વીર વીરા

વીર વીરા અને દોસ્તોએ જોયું કે ચાની દુકાનમાં કામ કરતો રાજુ રડતો હતો અને કદાચ એને મદદની જરૂર હતી વીર વીરા અને દોસ્તોએ યોજના બનાવી અને રાજુને મજુરી કામમાંથી છોડાવ્યો

રાજગઢ ગામમાં દિવાળી હજુ પૂર્ણ થઇ છે અને દેવદિવાળીની લોકો રાહ જોઇ રહ્યા છે તેથી અનેક જગ્યાએ રોશનીના શણગાર હજુ અકબંધ છે. વાતાવરણ આનંદ અને ઉલ્લાસમય છે. શાળાઓનો હજુ પ્રારંભ જ થયો છે. ઘણા દિવસ બાદ બધા મિત્રો મળવાથી વીર વીરા અને દોસ્તો મજાક-મસ્તી કરતા શાળાએ પહોંચે છે. બીજા દિવસે બાળદિન હોવાથી આજે પ્રિન્સીપાલે પ્રાર્થના બાદ 14 નવેમ્બરે શા માટે બાળદિન ઉજવવામાં આવે છે તે વાત કરી બાળકોના હક્કો સમજાવ્યા અને આ દિવસ એટલે બાળકોને પ્રેમ અને હુંફ આપવાનો દિવસ. બાળદિનના દિવસે અડધો દિવસ જ ભણવાનું અને બાકી જુદા-જુદા કાર્યક્રમો અને ગેઇમ્સનું આયોજન કરવામાં આવ્યું છે એમ પ્રિન્સીપાલ સરે જાહેરાત કરી બધા જ વિદ્યાર્થીઓ તો ખુશ થઇ ગયા. શાળા છૂટયા બાદ બધા વિદ્યાર્થીઓ ચાલીને જતા હતા ત્યાં નજીક ફૂટપાથ પર એક છોકરો રડી રહ્યો હતો. વીરાનું ધ્યાન પડતા તે દોસ્તોને લઇને ત્યાં જાય છે. પેલા બાળકને બધું પૂછતા ખબર પડી કે તેનું નામ રાજુ છે, તે સામેની ચાની દુકાનમાં તે કામ કરતો હતો અને દુકાનનો માલિક તેની સાથે ખરાબ વર્તન કરતો હતો. ઓછા પૈસે ખૂબ કામ કરાવતો હતો અને ખાવાનું પણ આપતો નહોતો.
હજુ શાળામાં બાળદિનને લઇને વાતો સાંભળી તો બધા બાળકોને થયું કે રાજુને પણ ભણવાનો, મોજ-મસ્તી કરવાનો અધિકાર છે. બાળકો હજુ તો કંઇ બોલે કે વિચારે તે પહેલા દુકાનના માલિકે બુમ પાડતા રાજુ રડતો રડતો ચાલ્યો જાય છે બધા મિત્રો તો સ્તબ્ધ થઇ જાય છે હવે શું કરવું ?
વીરાએ જઇને માતા-પિતાને વાત કરી અને એક પ્લાન બનાવ્યો. બીજા દિવસે શાળાએ જવાના સમયે જોયું તો પેલી ચાની દુકાન ખુલી ગઇ હતી અને રાજુ બહાર ગોઠવેલા ટેબલ સાફ કરી રહ્યો હતો. વીર વીરા અને દોસ્તોને જોતા રાજુ ખુશ થઇ ગયો પણ આ શું ? પાછળ તો પોલીસ પણ આવતી હતી. રાજુ એક મિનિટ માટે ડરી ગયો પરંતુ પોલીસ તો સીધી દુકાનના માલિક પાસે પહોંચી ગઇ અને બાળમજુરી કરાવવા સામે ફરિયાદની વાત દોસ્તોએ કરી. દુકાનનો માલિક તો ડરી ગયો અને પોતાની ભૂલ સ્વીકારી અને હાથ જોડી માફી માગવા લાગ્યો. પોલીસે તેને વોર્નિંગ આપી અને રાજુને લઇને બધા ચાલતા થયા અને તેને તેના માતાપિતા પાસે મુકવાની વાત થઇ પરંતુ પ્લાન મુજબ બધા દોસ્તોએ રાજુ માટે લાવેલા નવા કપડાં પહેરાવ્યા અને રાજુને સ્કૂલે લઇ ગયા. પ્રિન્સીપાલ સરને બધી વાત કરતા તેઓએ બાળકોને શાબાશી આપી અને તેના માતા-પિતાને મળીને શાળામાં એડમિશન અપાવવાની પણ વાત કરી. બધા જ ખુશખુશ થઇ ગયા અને સાચા અર્થમાં બાળદિનની ઉજવણી કરી.
બોધ : બાળકની ઉંમર ભણવા, રમવા, નાચવા અને ગાવાની છે તેની પાસે ગજા ઉપરાંતનું કામ કરાવવું એ ગુન્હો બને છે તેથી બાળકને ખીલતા અને ખેલતા
રહેવા દો.

રિલેટેડ ન્યૂઝ