Site icon Gujarat Mirror

આસામમાં એમ્બ્યુલન્સ સાથે ટ્રક અથડાતા સાત લોકોના કરૂણ મોત

આસામના સોનિતપુર જિલ્લામાં રવિવારે મોડી રાત્રે એક એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સામસામે ટક્કર થઈ હતી, જેમાં સાત લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર, ટ્યૂલિપ ટી ગાર્ડનથી એક દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ રવિવારે મોડી રાત્રે જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 15 પર એક ટ્રક સાથે અથડાઈ હતી. દર્દીના પરિવારના સભ્યો પણ એમ્બ્યુલન્સની અંદર હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા છે. ઘટનાસ્થળે પહોંચેલી બચાવ ટીમોએ ટ્રાફિક પુન:સ્થાપિત કર્યો છે.

સોનિતપુરના એસએસપી બરુણ પુરકાયસ્થે જણાવ્યું હતું કે એમ્બ્યુલન્સ એક દર્દી અને તેના પરિવારના સભ્યોને તેજપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જઈ રહી હતી ત્યારે ઢેકિયાજુલી પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 15 પર અકસ્માત થયો હતો.

એસએસપીએ જણાવ્યું હતું કે, છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તેજપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં એક વ્યક્તિનું મોત થયું છે.

એસએસપીએ જણાવ્યું હતું કે પોલીસ અને કટોકટી સેવાના કર્મચારીઓ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂૂ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે અકસ્માતને કારણે ખોરવાયો હાઇવે પરનો ટ્રાફિક પુન:સ્થાપિત કરવામાં આવ્યો છે.

Exit mobile version