Site icon Gujarat Mirror

ધો.10-12ની પરીક્ષાને લઇને ગીર સોમનાથ જિલ્લામાં પ્રતિબંધાત્મક હુકમો

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-10 તથા ધોરણ-12ની જાહેર પરીક્ષાઓ તા. 27/02/2025 થી તા. 17/03/2025 દરમ્યાન યોજાનાર છે. આ પરીક્ષા દરમ્યાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પરીક્ષા સ્થળોની આસપાસ જરૂૂરિયાત મુજબ પ્રતિબંધાત્મક હુકમો ગીર સોમનાથ જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવ્યાં છે.

પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોના ત્રાસ/ભય વિના ઉપરોક્ત પરીક્ષા આપી શકે તથા બિલ્ડીંગ કંડકટરશ્રીઓ અસામાજિક તત્વોના ત્રાસ/ભય વિના જાહેર પરીક્ષાનુ સંચાલન કરી શકે. તેમજ પરીક્ષા દરમિયાન ચોરીના દૂષણના કારણે પરીક્ષાર્થીઓના ભાવી ઉપર અસર ન પડે તે માટે કોપીરાઈટ/ડુપ્લીકેટ પ્રશ્નપત્રો કે તેના ઉત્તરો કોપીઇંગ મશીન દ્વારા ન થાય તેમજ તે પરીક્ષાખંડમાં ન પહોંચે તે માટે પ્રતિબંધાત્મક આદેશો કરવા આવશ્યક જણાય છે.

આથી જિલ્લા મેજીસ્ટ્રેટ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 મુજબ મળેલ સત્તાની રૂૂએ જિલ્લા શિક્ષણાધિકારી, ગીર સોમનાથએ નક્કી કર્યા મુજબના પરીક્ષા કેન્દ્રો તથા બિલ્ડીંગોના વિસ્તારમાં તા.27/02/2025 થી તા.17/03/2025ના રોજ સવારના 09:00 થી સાંજના 19:00 કલાક સુધી નીચે મુજબના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. (1) પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટરના વિસ્તારમાં કોઈ પણ માર્ગ ઉપર, ચોકમાં કે ગલીઓમાં ચાર કરતા વધારે લોકોએ એકઠા થવુ નહી તેમજ મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વિગેરે ધ્વનિવર્ધક સાધનોનો ઉપયોગ કરવો નહી. (2) પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજયામાં આવેલા સ્થળે ઝેરોક્ષ/ફેસ સેન્ટરો બંધ રાખવા તેમજ કોપી રાઈટ કે ડુપ્લીકેટ પ્રશ્નપત્રો કે તેના જવાબોની કોપીઇંગ મશીન દ્વારા કોઈએ કોપી કરવી નહી.

(3) પરીક્ષાર્થીઓ, શિક્ષકો, સંચાલકો, વહીવટી કર્મચારીઓ, જાહેર જનતા કે ફરજ ઉપરના તમામ પ્રકારના સરકારી સ્ટાફએ પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવા કોઈ સાહિત્યની આપ-લે કરીને/કરાવીને ત્રાસ અથવા ખલેલ અથવા ભય પહોંચે તેવુ કૃત્ય કરવુ નહી. તેમજ ઈલેટ્રોનિક આઈટમ જેવી કે મોબાઈલ ફોન, પેજર, કેલ્કયુલેટર વિગેરે તથા પુસ્તક, કાપલી, ઝેરોક્ષ નકલો પરીક્ષા સ્થળમાં લઈ જવા નહી કે તેનુ વહન કરવું નહી કે કરવા મદદગારી કરવી નહી અને તેવી કોઈ પણ વસ્તુ રાખી પરીક્ષા સ્થળમાં પ્રવેશવુ નહી. (4) પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ ઉપરના સ્ટાફ કે અધિકૃત વ્યકિત સિવાય કોઈ અનઅધિકૃત પ્રવેશ કરવો નહી. (5) પરીક્ષા ખંડમાં શાંતિપુર્ણ રીતે પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને અન્ય કોઈ વ્યકિત અથવા પરીક્ષાર્થી જાતે પરીક્ષામાં ચોરી કરીને/કરાવીને/કરવામાં મદદગારી કરીને અથવા ચોરી ગણાય તેવા કોઈ સાહિત્યની આપ-લે કરીને/કરાવીને ત્રાસ અથવા ખલેલ અથવા ભય પહોંચે તેવુ કૃત્ય કરવુ નહી.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ પગલા લેવાની કાર્યવાહી કરવામાં આવશે અને ગુન્હો સાબિત થયે છ માસની સાદી કેદ અથવા રૂૂ. 2500/- નો દંડ અથવા બંનેની સજા થઈ શકશે. તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ માંડવા માટે ફરજ ઉપરના પોલીસ સ્ટાફ/પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીઓ તથા પરીક્ષાના સંચાલન સાથે સંકળાયેલ સંબંધિત સરકારી અધિકારી/કર્મચારીને અધિકૃત કરવામાં આવ્યા છે. તેમ કલેકટરના જાહેરનામામાં ફરમાવાયું છે.

Exit mobile version