બ્રેસ્ટ કેન્સર: સાવચેતી અને સારવાર

સ્તનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર લાગે તો તુરંત જ મેમોગ્રાફી કરાવવી અથવા ડોક્ટરનો સંપર્ક કરવો

વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં બ્રેસ્ટ કેન્સરની અનેક સારવાર ઉપલબ્ધ

વર્તમાન સમયમાં લોકો અનેક બીમારીઓનો સામનો કરી રહ્યા છે જેમાં અમુક બીમારીઓ અસાધ્ય અને જીવલેણ હોય છે. કેન્સરને લોકો આ પ્રકારની બીમારી માને છે પરંતુ આજના વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં કેન્સરની સારવાર પણ શક્ય છે.કેન્સરના અનેક પ્રકાર છે જેમાં મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધારે હોય છે.બ્રેસ્ટ કેન્સરનો ઈલાજ શક્ય છે તેમજ જોખમી ગણાતું નથી છતાં સાવચેતી અને સારવાર જરૂરી છે.
સ્તન કેન્સરના 60 ટકા જેટલા કિસ્સામાં કેન્સરની શરૂઆત સ્તનના ઉપર અને બહારના ભાગમાં થાય છે. સ્તનનો એક કોષ કેન્સર થવાથી વૃદ્ધિ પામે છે અને એકમાંથી બે થતાં સો દિવસ જેટલો સમય લાગે છે. આ રીતે બેમાંથી ચાર અને ચારમાંથી આઠ થઇને એક સે.મી વ્યાસ ધરાવતી ગાંઠ બનવા માટે કુલ આઠથી નવ વર્ષ જેટલો સમય થાય છે. સામાન્ય રીતે એક સે.મી. કે તેથી મોટી ગાંઠને જ અડવાથી ઓળખી શકાય છે.કોઈ પણ ઉંમરે આ કેન્સર થવાની શકયતા છે તેથી મહિલાઓએ જાગૃત રહેવું જરૂરી છે.

સારવાર:
જો શરૂઆતના તબક્કામાં સ્તન કેન્સરનું નિદાન થઇ જાય તો કેન્સરની ગાંઠ અથવા તો આખેઆખું સ્તન કાઢી નાંખવાનું ઓપરેશન(ટોટલ મેસ્ટેકટોટોની)કરીને દર્દીની જિંદગી બચાવી શકાય છે.
અમુક કિસ્સામાં રેડિએશન થેરેપીનો ઉપયોગ થાય છે.
કેમોથેરેપીમાં કેન્સરના કોષોને દૂર કરવામાં આવે છે.
અમુક કિસ્સામાં ઇમ્યુનો થેરેપી પણ કરવામાં આવે છે.
જો કેન્સરના કોષો બગલની લસિકાગ્રંથીઓમાં પણ પહોંચી ગયા હોય તો ઓપરેશન ઉપરાંત રેડિયોથેરેપી (કિરણોત્સર્ગ ઉર્ફે લાઇટ આપવા)થી કેન્સર નાબૂદ થઇ શકે છે.
માત્ર સ્તન સુધી જ સિમિત રહેલ કેન્સરના દર્દીઓમાંથી 75 ટકા દર્દી 10 વર્ષથી વધુ જીવે છે જયારે બગલમાં પહોંચેલ કેન્સરના દર્દીમાંથી માત્ર 25 ટકા દર્દી જ 10 વર્ષથી લાંબુ જીવે છે. *બગલની લસિકાગ્રંથિથી આગળ વધેલ (શરીરના અન્ય અવયવોમાં પહોંચેલ) સ્તન કેન્સરના દર્દીઓમાં રેડિયોથેરેપી, હોર્મોનથેરેપી અથવા કેન્સરના કોષોને ખતમ કરતી કીમોથેરેપી વપરાય છે.

રિલેટેડ ન્યૂઝ