1816 ઉમેદવારોએ ખેંચ્યા ફોર્મ પરત : ભાજપે 2021નો રેકોર્ડ તોડ્યો : કુલ 9237 બેઠક પર ચૂંટણીનો “ખરાખરીનો” જંગ
નવરચિત 9 મહાનગરપાલિકામાં પોરબંદરમાં 11 બેઠક બિનહરીફ: આણંદમાં 12 અને મહેસાણામાં પણ પાંચ બેઠક બિનહરીફ જાહેર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યાં ચૂંટણીનું અંતિમ ચિત્ર પણ સામે આવી ગયું છે. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ભાજપને બખ્ખા થઈ ગયા હતા કારણકે માત્ર 4 કલાકમા જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 400 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતાં . ભાજપે પોતાનો જ 2021 નો જુનો રેકોર્ડ થોડી નવો રેકોર્ડ સ્થાપ્યો છે. એટલું જ નહીં ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે 9237 બેઠકો પર હવે 25,516 ઉમેદવારો ચૂંટણી જંગ ખેલશે.
ગુજરાતના ઇતિહાસમાં ભાજપે 2021નો રેકોર્ડ તોડી નવો વિક્રમ સ્થાપિત કરી દીધો છે. હાલ જે વિગતો મળી રહી છે તેને જોતા ભાજપને પ્રથમ વખત પ્રવર્તમાન સ્થાનિક ચૂંટણીમાં 700 થી વધુ ઉમેદવારો બિનહરીફ થઈ જતા ખૂબ મોટો ફાયદો પહોંચ્યો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાનો નિર્ણય લીધો હતો છતાં પણ ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી ગયા હતા. આ બંને પક્ષોને ઘણું ઘણું નુકસાન પણ પહોંચ્યું છે તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. રાજની 11 પાલિકાઓની 11 બેઠકોની પેટા ચૂંટણી અને 303 સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરવામાં આવે તો 10,005 બેઠકો માટે ચૂંટણી યોજવાની હતી પરંતુ ફોર્મ ચકાસણી અને ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ ભાજપ 720 થી વધુ બેઠકો પર બિનહરીફ જાહેર થયું હતું ત્યારે હવે મતદાનના દિવસે 9,237 બેઠકો પર મતદાન યોજાશે તે ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે.
ભાજપે 2021 નો પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે અને સૌથી વધુ બેઠકો પર બિનહરીફ થયેલું છે. જેમાં 393 સંસ્થાઓમાં 84 નગરપાલિકાઓમાં સૌથી વધુ બિનહરીફ બેઠકો ભાજપના ફાળે આવી છે. વિગતવાર વાત કરવામાં આવે તો કડી નગરપાલિકામાં બે તૃતીયાંશ બહુમતી સાથે ભાજપ સત્તા સંભાળશે. એટલું જ નહીં બાયડ, ગણદેવી, શહેરા સહિત આઠથી વધારે નગરપાલિકાઓમાં ભાજપ ચૂંટણી પહેલા જ સત્તા સંભાળી શકે તેવી સ્થિતિમાં આવી ગઈ છે.
260 તાલુકા પંચાયતોમાં પણ ભાજપના ઉમેદવારો બિનહરીફ થઈ જતા બહુમતી મર્યાના અહેવાલો પણ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવ્યા છે. નવી નવ મ્યુનિસિપલ કોર્પોરેશન માં પણ 45 થી વધુ ઉમેદવારો બીનારી થઈ ચૂક્યા છે જેમાં પોરબંદરમાં 11, આણંદમાં 12, મહેસાણામાં પાંચ જ્યારે વડોદરા અને અમદાવાદ મનપામાં ભાજપના બબે ઉમેદવારો બિનહરીફ થઈ જતા પાર્ટીમાં હરખનો માહોલ જોવા મળ્યો છે.
રાજકીય પક્ષોના આગેવાનોની સરકારી કચેરીમાં બઘડાટી
ફોર્મ ખેંચવાની પ્રક્રિયા દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રાજકીય પક્ષોના આગેવાનો વચ્ચે બગડાટી બોલી હતી . એટલું જ નહીં સરકારી અધિકારીઓની કચેરીમાં પણ કોંગ્રેસ અને આમ આદમીના ઉમેદવારો સામસામે આવી ગયા હોવાની વાત સામે આવી હતી. એટલું જ નહીં વડોદરા, સુરત , મહેસાણા અને બનાસકાંઠા સહિતના અનેક જિલ્લાઓમાં સરકારી કચેરીમાં ગરમા ગરમીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે લો એન્ડ ઓરડાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુસર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. છતાં પણ સ્થિતિ કાબુ કરવામાં સ્થાનિક પ્રશાસન ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નિવડ્યું હતું. રાજકીય પક્ષોએ ઉમેદવારોના ખરીદ વેચાણ થતા હોવાના પણ આક્ષેપો કર્યા હતા.
સીમાંકન વધતા જ સ્થાનિક સંસ્થાઓનોની ગણતરી વધી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાલ અને બેઠકોનો વધારો થઈ ચૂક્યો છે કારણ કે નવા સીમાંકનો થતા સ્થાનિક એકમો વધી ગયા છે. 2015માં સ્થાનિક સંસ્થાઓન ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો માત્ર 37 બેઠકો પર જ બિનહરીફ ચૂંટાયા હતા ત્યારબાદ 2021 ની ચૂંટણીમાં 220 અને હાલની પ્રવર્તમાન સ્થાનિક ચૂંટણીઓમાં રેકોર્ડ બ્રેક 700 થી વધુ બેઠકો પર ભાજપનો ભોગવો લહેરાયો છે.

