Site icon Gujarat Mirror

ઝોજીલા પાસ પર હિમપ્રપાતમાં સાત પ્રવાસી માટે બરફની ચાદર જ કફન

પાંચની હાલત ગંભીર, હજુ મૃત્યુ આંક ઉંચે જવાનો ભય: સેનાનું દિલધડક રેસ્કયુ ઓપરેશન

લદ્દાખના ગેટવે ગણાતા વ્યૂહાત્મક ઝોજીલા પાસ પર કુદરતે રૌદ્ર સ્વરૂૂપ ધારણ કરતા મોટી દુર્ઘટના ઘટી છે. ’કેપ્ટન ટર્ન’ અને ’ઝીરો પોઇન્ટ’ નજીક અચાનક તૂટી પડેલા પ્રચંડ હિમપ્રપાતે મુસાફરો ભરેલા વાહનોને પળવારમાં પોતાની લપેટમાં લઈ લીધા હતા. આ હૃદયદ્રાવક ઘટનામાં એક માસૂમ બાળક અને મહિલા સહિત કુલ 7 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 5 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. અચાનક આવેલા બરફના પહાડે હાઈવે પર જઈ રહેલા વાહનોને રમકડાની જેમ ફંગોળી દીધા હતા, જેના કારણે રસ્તો તાત્કાલિક અસરથી બંધ કરી દેવો પડ્યો છે અને આખો વિસ્તાર જાણે સફેદ સ્મશાનમાં ફેરવાઈ ગયો છે.

દુર્ઘટનાની જાણ થતા જ ભારતીય સેના, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) અને SDRFની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાડ થીજવી દેતી ઠંડી અને બરફના તોફાન વચ્ચે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂૂ કરવામાં આવી છે. હાઈ-ટેક મશીનરી અને સ્નિફર ડોગ્સની મદદથી બરફ નીચે દટાયેલા લોકોને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહે આ ઘટના પ્રત્યે ઘેરો શોક વ્યક્ત કર્યો છે, જ્યારે લદ્દાખના એલજી વી.કે. સક્સેનાએ કારગિલના વહીવટીતંત્રને હાઈ એલર્ટ પર રાખીને ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવા અને ગુમ થયેલા એક વ્યક્તિની સઘન શોધખોળ કરવા આદેશ આપ્યો છે.

આ દુર્ઘટનાએ પહાડી રસ્તાઓ પર મુસાફરી કરતા પ્રવાસીઓની સુરક્ષા સામે ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, હજુ પણ કેટલાક વાહનો બરફના થર નીચે દટાયેલા હોવાની શક્યતા છે, જેના કારણે મૃત્યુઆંકમાં વધારો થઈ શકે છે. હાલમાં શ્રીનગર-લેહ નેશનલ હાઈવે પર ટ્રાફિકની અવરજવર સંપૂર્ણપણે થંભાવી દેવામાં આવી છે અને લોકોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી આ માર્ગ પર મુસાફરી ન કરવા કડક સૂચના આપવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા હેલ્પલાઈન નંબરો જારી કરવામાં આવ્યા છે જેથી અસરગ્રસ્ત પરિવારો માહિતી મેળવી શકે.

Exit mobile version