદોબસ્ત દરમિયાન પોતાના પરિવારથી વિખુટા પડી ગયેલા અસંખ્ય લોકોને પોતાના પરિવાર સાથે મિલન કરાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું

રિલેટેડ ન્યૂઝ