રાજયના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરાયેલ બજેટમાં રાજ્યને જોડતા નમો શકિત એકસપ્રેસ વે તથા યાત્રાધામ દ્વારકા અને સોમનાથ વચ્ચે એકસપ્રેસ વે નિર્માણ હેતુ 3000 કરોડ રૂૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. હાલમાં બંને યાત્રાધામો વચ્ચે નેશનલ હાઈવે આવેલ છે. આ મહાત્વાકાંક્ષી પ્રોજેકટમાં રાજયના પ્રમુખ શહેર અમદાવાદ તથા સૌરાષ્ટ્રનું પ્રમુખ શહેર રાજકોટને પણ સાંકળી લેતો એકસપ્રેસ હાઈવે બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ એકસપ્રેસ હાઈવે ને વધુમાં દ્વારકા પોરબંદર – સોમનાથ સુધી લંબાવવામાં આવનાર છે. સરકાર દ્વારા આ એકસપ્રેસ હાઈવેના નિર્માણ પાછળનો હેતુ રાજયના ધાર્મિક અને ટુરીસ્ટ ડેસ્ટીનેશનને લીન્કઅપ કરવાનો છે.
અદ્યતન પુસ્તકાલય માટે ત્રણ કરોડ રૂૂપિયાની ફાળવણી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડામથક ખંભાળીયા ખાતે નવી લાયબ્રેરીના નિર્માણ બાદ હવે જિલ્લાના બાકી રહેલ અન્ય ત્રણેય તાલુકાઓમાં રાજ્ય સરકાર દ્વારા લાયબ્રેરી બનાવવામાં આવનાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર યાત્રાધામ દ્વારકા ખાતે સરકારી પુસ્તકાલય બનાવવા શહેરી વિકાસ વિભાગ દ્વારા અદ્યતન પુસ્તકાલય બનાવવા હેતુ 3 કરોડ રૂૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ માટે દ્વારકા નગરપાલીકાએ માત્ર પર્યાપ્ત જમીન ફાળવવાની રહેશે. આ પુસ્તકાલયના નિર્માણ થયા બાદ તેને નગરપાલીકાને સોંપવામાં આવશે. લાયબ્રેરીનું સંચાલન પણ નગરપાલીકા તંત્ર દ્વારા જ કરવામાં આવશે. હાલમાં દ્વારકા શહેરમાં ગાયકવાડ સરકાર સમયની લાયબ્રેરીનું થોડા સમય પૂર્વે નવનિર્માણ કરાયું છે.

