ધ્રોલ શહેરમાં જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી ચોરીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ધ્રોલ નગરપાલિકા સામે ચંદ્રસિંહજી સ્કૂલ પાસે આવેલ તુલજા ભવાની જ્વેલર્સ નામની દુકાનમાં અજાણ્યા ચોરોએ પાછળની દિવાલમાં બખોલ પાડી અંદર પ્રવેશ કરીને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે દુકાનના માલિક સોની વેપારી પ્રકાશભાઈ હેમતલાલ ભીંડી (રહે. હડીયાણા ગામ, તા. જોડીયા) એ ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેઓ તુલજા ભવાની જ્વેલર્સની દુકાન ચલાવી રહ્યા છે.
ફરિયાદમાં જણાવ્યું મુજબ, તા. 14/01/2026 ના રોજ મકરસંક્રાંતિના તહેવારના કારણે દુકાન બંધ રાખવામાં આવી હતી. તે જ રાત્રે આશરે પોણા અગિયાર વાગ્યાની આસપાસ, દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરા બંધ દેખાતા માલિકના પુત્ર ચિરાગભાઈએ મોબાઇલ મારફતે ચેક કરતાં શંકાસ્પદ હલચલ નજરે પડી હતી. રેકોર્ડિંગમાં અજાણ્યા ઇસમો દુકાનની પાછળથી દિવાલમાં બખોલ પાડી અંદર પ્રવેશ કરતા અને એક ઇસમ કેમેરા પર કપડું ઢાંકી દેતો દેખાયો હતો.
તાત્કાલિક આ બનાવની જાણ જામનગર પોલીસ કંટ્રોલ રૂૂમમાં કરવામાં આવી હતી. બાદમાં માલિક અને તેમના પુત્ર દુકાને પહોંચી તપાસ કરતા દુકાનની પાછળની દિવાલમાં બખોલ, કેમેરા ઢાંકેલ હાલતમાં તેમજ દુકાનમાં સામાન વેરવિખેર પડેલો જોવા મળ્યો હતો. તપાસ દરમિયાન તીજોરી અને શોકેસમાંથી ચાંદીના અંદાજે 3 કિલો દાગીના તથા સોનાના આશરે 15 તોલા દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું હતું. ચોરાયેલા સોના-ચાંદીના દાગીનાની કુલ કિંમત અંદાજે રૂૂ. 17,58,000/- હોવાનું માલિકે જણાવ્યું છે. આ સમગ્ર બનાવ અંગે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરોને ઝડપી લેવા તપાસ શરૂૂ કરી છે.

