Site icon Gujarat Mirror

સર્વિસ સેક્ટરની ધોલાઇ, અનેક સેક્ટરમાં સ્પષ્ટતાના અભાવે મૂંઝવણ

સત્તાવાર પરીપત્રની રાહમાં ઉદ્યોગજગત: 12 ટકા સ્લેબની દરેક વસ્તુનો GST 5 ટકા થયો કે કેમ તે બાબતે અવઢવ

ગઈકાલે નવી દિલ્હીમાં યોજાયેલી જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં લેવાયેલા નિર્ણયોએ રાજકોટના સર્વિસ સેક્ટર સહિત ઘણા ઉદ્યોગોમાં મુંજવણ ઉભી કરી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જીએસટી દરોને બે સ્લેબ (5% અને 18%)માં સરળ બનાવવા અને લક્ઝરી તથા સિન ગુડ્સ માટે 40%નો દર નક્કી કરવાની ભલામણ કરવામાં આવી. જોકે, સર્વિસ સેક્ટર માટે સ્પષ્ટ દિશાનિર્દેશનો અભાવ ઉદ્યોગો માટે ચિંતાનું કારણ બન્યો છે.

ગઇકાલે હાલના 12 ટકા અને 28 ટકાના જીએસટી સ્લેબ દુર કરવાની જાહેરાત બાદ અનેક ઉત્પાદકો અવઢવમાં મુકાઇ ગયા છે. ગઇકાલે પ્રેસ બ્રીફીંગમાં અનેક વસ્તુઓની યાદી જાહેર કરાઇ છે. પરંતુ 12 ટકા અને 28 ટકા સ્લેબની દરેક વસ્તુનો જીએસટી સ્લેબ વધારાયો છે કે ઘટાડાયો છે તે અંગે કોઇ સ્પષ્ટતા કરાઇ નથી. આ સ્પષ્ટતા અંગે સતાવાર પરિપત્રની રાહ જોવાઇ રહી છે.

સર્વિસ સેકટરમાં સરકારી કોન્ટ્રાકટરોને 18 ટકા જીએસટીના દાયરામાં લાવી દેવાય છે. 75 ટકાથી વધુ માટીનું કામ હોય તેના કોન્ટ્રાકટ અને પેટા કોન્ટ્રાકટ પર 18 ટકા જીએસટીની જોગવાઇ કરી દેવાઇ છે. આ ઉપરાંત્ત કયાંય વ્યાખ્યાવિત ન હોય એ પ્રકારના જોબવર્ક પર પણ 18 ટકા જીએસટી લાગુ કરવામાં આવશે.
રાજકોટના સર્વિસ સેક્ટર, જેમાં હોસ્પિટાલિટી, ટ્રાન્સપોર્ટ અને આઈટી સેવાઓનો સમાવેશ થાય છે, તેને જીએસટી દરોમાં ફેરફારની અસર અંગે અસ્પષ્ટતાનો સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટાલિટી અને વેલનેસ સેવાઓ પર જીએસટી દરમાં ઘટાડો થયો હોવાનું જણાવાયું છે, પરંતુ ચોક્કસ સેવાઓ અને તેના દરો અંગે સત્તાવાર પરિપત્ર હજુ બાકી છે.

Exit mobile version