રાષ્ટ્રીય

‘જે કંઈ થયું તેના માટે sorry, હું કાયદાનું સન્માન કરું છું…’ જેલમાંથી છૂટ્યા બાદ જુઓ અલ્લુ અર્જુને શું કહ્યું

Published

on

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને તેલંગાણા હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ આજે (14 ડિસેમ્બર) સવારે હૈદરાબાદ સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. અભિનેતાના પિતા અલ્લુ અરવિંદ અને સસરા કંચરલા ચંદ્રશેખર તેમને રિસીવ કરવા પહોંચ્યા હતા. અલ્લુ અર્જુનના ફેન્સ તેની રિલીઝથી ઘણા ખુશ છે. જેલમાંથી છૂટ્યા બાદ અલ્લુ અર્જુન તેના પરિવાર સાથે તેના ઘરે પહોંચી ગયો છે. ઘરે પહોંચીને તેણે તમામ ચાહકોના પ્રેમ અને સમર્થન માટે આભાર માન્યો.

જેલમાંથી બહાર આવ્યા બાદ અલ્લુ અર્જુને મીડિયા સાથે વાત કરી હતી. તેણે કહ્યું- ચિંતા કરવાની કોઈ વાત નથી. હું ઠીક છું. હું કાયદામાં માનું છું. આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે તેથી હું વચ્ચે ટિપ્પણી નહીં કરું. હું કાયદાનું પાલન કરતો નાગરિક છું. હું પોલીસને સહકાર આપીશ.

‘જે મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો તેના પરિવાર પ્રત્યે મારી સંવેદના. આ એક કમનસીબ ઘટના હતી. પરિવારને દરેક સંભવ મદદ કરવા હું હાજર રહીશ. દરેકના પ્રેમ અને સમર્થન માટે ખૂબ ખૂબ આભાર. તમારા સમર્થનને કારણે આજે હું અહીં છું. હું મારા ચાહકોનો આભાર માનવા માંગુ છું.

જેલમાંથી બહાર આવ્યા બાદ અલ્લુ અર્જુન ઘરે પહોંચતા પહેલા ગીતા આર્ટસની ઓફિસે પહોંચ્યો હતો. ગીતા આર્ટસ દક્ષિણ ભારતીય સિનેમાની સૌથી મોટી અને લોકપ્રિય ફિલ્મ નિર્માણ અને વિતરણ કંપની છે. તેની શરૂઆત 1972માં અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદે કરી હતી. અભિનેતા અલ્લુ અર્જુન પણ તેને ચલાવે છે. પોતાનું પ્રોડક્શન હાઉસ ગીતા આર્ટ્સ છોડ્યા બાદ અલ્લુ તેના પરિવાર સાથે સીધો તેના ઘરે ગયો. તેમના ઘરની બહાર પહેલેથી જ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ‘પુષ્પા 2’ની સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન ભાગદોડને કારણે એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો. આ કેસમાં ગત રાત્રે (13 ડિસેમ્બર) એક્ટર અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી. અલ્લુ અર્જુનને 14 દિવસના રિમાન્ડ પર મોકલ્યા બાદ શુક્રવારે તેને ચંચલગુડા સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યો હતો.

બાદમાં તેલંગાણા હાઈકોર્ટે તેમને રૂ. 50,000ના અંગત બોન્ડ પર વચગાળાના જામીન આપ્યા હતા. પરંતુ આ પછી પણ તેને જેલમાં રાત વિતાવવી પડી હતી, કારણ કે એવું કહેવામાં આવ્યું હતું કે જામીન ઓર્ડરની નકલો ઓનલાઈન અપલોડ કરવામાં આવી ન હતી, જેના કારણે અભિનેતાને જેલમાં રાત વિતાવવી પડી હતી.

તેમના વકીલ અશોક રેડ્ડીએ અભિનેતાને આપવામાં આવેલા જામીનના આદેશનું પાલન ન કરવા બદલ હૈદરાબાદ જેલ સત્તાવાળાઓની ટીકા કરી હતી. વકીલે કહ્યું, ‘હૈદરાબાદ પોલીસ અને ચંચલગુડા જેલ પ્રશાસનને ગઈકાલે જ હાઈકોર્ટના આદેશની કોપી મળી હતી, જેમાં જેલ અધિક્ષકને સ્પષ્ટપણે અલ્લુ અર્જુનને તાત્કાલિક મુક્ત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. સુપરિન્ટેન્ડેન્ટે તેની મુક્તિ સુનિશ્ચિત કરવા સૂચનાઓ પણ આપી હતી, પરંતુ જેલ પ્રશાસને તેને મુક્ત કર્યો ન હતો. આ ગેરકાયદેસર અટકાયત હતી અને તેણે તેના માટે જવાબ આપવો પડશે. અમે કાયદેસરની કાર્યવાહી કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version