Site icon Gujarat Mirror

તમિલનાડુમાં 60 ફૂટ ઉંચો રથ પલટતા સાત શ્રધ્ધાળુઓના મોત, 20થી વધુ ઘાયલ

તમિલનાડુના વેલ્લોર જિલ્લામાં પરંપરાગત ’માયાના કોલ્લઈ’ ઉત્સવ દરમિયાન એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ઉત્સવના ભાગરૂૂપે કાઢવામાં આવી રહેલો 60 ફૂટ ઊંચો વિશાળ રથ અચાનક સંતુલન બગડવાને કારણે શ્રદ્ધાળુઓ પર પલટી ગયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે અનેક લોકો રથ નીચે દબાઈ જવાથી ગંભીર રીતે ઘાયલ થયા છે.

મળતી માહિતી મુજબ, વેલ્લોરના એક સ્થાનિક મંદિરમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી ચાલી રહી હતી. હજારોની સંખ્યામાં ભક્તો રથ ખેંચી રહ્યા હતા ત્યારે રથનો ઉપરનો ભાગ એકાએક નમી પડ્યો હતો અને જોતજોતામાં આખો રથ ધરાશાયી થયો હતો. રથ પલટતાની સાથે જ નાસભાગ મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા દોડવા લાગ્યા હતા. જોકે, રથની આસપાસ ઉભેલા લોકો તેની નીચે કચડાઈ ગયા હતા.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જેસીબી અને અન્ય મશીનોની મદદથી રથને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે વેલ્લોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, કેટલાક ઘાયલોની હાલત અત્યંત નાજુક હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે.

આટલો વિશાળ રથ કાઢતી વખતે સુરક્ષાના પૂરતા માપદંડો જાળવવામાં આવ્યા હતા કે નહીં તે અંગે હવે સવાલો ઉઠી રહ્યા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, રથની ઉંચાઈ વધુ હોવાથી અને રસ્તાની સ્થિતિ તેમજ ભીડના દબાણને કારણે આ અકસ્માત સર્જાયો હોઈ શકે છે. રાજ્ય સરકારે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.

Exit mobile version