સાવરકુંડલાના દરબારગઢ વિસ્તારના રહેવાસીઓએ જર્જરિત વાયરલેસ ટાવર અને તેની આસપાસની દિવાલને કારણે તેમના જીવ અને મિલકતને થતા જોખમ અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ વિસ્તારમાં વર્ષો પહેલાં સ્થાપિત કરાયેલું વાયરલેસ ટાવર હવે અત્યંત જર્જરિત સ્થિતિમાં છે અને તેના કારણે આસપાસના પરિવારોને ગંભીર નુકસાનનો ભય છે.
દરબારગઢ સ્ટ્રીટના રહેવાસી પરમાર નયનભાઈ પ્રભુદાસભાઈએ જણાવ્યું કે, તેમની મિલકતની બાજુમાં આવેલા જૂના ટાઉન પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં આ વાયરલેસ ટાવર સ્થાપિત કરાયું હતું. પોલીસ સ્ટેશનનું સ્થળાંતર થયા બાદ આ જગ્યા છેલ્લા 22 વર્ષથી પડતર અને અવ્યવસ્થિત છે. ટાવર પર ઝાડવા અને સતત વરસાદી પાણીના કારણે તે અત્યંત જર્જરિત થઈ ગયું છે અને કોઈપણ સમયે તૂટી પડવાની સ્થિતિમાં છે. આનાથી આસપાસ વસતા પરિવારોને જાનમાલનું ગંભીર નુકસાન થઈ શકે છે.
વધુમાં, આ મિલકત અને તેમની મિલકત વચ્ચે આવેલી દિવાલ પણ વરસાદના પ્રથમ વરસાદમાં જ આંશિક રીતે ધરાશાયી થઈ છે. આ દિવાલ વધુ તૂટી પડવાની સ્થિતિમાં છે, જેનાથી તેમની મિલકતને મોટું નુકસાન થવાનો ભય છે. નયનભાઈએ જણાવ્યું કે, તેઓએ આ અંગે 14 જૂન 2024ના રોજ લેખિત અરજી કરી હતી, જેના જવાબમાં 29 જૂન 2024ના રોજ સર્વેયર તરફથી યોગ્ય કાર્યવાહીની ખાતરી આપવામાં આવી હતી. જોકે, એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે અને હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રહેવાસીઓએ તાત્કાલિક આ જર્જરિત ટાવર અને દિવાલને દૂર કરવાની માંગ કરી છે. તેઓએ અધિકારીઓને વિનંતી કરી છે કે, આ બાબતને ગંભીરતાથી લઈને ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવે, જેથી તેઓને ભયમુક્ત જીવન જીવવું શક્ય બને.

