Site icon Gujarat Mirror

બોલિવૂડ સ્ટાર સૈફઅલી ખાન ઉપર જીવલેણ હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ, મોડી રાતે ઘરમાં ચોર ઘૂસ્યો

 

મુંબઇમાં બાંદ્રા સ્થિત નિવાસે બાળકોના બેડરૂમમાં ઘુસી ગયેલા તસ્કર સાથે ઝપાઝપી, છરીના છ ઘા ઝીંકી તસ્કર નાસી છુટ્યો, 3 ઇંચની ધારદાર છરી પણ શરીરમાંથી બહાર કઢાઇ: ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ખળભળાટ

બોલીવુડ સ્ટાર સૈફઅલી ખાન પર તેના ઘરમા જ છરી વડે જાનલેવા હુમલો થતા ખળભળાટ મચી ગયો છે. આજે રાત્રે અઢી વાગ્યા આસપાસ ચોરીના ઇરાદે ઘરમા ઘુસેલા શખ્સે સૈફઅલી ખાન પર છરીના છ જેટલા ઘા ઝીંકી દીધા હતા અને અભિનેતાને લોહીલુહાણ હાલતમા ગળામા છરી સાથે જ ગંભીર હાલતમા 3 વાગ્યે લીલાવતી હોસ્પિટલમા દાખલ કરાયો હતો. આ ઘટનાની જાણ થતા સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા ખળભળાટ મચી ગયો હતો. આ સાથે જ બાન્દ્રા જેવા પોશ એરીયામા આ ઘટનાથી મુંબઇ પોલીસ સામે પણ સુરક્ષાને લઇ અનેક સવાલો ઉભા થયા છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે બોલીવુડ એકટર સૈફઅલી ખાન પર તેના ઘર સતગુરૂ શરણ એપાર્ટમેન્ટમા સાતમા માળે આવેલા ફલેટમા અજાણ્યો શખ્સ ચોરીના ઇરાદે ઘુસી આવ્યો હતો. તેણે શરૂઆતમા ઘરમા કામ કરતા મહિલા સ્ટાફે આ વ્યકિતને જોતા બુમાબુમ મચાવી હતી અને સૈફઅલી ખાન તેના બેડરૂમમાથી બાળકોના રૂમ બાજુ અવાજ સાંભળીને આવ્યો હતો. તે સમયે અજાણ્યા શખ્સે મારામારી કરતા તેના હાથમા રહેલ તીક્ષ્ણ છરીના છ ઘા સૈફઅલી ખાનને ઝીકી દીધા હતા અને આ ઝપાઝપીમા તેના મહિલા સ્ટાફને પણ હાથમા ઇજા થઇ હતી. જો કે પોલીસે જણાવ્યા અનુસાર એપાર્ટમેન્ટમા કોઇપણ જગ્યાએ ફોર્સ એન્ટ્રીના નિશાન મળ્યા નથી. આવી સ્થિતિમા પોલીસને પણ શંકા છે કે હુમલાખોર રાત્રી પુર્વે જ બિલ્ડીંગમા ઘુસી આવ્યો હશે. ગંભીર ઇજાઓથી અભિનેતા સૈફઅલી ખાન લોહીલુહાણ થઇ જતા તેને તાત્કાલીક લીલાવતી હોસ્પિટલમા ખસેડવામા આવ્યો હતો. જયા ડોકટરોની ટીમ દ્વારા સર્જરી કરીને ગળાના ભાગેથી અઢી ઇંચ લાંબુ તિક્ષ્ણ છરી જેવુ હથીયાર બહાર કાઢયુ હતુ. હોસ્પિટલના સતાવાર નિવેદનમા જણાવ્યા પ્રમાણે અભિનેતાને છ ઘા ઝીકાયા હતા જેમાથી બે ઘા ખુબ ઉંડા હતા. આ બે ઘા ગળા અને કરોડરજજુના ભાગે મારવામા આવ્યા હતા. હાલ સર્જરી કરી દેવામા આવી છે અને અભિનેતા આઇસીયુમા સારવાર હેઠળ દાખલ છે.

આ અંગે ડીસીપી ઝોન 9 દિક્ષિત ગેડમે સમગ્ર ઘટના અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે આરોપીની ઓળખ થઇ ચુકી છે અને આરોપીની ધરપકડ થાય તે બાદ વધુ વિગતો જાહેર કરવામા આવશે. આ અંગે પોલીસ દ્વારા સૈફઅલી ખાનની હાઉસ મેડની ફરીયાદ પરથી જાનથી મારી નાંખવાના ઇરાદે હુમલો કરવાના કલમ હેઠળ ફરીયાદ દાખલ કરી દેવામા આવી છે. હાલમા પોલીસ દ્વારા અલગ અલગ 1પ જેટલી ટીમો બનાવીને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરાઇ છે.

આ સમગ્ર ઘટના બની તે સતગુરૂ શરણ એપાર્ટમેન્ટ મુંબઇના પોશ બાન્દ્રા વિસ્તારમા આવે છે. જેને લઇને મમતા બેનર્જી, સંજય રાઉત, અરવિંદ કેજરીવાલ સહિતના રાજકારણીઓ અને બોલીવુડ સેલિબ્રીટીઓ દ્વારા મુંબઇ શહેરમા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર અનેક સવાલો ઉભા કરાયા છે.

સૈફની પીઆર ટીમ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન મુજબ સૈફના ઘરે ચોરીનો પ્રયાસ થયો હતો. હાલમાં તેની હોસ્પિટલમાં સર્જરી ચાલી રહી છે. મીડિયા અને ચાહકોને ધીરજ રાખવાની અપીલ. આ પોલીસ કેસ છે. અમે તમને પરિસ્થિતિ વિશે અપડેટ રાખીશું.

કરીના કપૂરની ટીમે એક નિવેદન જારી કરીને કહ્યું કે તેના ઘરમાં ચોરીનો પ્રયાસ થયો હતો. જેમાં સૈફના હાથમાં ઈજા થઈ હતી. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બાકીના પરિવારની તબિયત સારી છે. મીડિયાને ધીરજ રાખવા માટે કહેવામાં આવ્યું છે.

હુમલા સમયે એપાર્ટમેન્ટમાં ચારથી પાંચ લોકો હાજર હતા. ઘૂસણખોરે પહેલા અભિનેતાની નોકરડીનો સામનો કર્યો, જે દલીલ તરફ દોરી ગયો. જ્યારે ખાને દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઘુસણખોરે તીક્ષ્ણ વસ્તુથી તેના પર હુમલો કર્યો. હુમલાખોર હુમલા બાદ તરત જ ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.

મુંબઈ પોલીસે શંકાસ્પદને પકડવાના પ્રયાસો તેજ કર્યા છે. ગેડમે વધુમાં જણાવ્યું હતું કે, નસ્ત્રઅમે આરોપીની ઓળખ કરી લીધી છે, અને સમર્પિત ટીમો તેને શોધવા અને પકડવા માટે સક્રિયપણે કામ કરી રહી છે.સ્ત્રસ્ત્ર સત્તાવાળાઓએ ખાતરી આપી છે કે તેઓ કેસને ઉકેલવામાં કોઈ કસર છોડશે નહીં.

જ્યારે પોલીસે હજી વધુ વિગતો જાહેર કરવાની બાકી છે, ખાનના પ્રતિનિધિઓએ આ ઘટનાને ચોરીનો પ્રયાસ ગણાવ્યો હતો. તેઓએ તેમની પ્રાર્થના માટે ચાહકોનો આભાર માન્યો અને પુષ્ટિ કરી કે અભિનેતા ખતરામાંથી બહાર છે.

હુમલાની તપાસમાં દયા નાયકની એન્ટ્રી
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર તેના ઘરમાં ઘૂસીને થયેલા હુમલા મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. આ કેસની તપાસ કરી રહેલી ટીમનું નેતૃત્વ દયા નાયક કરી રહ્યા છે. જેમને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પણ ગણવામાં આવે છે. મુંબઈ પોલીસ અધિકારી દયા નાયક મુંબઈના બાંદ્રામાં અભિનેતા સૈફ અલી ખાનના ઘરની બહાર નીકળતા જોવા મળ્યા હતા. ગુનેગારોને એન્કાઉન્ટરમાં મારવા માટે હેડલાઇન્સ બનાવનાર દયા નાયકને ગયા વર્ષે જ મુંબઈ પોલીસ દ્વારા પ્રમોશન આપવામાં આવ્યું છે. નાયક, 1995 બેચના પોલીસમેન, ઘણા ગુનેગારોને એન્કાઉન્ટરમાં મારવા માટે જાણીતા છે. તેણે મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)માં પણ ત્રણ વર્ષ સેવા આપી છે. તેઓ 1996માં જુહુ પોલીસ સ્ટેશનમાં પોસ્ટીંગ થયા હતા. ત્યારથી, હીરોએ શહેરના કેટલાક સૌથી કુખ્યાત અંડરવર્લ્ડ નેટવર્કને તોડી પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

કરીના કપૂર ઘરે ન હોવાથી બચી ગઇ
આજે સવારે જ્યારે આઘાતજનક ઘટના બની ત્યારે કરીના કપૂર ખાન ઘરે ન હતી. જ્યારે તે તેની બહેન કરિશ્મા કપૂર અને નજીકના મિત્રો સોનમ કપૂર અને રિયા કપૂર સાથે ગર્લ્સ નાઈટ એન્જોય કરી રહી હતી. ખાન તેમના પુત્રો તૈમુર અને જેહ સાથે તેમના બાંદ્રા સ્થિત નિવાસસ્થાને હતા. સવારે 2.30 વાગ્યાની આસપાસ, પરિવાર સૂતો હતો ત્યારે એક લૂંટારુ ઘરમાં ઘૂસી ગયો હતો. સૈફ જાગી ગયો, સમજાયું કે ત્યાં કોઈ ઘુસણખોર છે, અને તરત જ ચોરનો સામનો કર્યો.

સૈફઅલી ખાનની પ્લાસ્ટિક સર્જરી થશે,કરોડરજ્જુના હાડકામાં ગંભીર ઈજા
સૈફના ઘરમાં મોડી રાતે ચોર ઘૂસી ગયો હતો. આ ચોરીની ઘટના બાંદ્રાવાળા બંગ્લોમાં બની હતી. જે દરમિયાન એક ચોરે સૈફ પર હુમલો કરી દીધો અને ઈજાગ્રસ્ત થયો. આ હુમલા દરમિયાન સૈફને કરોડરજ્જુ પાસે ખૂબ જ ઊંડો ઘા થયો છે. છરીના કારણે તેના કાંડા પર પણ ઊંડો ઘા છે. લીલાવલી હોસ્પિટલમાં અભિનેતાની સર્જરી કરવામાં આવી છે. લીલાવતી હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO)એ જણાવ્યું કે સૈફની બંને સર્જરી થઇ ગઈ છે છે અને તેને ICUમાં રાખવામાં આવ્યો છે.સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ ઘટનામાં સૈફને કમરના ભાગે છરીથી ઘા મારવામાં આવ્યા હતા અને આ ઘા તેની કરોડરજ્જુની ખૂબ નજીક છે. આ જ કારણ છે કે ડોક્ટરો આ સર્જરીને લઈને થોડા સાવધ હતા. લીલાવતી હોસ્પિટલમાં, ડો. નિરજ ઉત્તમાણી, ડો. નીતિન ડાંગે અને ડો. લીલા જૈનની ટીમે મળીને સૈફની સર્જરી કરી હતી.

હુમલાખોર ઓળખાયો, ચોરીના ઇરાદે જ ધુસ્યો હોવાનું તારણ
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલા મામલે મુંબઈ પોલીસે એક મોટું અપડેટ આપ્યું છે. પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીની તપાસ બાદ એક આરોપીની ઓળખ થઇ શકી છે. જોકે હજુ સુધી તેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ તેને પકડવા માટે ચક્રો ગતિમાન કરી દેવાયા છે. સૂત્રોના હવાલાથી મળતી માહિતી અનુસાર સૈફ પર હુમલો કરનાર શખ્સ કોઈ સ્ટાફ મેમ્બરનો ઓળખીતો જ હતો અને એની મદદથી જ તે ઘરમાં પ્રવેશ્યો હતો. પોલીસે ઘરના સીસીટીવી ચકાસ્યા પણ તે અંદર આવતો દેખાયો નથી. હાલમાં સૈફના ઘરમાં ફ્લોરિંગના પોલિશિંગની કામગીરી ચાલી રહી હતી. એના માટે આવેલા મજૂરોની પણ પોલીસે પૂછપરછ શરૂૂ કરી છે. મુંબઈ પોલીસે સૈફનું નિવેદન પણ નોંધ્યું છે. પોલીસને એવી પણ આશંકા છે કે તે બાજુની ઈમારતમાંથી દિવાલ કૂદીને સૈફના ઘરમાં પ્રવેશ્યો હશે કેમ કે સીસીટીવી કેમેરામાં મેઈન ગેટ પરથી કોઈ અજાણી વ્યક્તિ પ્રવેશતી દેખાઈ નથી.

 

 

Exit mobile version