Site icon Gujarat Mirror

પોલીસ ભરતીમાં ઉંચાઈની કસોટીમાં ગોલમાલ, ગંભીર આક્ષેપો

બે વખત ઉંચાઈમાં પાસ થયેલા ઉમેદવારોને ત્રીજી કસોટીમાં ફેઈલ કરાયા, 9 ઉમેદવારોએ પુરાવા સાથે ગૃહવિભાગ સમક્ષ કરેલી લેખિત ફરિયાદથી ખળભળાટ

રાજકોટ-ગાંધીનગર અને અમદાવાદ કેન્દ્રો ઉપર પાટીદાર ઉમેદવારોને નિશાન બનાવાયા હોવાનો ‘પાસ’ના પૂર્વ નેતા દિનેશ બાંભણિયાનો આરોપ, ગૃહમંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆત માટે સમય માગ્યો

ગુજરાતમાં પોલીસ વિભાગમાં 13 હજારથી વધુ જગ્યાએ ભરવા માટે પ્રક્રિયા ચાલી રહી છે તેવા સમયે જ ભારતીમાં વ્હાલા-દવલાની નીતિ અખત્યાર કરી ચોક્કસ ઉમેદવારોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદો ગૃહ વિભાગ સમક્ષ થતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. આ મામલે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના પૂર્વ કનવીનર દિનેશ બાંભણીયાએ પણ સવાલો ઉઠાવતા આગામી દિવસોમાં આ વિવાદ ગંભીર સ્વરૂપ ધારણ કરે તેવી શકયતા છે.

દિનેશ બાંભણીયાએ આક્ષેપ કર્યો હતો કે, આર્થિક પછાત અને ખાસ કરીને પાટીદાર ઉમેદવારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને તમારે કયા નોકરીની જરૂર છે ? તેવુ જણાવી ફેઇલ કરવામાં આવી રહ્યા છે.
રાજકોટ, ગાંધીનગર અને અમદાવાદના કેન્દ્રો ઉપર આવા 9 કિસ્સા ધ્યાનમાં આવ્યાનો દાવો કરી બાંભણીયાએ આ મામલે પુરાવા સાથે રજૂઆત માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીનો સમય માંગ્યાનું જણાવ્યુ હતું.

પાસના પૂર્વ કનવીનર બાંભણીયાએ આજે આ અંગે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી અન્યાય સામે અવાન ઉઠાવ્યો છે અને સિસ્ટમતો ખોટી રીતે ભોગ બનેલા ઉમેદવારોને પુરાવા સાથે આગળ આપવા જણાવ્યુ છે.

દિશેન બાંભણીયાએ ‘ગુજરાત મિરર’ સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, પોલીસ ભરતીમાં ચાલી રહેલી શારીરિક કસોટીમાં પાટીદાર ઉમેદવારોેને અન્યાય થયાના વિજાપુર પંથકના 9 જેટલા કિસ્સા ધ્યાનમાં આવ્યા છે.
તેમના કહેવા મુજબ 9 જેટલા કિસ્સામાં ગંભીર પક્ષપાત સામે આવ્યો છે.

જેમાં 2019 અને 2025ની ભરતી વખતે શારીરિક કસોટીમાં ઉંચાઇમાં પાસ થઇ ગયેલા ઉમેદવારોને 2026ની ભરતીમાં ઉંચાઇ ઓછુ હોવાનુ દર્શાવી નાપાસ કરવામાં આવ્યા છે. બાંભણીયાએ આ અંગે સવાલ ઉઠાવ્યો હતો કે, બે વખત જે ઉમેદવારો ઉંચાઇની કસોટીમાં પાસ થયા હતા તે ત્રીજી કસોટીમાં નાપાસ કેવી રીતે થાય ? શું ઉમેદવારોની ઉંચાઇ ઘટી ગઇ કે, પાટીદાર ઉમેદવારોને કાઢી નાખવાનુ વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યુ છે.
બાંભણીયાએ આક્ષેપ કર્યો હતો કે, રાજકોટ, ગાંધીનગર અને અમદાવાદ ખાતે શારીરિક કસોટી દરમિયાન પાટીદાર ઉમેદવારોને ‘તમારે નોકરીની કયા જરૂર છે?’ તેવુ જણાવી ઉંચાઇ ઓછી હોવાના બહાને રિજેકટ કરાયાની ફરિયાદો મળી છે.

આ અંગે કુલ 9 ઉમેદવારોએ અગાઉની ભરતી વખતની ઉંચાઇની પાસ કરેલી કસોટી અને હાલમાં ઉંચાઇના ગ્રાઉન્ડ હેઠળ કસોટીમાં નાપાસ કરાયાના પુરાવા સાથે ગૃહમંત્રી સમક્ષ લેખિત ફરિયાદો કરવામાં આવી છે અને આ અંગે રજૂઆત માટે ગૃહમંત્રીનો પણ સમય માંગવામાં આવ્યો છે.

Exit mobile version