Site icon Gujarat Mirror

રણવીર અલ્હાબાદિયા અને સમય રૈનાને માફ ન કરવા જોઇએ: બાબા બાગેશ્ર્વર

કોરોના કાળમાં કિમ જોંગ ઉનની નીતિની પ્રશંસા કરતા વિવાદમાં

બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર શાસ્ત્રી ફરીથી વિવાદમાં સપડાયા છે. તાજેતરમાં એક પોડકાસ્ટમાં ભાગ લેતા, તેમણે રણવીર અલ્હાબાદિયા અને સમય રૈના પર વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની પ્રશંસા કરી હતી. તેમના આ નિવેદનોને કારણે સોશિયલ મીડિયા પર યુઝર્સે ભારે નારાજગી વ્યક્ત કરી છે.

બાગેશ્વર બાબાએ પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે રણવીર અલ્હાબાદિયા અને સમય રૈનાને તેમના સનાતન હિંદુ ધર્મ વિરુદ્ધના નિવેદનો માટે માફ ન કરવા જોઈએ, પરંતુ શુદ્ધ થવું જોઈએ. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે જો કોઈ વ્યક્તિ સનાતન હિંદુ ધર્મને નુકસાન પહોંચાડે તો તેને માફ કરવાની કોઈ જરૂૂર નથી. તેમના આ નિવેદનથી વિવાદ વકર્યો છે.
આટલું જ નહીં, બાગેશ્વર બાબાએ કોરોનાકાળ દરમિયાન કિમ જોંગ ઉનની નીતિઓની પ્રશંસા કરીને વધુ વિવાદ ઊભો કર્યો છે. તેમણે કહ્યું, કોરોના સમયે અમને કિમ જોંગ ખૂબ જ ગમ્યા. તે કહેતો હતો કે, જેમને કોરોના છે… એટલાને સીતારામ… બસ થઈ ગયું… આગળ નહીં વધે.

બાગેશ્વર બાબાનો આ વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર લોકોએ તીખી પ્રતિક્રિયાઓ આપી છે. ઘણા યુઝર્સે તેમના નિવેદનની ટીકા કરી છે. એક યુઝરે લખ્યું કે, મહારાજ જી, તમારા કરોડો સમર્થકો છે. આવી હળવી ટિપ્પણી કરવી યોગ્ય નથી. કોઈપણ વ્યક્તિ સાથે જે પણ થવું જોઈએ તે કાયદા અનુસાર થવું જોઈએ. અન્ય એક યુઝરે કહ્યું, સૌથી પહેલા તો તેને પ્રતિબંધિત કરો, જ્યારે એક અન્ય યુઝરે ટિપ્પણી કરી કે, ધીરેન્દ્ર શાસ્ત્રીની ભાષા ડાર્ક કોમેડી કરતાં વધુ ખતરનાક છે. લોકો તેમના નિવેદનોને સંસ્કારી સમાજમાં અસ્વીકાર્ય ગણાવી રહ્યા છે અને સ્ટોરીટેલર્સને આવી ટિપ્પણીઓ કરવાનું ટાળવાની સલાહ આપી રહ્યા છે.

આ પહેલીવાર નથી જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી વિવાદમાં આવ્યા હોય. અગાઉ, મહાકુંભમાં નાસભાગ દરમિયાન થયેલા મોત અંગેના તેમના વિચિત્ર નિવેદનને લઈને પણ તેમની ભારે ટીકા થઈ હતી. તેમણે કહ્યું હતું કે કુંભમાં મૃત્યુ પામેલા લોકોને મોક્ષ મળે છે, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો હતો.

Exit mobile version