અમિત ચાવડાની આગેવાનીમાં પ્રતિનિધિ મંડળ ચૂંટણી કમિશનરને મળ્યું, નિષ્પક્ષ તપાસ સમિતિ અને ધમકાવનાર પોલીસ સામે FIR નોંધવા માંગ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ગુજરાતમાં રાજકીય તણાવ વધતો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ પક્ષે પોતાના ઉમેદવારો સાથે થઈ રહેલી ધમકી અને હેરાનગતિના ગંભીર આક્ષેપો સાથે રાજ્ય ચૂંટણી આયોગ સમક્ષ રજૂઆત કરી છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાની હેઠળ કોંગ્રેસનું ડેલીગેશન ચૂંટણી આયોગની કચેરીએ પહોંચ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો કે ચૂંટણી પ્રક્રિયામાં દખલ કરવા માટે બિનકાયદેસર તત્વો, જેમાં બુટલેગરોનો પણ સમાવેશ થાય છે, તેમની મદદ લેવામાં આવી રહી છે. પેપર્સ તૈયાર કરવાથી લઈને ઉમેદવારોને ધાકધમકી આપવા સુધીના પ્રયાસો થઈ રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આક્ષેપ મુજબ, અલગ-અલગ જિલ્લા કચેરીઓમાંથી પોલીસ અધિકારીઓએ ઉમેદવારોની યાદી મેળવી અને ત્યારબાદ તેમને ડરાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. ખાસ કરીને અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી કક્ષાના અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેઓ નિષ્પક્ષ રહેવાના બદલે પક્ષપાતપૂર્ણ રીતે વર્તી ઉમેદવારોને ધમકાવી રહ્યા છે.
કોંગ્રેસ દ્વારા કલોલની એક ઘટનામાં પુરાવા રજૂ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે, જ્યારે સુરતમાં આ મુદ્દે નામજોગ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ હોવાનું કોંગ્રેસે રજૂઆતમાં જણાવ્યું છે. કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો કે અનેક વખત સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરવા છતાં આ પ્રકારની પ્રવૃત્તિઓ અટકતી નથી. આ પરિસ્થિતિ લોકશાહી માટે ખતરનાક હોવાનું જણાવતા તેમણે ’ફ્રી એન્ડ ફેર ઇલેક્શન’ સુનિશ્ચિત કરવા માંગ ઉઠાવી છે.
અમિત ચાવડાએ ચેતવણી આપતા જણાવ્યું કે, “સમય આવ્યે કોઈ સરકાર કે નેતા બચાવવા નહીં આવે. જવાબદારી નિભાવવી જ પડશે.” તેમણે ઉમેર્યું કે કોંગ્રેસે નામજોગ ફરિયાદો કરી છે અને હવે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. ખાસ કરીને આવતીકાલે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસના ઉમેદવારોને સુરક્ષા આપવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે.
આ ડેલિગેશનમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઉપરાંત પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદીન શેખ, ડો. અમીબેન યાજ્ઞિક, નિશિત વ્યાસ સહિત અન્ય આગેવાનો પણ જોડાયા હતા. તમામે મળીને રાજ્ય ચૂંટણી આયોગ સમક્ષ વિગતવાર રજૂઆત કરી અને ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તેની ખાતરી કરવાની માંગ કરી છે.

