ગોપાલ ઈટાલિયા પર ફરી જૂતું ફેકાયું

માળિયા હાટીના ખાતે જાહેર સભામાં બનેલી ઘટના, ઈટાલિયાનો ભાજપ પર આરોપ ગુજરાતના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફરી એક વખત જૂતું ફેંકવાની ઘટના…

માળિયા હાટીના ખાતે જાહેર સભામાં બનેલી ઘટના, ઈટાલિયાનો ભાજપ પર આરોપ

ગુજરાતના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફરી એક વખત જૂતું ફેંકવાની ઘટના બની છે. આ વખતે માળિયાહાટીનામાં ખેડૂત સભા દરમિયાન વક્તવ્ય આપતા સમયે એક યુવાને તેમના પર જૂતું ફેંક્યું હતું. જો કે, જૂતું ગોપાલ ઈટાલિયા સુધી પહોંચ્યું નહોતું. આ ઘટના બાદ આપ કાર્યકરો અને પોલીસે જૂતું ફેંકનાર યુવાનને તરત જ પકડી લીધો હતો. આ ઘટના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.

ઘટના અનુસાર, ગોપાલ ઈટાલિયા માળિયાહાટીનામાં ખેડૂત સભાને સંબોધિત કરી રહ્યા હતા. તેઓ વક્તવ્ય આપી રહ્યા હતા ત્યારે અચાનક એક યુવાને તેમની તરફ જૂતું ફેંક્યું. જો કે, જૂતું તેમના સુધી પહોંચ્યું નહીં અને તેના કારણે કોઈ ઈજા થઈ નથી. આપ કાર્યકરોએ તરત જ યુવાનને પકડી લીધો અને પોલીસને સોંપી દીધો. પોલીસે યુવાનની પૂછપરછ શરૂૂ કરી છે અને આ ઘટના પાછળનું કારણ તપાસી રહી છે. જો કે આ શખ્સની ઓળખ જાહેર કરાઈ નથી.

ઘટના બાદ ગોપાલ ઈટાલિયાએ પોતાનું વક્તવ્ય ચાલુ રાખ્યું અને ભાજપ પર તીવ્ર પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે, રાજકીય ઇશારે આવા કૃત્યો કરાવવામાં આવે છે. અમે એવું શું ખોટું કર્યું છે? અમારી દરેક સભામાં આવા કૃત્યો કરાવે છે. ફોન આવે પછી આવી પ્રવૃત્તિ કરવામાં આવે છે. તેમણે આને રાજકીય કાવતરું ગણાવ્યું અને કહ્યું કે આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતા અને વિરોધી અવાજને દબાવવા માટે આવા પગલાં લેવામાં આવે છે.

આ ઘટના ગોપાલ ઈટાલિયા પર થયેલા બીજા હુમલાના સ્વરૂૂપમાં છે. અગાઉ ડિસેમ્બર 2025માં જામનગરમાં પણ તેમના પર જૂતું ફેંકવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ કાર્યકરની સંડોવણી હતી. તે સમયે પણ તેમણે આને રાજકીય કાવતરું ગણાવ્યું હતું. હવે માળિયાહાટીનામાં થયેલી આ ઘટના રાજકીય વાતાવરણને વધુ ગરમાવી રહી છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આને ભાજપના ઇશારે થયેલું કૃત્ય ગણાવ્યું છે અને તપાસની માંગ કરી છે.