મોડી રાત સુધી પેટ્રોલપંપો ઉપર ધસારો રહ્યા બાદ વહેલી સવારથી નાઈટડ્રેસમાં ફરી લોકો ગોઠવાઈ ગયા
પેટ્રોલ-ડીઝલની અછતની વાતો માત્ર અફવા, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
સ્ટોક હોવા છતાં પેટ્રોલપંપ બંધ રાખનાર સંચાલકો અને સંગ્રહાખોરો સામે કડક પગલાની પુરવઠા સચિવની ચિમકી
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની અછતની ગઈકાલથી ફેલાયેલી અફવા આજે પણ યથાવત રહી છે અને ગત મોડીરાત સુધી પેટ્રોલપંપ ઉતર લાઈનો લાગ્યા બાદ આજે વહેલી સવારથી ફરી પેટ્રોલપંપો ઉપર વાહન ચાલકોની લાઈનો લાગી જતા તંત્રની ચિંતા વધી ગઈ છે.
રાજકોટમાં મોડીરાત્રે અમુક પેટ્રોલપંપ ઉપર વધુ પડતી ભીડ એકઠી થઈ જતા પોલીસે માઈક દ્વારા લોકોને પેનિક નહીં કરવા અને ખોટી લાઈનો નહીં લગાડવા અપીલ કરવી પડી હતી. સરકારની અનેક હૈયાધારણા છતાં લોકો અફવાનો શિકાર બની રહ્યા છે અને વહેલી સવારથી નાઈટડ્રેસમાં પેટ્રોલપંપો ઉપર ગોઠવાઈ ગયા હતા.
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં અત્યારે અનેક પેટ્રોલ પંપો પર ’પેટ્રોલ ખલાસ’ ના બોર્ડ અને ચાલુ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો જોઈને લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. પેટ્રોલ-ડીઝલની અછત હોવાની વાતો વાયુવેગે પ્રસરી રહી છે, પરંતુ રાજ્ય સરકારે અને પેટ્રોલિયમ ડીલર એસોસિએશને સ્પષ્ટતા કરી છે કે આ માત્ર એક અફવા છે. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. છતાં લોકોમાં પેનિક દુર થઈ રહ્યો નથી.
ખરેખર તો, આ કામચલાઉ અછત પાછળ માર્ચ એન્ડિંગ અને સરકારી ઓઇલ કંપનીઓની પેમેન્ટ સિસ્ટમમાં થયેલો ફેરફાર જવાબદાર છે. સરકારે નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર અફવાઓમાં ન દોરાય, અને અફવા ફેલાવનારા તેમજ સંગ્રહખોરી કરનારાઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાની ચીમકી પણ આપી છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું છે કે પેટ્રોલ-ડીઝલની અછતની વાતો માત્ર ને માત્ર અફવા છે. સરકારની પાસે પૂરતો જથ્થો છે અને તમામ પેટ્રોલ પંપને સપ્લાય મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ખુદ સ્થિતિનું મોનિટરીંગ કરી રહ્યા છે અને દર બે દિવસે પેટ્રોલ-ડિઝલનો જથ્થાનો રિવ્યું રઈ હ્યા છે.
રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ વડાને ખાસ સૂચના આપવામાં આવી છે કે જે પણ લોકો સોશિયલ મીડિયા પર સત્તાવાર માહિતી વગરના ખોટા મેસેજ ફોરવર્ડ કરે અથવા ગભરાટ ફેલાવે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
સંગ્રહખોરી કરનારાઓ કે ખોટી રીતે પેટ્રોલ-ડીઝલનો વધુ પડતો આગ્રહ રાખનારા તત્વો સામે પણ પોલીસ પગલાં લેશે. ક્યાંક સપ્લાય ખોરવાયો હશે તો સરકાર તેની તાત્કાલિક તપાસ કરશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફેલાયેલી અફવાઓ અને પેનિક ખરીદીને લઈને ઉદ્ભવેલી અસ્વસ્થતા દૂર કરવા ગુજરાત સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રાજ્યમાં પેટ્રોલ કે ડીઝલની કોઈ અછત નથી. અતિરિક્ત મુખ્ય સચિવ મોના ખંધારે જાહેરાત કરતાં કહ્યું કે ગુજરાતના તમામ પેટ્રોલ પંપ્સ પર પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને રાજ્ય પાસે પણ પર્યાપ્ત બફર સ્ટોક છે.
મોના ખંધારે કહ્યું, નાગરિકોને કોઈ પણ પ્રકારનો આતંક ફેલાવવાની જરૂૂર નથી. લાંબી કતારોમાં ઊભા રહેવું કે હોર્ડિંગ કરવું એ અનાવશ્યક છે. અમુક વિસ્તારોમાં અછતની જે અફવાઓ ફેલાઈ રહી છે તે સાવ બેબુનિયાદ છે. તેમણે વધુમાં ચેતવણી આપી કે જો કોઈ પેટ્રોલ પંપ માલિક પાસે પૂરતો સ્ટોક હોવા છતાં પંપ બંધ રાખીને અથવા ગ્રાહકોને અસુવિધા પહોંચાડીને કૃત્રિમ અછત સર્જે તો તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સ્ટેટ નોડલ ઓફિસર સંજીબ બેહેરાએ પણ આશ્વાસન આપ્યું કે રાજ્યના તમામ ડિપો અને ટર્મિનલ્સમાં પેટ્રોલ-ડીઝલનો પર્યાપ્ત સ્ટોક છે. તેમણે કહ્યું કે જરૂૂર પડે ત્યારે અવિરત સપ્લાય જળવાઈ રહેશે.
પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ પણ સ્પષ્ટતા કરી છે કે તેલ કંપનીઓએ સપ્લાયના કલાકો વધારી દીધા છે અને સ્ટોકની હિલચાલ તીવ્ર બનાવી છે. એસોસિએશને નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર ફેલાતા ગેરમાર્ગે દોરનારા સંદેશાઓ પર ધ્યાન ન આપો. રાજ્યમાં કોઈ અછત નથી અને આવનારા દિવસોમાં પણ કોઈ વિક્ષેપની આશા નથી.
ઓઈલ કંપનીઓ પાસે પૂરતો સ્ટોક છતાં શોર્ટ સપ્લાય: દ.ગુજરાત પેટ્રોલ પંપ એસો.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ પંપો પર જોવા મળતી લાંબી કતારો વચ્ચે સુરત અને દક્ષિણ ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશને સીધો આક્ષેપ કર્યો છે કે સરકાર ભલે મીડિયામાં બધું બરાબર હોવાનું કહેતી હોય, પણ વાસ્તવિકતામાં પંપો સુધી ઈંધણ પહોંચતું જ નથી. દક્ષિણ ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખે સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, પહેલા જે પંપ પર રોજની ત્રણ ટ્રક (ટેન્કર) આવતી હતી, ત્યાં હવે ઓઈલ કંપનીઓ માંડ એક ટેન્કર મોકલી રહી છે. માગણી સામે ખૂબ જ ઓછો સ્ટોક મળવાને કારણે અનેક પંપો પર ‘નો સ્ટોક’ ના બોર્ડ લગાવવાની નોબત આવી છે. એસોસિએશનનો દાવો છે કે ઓઈલ કંપનીઓ પાસે પેટ્રોલ-ડીઝલનો ફુલ સ્ટોક હોવા છતાં તેઓ પૂરતો જથ્થો રિલીઝ કરી રહ્યા નથી. આ સ્થિતિ માત્ર સુરત પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ પંપ માલિકો આ જ પ્રકારની ‘શોર્ટ સપ્લાય’ નો સામનો કરી રહ્યા છે. સરકારના દાવા અને કંપનીઓની આડોડાઈ વચ્ચે સામાન્ય જનતા રસ્તા પર કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બની છે. જો ઓઈલ કંપનીઓ દ્વારા સપ્લાય ચેઈન તાત્કાલિક સુધારવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગુજરાતમાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ શકે છે. વેપારીઓએ હવે સરકાર પાસે મધ્યસ્થી કરી યોગ્ય પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.
અછતનું સાચુ કારણ બદલાયેલી વ્યવસ્થા
આ મામલે ’ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશન’ ના પ્રમુખ મેહુલ પટેલે જણાવ્યું છે કે દેશમાં હાલ 70 થી 80 દિવસ ચાલે તેટલો પેટ્રોલ-ડીઝલનો રિઝર્વ જથ્થો પડેલો છે. અછતનું સાચું કારણ માર્ચ એન્ડિંગ છે. હાલમાં સરકારી પેટ્રોલિયમ કંપનીઓએ પેમેન્ટ સિસ્ટમ બદલી નાખી છે. કંપનીઓ હવે ઉધાર (ક્રેડિટ) આપવાને બદલે જૂની ઉઘરાણી કરી રહી છે અને નવા જથ્થા માટે એડવાન્સ પેમેન્ટ માંગી રહી છે. જ્યાં સુધી ડીલરના એડવાન્સ પૈસા કંપનીના ખાતામાં જમા ન થાય, ત્યાં સુધી નવો પુરવઠો મોકલવામાં આવતો નથી. અત્યાર સુધી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ડીલરોને સૌથી વધુ ક્રેડિટ આપતી હતી, પણ હવે તેમણે ક્રેડિટ સદંતર બંધ કરી દીધી છે, જેથી તેમના પંપો પર સૌથી વધુ તંગી દેખાઈ રહી છે. ખાનગી કંપનીઓની વાત કરીએ તો, નાયરામાં પહેલેથી જ એડવાન્સ પેમેન્ટ લેવાય છે, પણ હાલ વાડીનાર રિફાઇનરીમાંથી સપ્લાય ઓછો આવી રહ્યો છે. જ્યારે શેલના પેટ્રોલ પંપ પર બજાર કરતા ભાવ વધુ હોવાથી ત્યાં ભીડ ઓછી છે. આગામી 10 દિવસમાં સ્થિતિ થશે એકદમ સામાન્ય થઈ જવાની આશા છે.

