ડાયરાના ડખાથી ખૂની હુમલો-લૂંટ સુધીના ઘટનાક્રમ બાદ મામલો થાળે
ગુજરાતી લોક સાહિત્યકાર અને ડાયરાના કલાકાર દેવાયત ખવડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં દેવાયત ખવડ અને સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઈ ગયું છે. દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહે એકબીજાને મીઠાઈ ખવડાવીને સમગ્ર વિવાદનો અંત લાવ્યો છે.
સમગ્ર વિવાદ ઉપર નજર રાખીએ તો ભગવતસિંહ ચૌહાણે ચાંગોદર પોલીસ મથકમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમણે 20 ફેબ્રુઆરીના રોજ તેમના પિતાની પુણ્યતિથિ નિમિત્તે દેવાયત ખવડના લોક ડાયરાનું આયોજન કર્યું હતુ. આ માટે તેમના ભત્રીજા ધ્રુવરાજસિંહે દેવાયત ખવડને 8 લાખ રૂૂપિયા પણ ચૂકવી દીધા હતા.
જો કે દેવાયત ખવડે પૈસા લીધા પછી પણ પ્રોગ્રામમાં હાજર ના રહીને છેતરપિંડી આચરી હતી. આટલું જ નહીં, દેવાયત ખવડે ફરિયાદીને ફોન પર જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જે બાદ દેવાયત ખવડ અને ચૌહાણ પરિવાર વચ્ચે ગજગ્રાહ ચાલતો હતો. જે બાદ ગત 12 ઓગસ્ટના રોજ ધ્રુવરાજસિંહ ચૌહાણ પર તાલાલાના ચિત્રોડ ગામ નજીક જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં દેવાયત ખવડ અને તેના 15 જેટલા સાગરિતોએ ધ્રુવરાજસિંહની કારને ટક્કર મારીને એકસ્માત સર્જવાનો પ્રયાસ કર્યો હતો. ધમકી આપીને ધ્રુવરાજસિંહના સોનાના દોરાની લૂંટ ચલાવી હતી.
આ હુમલામાં ઈજાગ્રસ્ત ધ્રુવરાજસિંહને જૂનાગઢ સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ સાથે જ આ મામલે તાલાલા પોલીસ મથકમાં પણ દેવાયત ખવડ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે છેલ્લા 5 મહિનાથી ચાલી રહેલી કાનૂની લડત અને જેલવાસ બાદ આજે બન્ને પક્ષોએ સમજદારી દાખવી હતી. દેવાયત ખવડે ભગવતસિંહ ચૌહાણ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં સામે ચાલીને સબંધો સુધાર્યા હતા. બન્ને પક્ષો વચ્ચેના સમાધાનના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

