Site icon Gujarat Mirror

વીરપુર જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો પર ઉમેદવારો બદલાતા રાજકીય ગરમાવો

પૂનમબેન વઘાસિયા અને પરસોતમભાઈ સોરઠિયાના સ્થાને નવા ચહેરાઓને મેદાનમાં ઉતારાયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સમગ્ર જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે વીરપુરમાં ભાજપમાં મોટા ફેરફારો સામે આવ્યા છે. ખાસ કરીને જિલ્લા પંચાયતની વીરપુર બેઠક અને તાલુકા પંચાયતની વીરપુર -2 સીટમાં ઉમેદવારો બદલાતા રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે, માહિતી મુજબ, ભાજપ દ્વારા અગાઉ જાહેર કરાયેલ ઉમેદવારોની યાદી અને અંતિમ સમયે આપવામાં આવેલા મેન્ડેટ વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો છે, જેના કારણે કાર્યકરો અને સમર્થકોમાં ગૂંચવણ અને અસંતોષની લાગણી ઉભી થઈ છે. જિલ્લા પંચાયતની વીરપુર બેઠકની વાત કરીએ તો, ભાજપની સત્તાવાર યાદીમાં પૂનમબેન વઘાસિયાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. આ જાહેરાત બાદ સ્થાનિક સ્તરે તેમની ઉમેદવારીને લઈને તૈયારીઓ પણ શરૂૂ થઈ ગઈ હતી. પરંતુ ફોર્મ ભરવાના અંતિમ ક્ષણે પાર્ટી દ્વારા જારી કરાયેલા મેન્ડેટમાં દિપક ગાજીપરાનું નામ આવતાં આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી.

આ બદલાવને કારણે પૂનમબેનના સમર્થકોમાં નિરાશા ફેલાઈ છે, જ્યારે દિપક ગાજીપરાના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ નિર્ણય પાછળ શું કારણ છે!? તે અંગે પાર્ટી તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેના કારણે વિવિધ અટકળો ચાલી રહી છે.

આ જ રીતે, તાલુકા પંચાયત વીરપુર-2 ની સીટમાં પણ સમાન પરિસ્થિતિ જોવા મળી હતી. ભાજપની યાદીમાં પરસોતમભાઈ સોરઠિયાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ અંતિમ મેન્ડેટ રમેશભાઈ કોઠારીના નામે જારી કરવામાં આવ્યું. આ બદલાવથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો વધ્યો છે અને કાર્યકરો વચ્ચે ચર્ચાઓ શરૂૂ થઈ ગઈ છે.

એક જ દિવસે બે મહત્વપૂર્ણ બેઠકોમાં ઉમેદવારો બદલાતા ભાજપની આંતરિક સ્થિતિ અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક સ્તરે કેટલાક કાર્યકરોમાં અસંતોષ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે, જોકે પક્ષના નેતાઓ દ્વારા હાલ પરિસ્થિતિ સંભાળવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચૂંટણીના આ મહત્વના તબક્કે આવા ફેરફારો પાર્ટી માટે કેટલા અસરકારક સાબિત થશે તે હવે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે. હાલમાં તો જેતપુર અને વીરપુર પંથકમાં આ મુદ્દો રાજકીય ચર્ચાનો કેન્દ્ર બન્યો છે.

Exit mobile version