Site icon Gujarat Mirror

વીરનગરની શિવાનંદ હોસ્પિટલના અંધાપાકાંડમાં પીડિતોને ન્યાય અપાવવા રૂરલ એસપીને નવેસરથી તપાસના આદેશ

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વીરનગર ખાતે આવેલી શિવાનંદ હોસ્પિટલમાં બનેલા ચકચારી અંધાપાકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટે ઐતિહાસિક અને મહત્વનો આદેશ આપ્યો છે. વર્ષ 2024માં યોજાયેલા એક નેત્ર નિદાન કેમ્પ દરમિયાન થયેલી ગંભીર બેદરકારીને કારણે અનેક નિર્દોષ દર્દીઓએ પોતાની આંખોની દ્રષ્ટિ ગુમાવી હતી. આ ગંભીર બેદરકારી સામે ન્યાય માંગવા માટે પીડિતોએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
પીડિતો વતી એડવોકેટ પ્રશાંત ચાવડાએ ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર ન્યાય મળ્યો નથી અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં વિલંબ થઈ રહ્યો છે.

આ દલીલોની ગંભીર નોંધ લેતા ગુજરાત હાઇકોર્ટે રાજકોટ રૂૂરલ એસપીને આદેશ આપ્યો છે કે સમગ્ર પ્રકરણની 8 અઠવાડિયામાં નિષ્પક્ષ તપાસ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવે. આ આદેશ બાદ હવે એવા તબીબો અને સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે જેમની બેદરકારીને કારણે લોકોની જિંદગીમાં અંધકાર છવાઈ ગયો હતો. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે માનવ જિંદગી સાથે થયેલા આ પ્રકારના ચેડાંને જરાય ચલાવી લેવામાં આવશે નહીં. હવે જોવાનું એ રહેશે કે આગામી 2 મહિનામાં પોલીસ તપાસમાં કયા મોટા માથાઓ સામે કાર્યવાહી થાય છે.

Exit mobile version