24 કલાકમાં વેચાતુ પેટ્રોલ પાંચ કલાકમાં જ વેંચાઇ ગયું, અનેક પંપોમાં સ્ટોક ખલાસ

રાતભર પેટ્રોલપંપો પર અફરાતફરી, સવારે ફરી જથ્થો મંગાવાયો ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની તંગીની અફવાના કારણે લોકો પેટ્રોલપંપો ઉપર ઉમટી પડતા રાતભર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને…

રાતભર પેટ્રોલપંપો પર અફરાતફરી, સવારે ફરી જથ્થો મંગાવાયો

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની તંગીની અફવાના કારણે લોકો પેટ્રોલપંપો ઉપર ઉમટી પડતા રાતભર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને 24 કલાકમાં વેંચાતુ પેટ્રોલ પાંચ કલાકમાં વેંચાઇ જતા અનેક પેટ્રોલ પંપો ઉપર સ્ટોક ખલાસ થઇ ગયો હતો અને તાબડતોબ નવો જથ્થો મંગાવી પેટ્રોલ પંપો ચાલુ રાખવામાં આવ્યા હતા.

ગુજરાતમાં ગઈ કાલે પેટ્રોલ અને ડિઝલની અછત હોવાની વાત વાયુ વગે પ્રસરી જતાં લોકોમાં પેનિક થયું હતું અને પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો લાગી હતી. લોકોમાં ઉહાપોહ વધતાં રાજ્ય સરકારે જાહેર કર્યું હતું કે, સ્ટોક પૂરતો ઉપલબ્ધ છે અને ખોટી અફવાઓમાં આવીને કોઈએ દોડાદોડી કરવાની જરૂૂર નથી. પરંતુ લોકોમાં જાણે પેટ્રોલ અને ડીઝલ મળતુ જ બંધ થઈ જશે તેવો ડર ફેલાતા આજે સવારથી પણ પંપો પર લાઈનો જોવા મળી છે. અમદાવાદમાં ગઈકાલે રાતથી જ પેટ્રોલ પંપ પર લોકોની લાઈનો લાગી હતી.

રાજકોટમાં પેટ્રોલ અને ડીઝલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે. અફવાઓમાં આવીને લોકો પંપો પર લાઈનોમાં ઉભા રહ્યાં છે. લોકોને અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરાઈ છે. વડોદરામાં પેટ્રોલનો જથ્થો ખૂટી જતાં આજે ફરીવાર મંગાવાયો હતો. જથ્થો આવતા જ ફરી પંપ શરૂૂ થશે. જિલ્લા પુરવઠા અધિકારીએ લોકોને અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરી છે. વડોદરામાં પાંચ કલાકમાં આઠ લાખ લીટર પેટ્રોલનું વેચાણ થયું હતું. મોડી રાત્રે બીજો જથ્થો મંગાવાયો હતો. 24 કલાકમાં વેચાતુ પેટ્રોલ પાંચ કલાકમાં વેચાઈ ગયું હતું.

સુરતની વાત કરીએ તો સાત કલાકમાં 6 લાખ લીટર પેટ્રોલ વેચાયું હતું. રોજ કરતાં દોઢ ગણું ડીઝલ વેચાયું હતું. લોકોએ પેનિક થઈને પંપો પર લાઈનો લગાવી હતી. જે આજે પણ જોવા મળી રહી છે. કચ્છમાં અંજાર પોલીસે પણ લોકોને અફવામાં નહીં આવીને આગળ વધવા અપીલ કરી છે. સરકાર પાસે ઈંધણનો પૂરતો જથ્થો છે. પેટ્રોલ પંપ પર કોઈ પણ વ્યક્તિએ માથાકૂટ નહીં કરવા પોલીસે અપીલ કરી છે. પેટ્રોલ અને ડીઝલના સંગ્રહ ખોરો સામે હવે કાર્યવાહી થશે.