કેશોદના અજાબમાં ખરાબ રસ્તા પર મોરમ નાખતા મશીન ખનીજ વિભાગે જપ્ત કરતાં વિવાદ : ભૂમાફિયાઓને છૂટોદોર આપ્યાનો આક્ષેપ
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામે ખાણ-ખનીજ વિભાગ અને ગ્રામજનો સામ-સામે આવી ગયા છે. ગામના બિસ્માર રસ્તાઓને રિપેર કરવા માટે મોરમ નાખવાની કામગીરી ચાલુ હતી ત્યારે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી કામગીરી અટકાવી હતી. આ ઘટનાથી ઉશ્કેરાયેલા ગ્રામજનોએ ખાણ-ખનીજ વિભાગ પર ગંભીર આક્ષેપો કર્યા છે.
અજાબ ગામના સરપંચ મગનભાઈ અઘરાએ જણાવ્યું હતું કે, ગત ગ્રામ પંચાયતની મીટિંગમાં ગામના બિસ્માર અને કાદવ-કીચડવાળા રસ્તાઓમાં મોરમ નાખીને રિપેર કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. આ ઠરાવના અનુસંધાને ગૌચરમાંથી મોરમ ખોદીને રસ્તા પર નાખવાની કામગીરી ચાલી રહી હતી. એવા સમયે જૂનાગઢથી ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ આવ્યા અને અમારી મશીનરી (જેસીબી, ટ્રેક્ટર) જપ્ત કરવાની તથા દંડ ફટકારવાની વાત કરી હતી. આના કારણે મામલો બીચક્યો હતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ વિરોધ પ્રગટ કર્યો હતો.
સરપંચ મગનભાઈ અઘરાએ ખાણ-ખનીજ વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવતા આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, નસ્ત્રજિલ્લામાં મોટા પાયે ગેરકાયદેસર મોરમ અને રેતી ચોરી થઈ રહી છે, જેની સામે ખાણ-ખનીજ વિભાગ કોઈ કાર્યવાહી કરતું નથી. ભૂમાફિયાઓને ખુલ્લું મેદાન આપીને, વિકાસના કામો કરતી ગ્રામ પંચાયતને હેરાન કરવામાં આવે છે.
તેમણે ઉમેર્યું હતું કે, અધિકારીઓએ ગ્રામ પંચાયત, સરપંચ અને તલાટી પર ફરિયાદ કરવાની ધમકીઓ પણ આપી હતી, જે તદ્દન ખોટી અને અન્યાયી છે. સરકારે આ બાબતે યોગ્ય નિર્ણય લેવો જોઈએ અને ગ્રામ પંચાયતને તેના પૂરતી માટી વાપરવા માટે એક પરિપત્ર બહાર પાડવો જોઈએ. આ સમગ્ર મામલે ખાણ-ખનીજ વિભાગના અધિકારી જે.ડી.પટેલનો સંપર્ક કરવાનો વારંવાર પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે કોલ રીસીવ ન કરી કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું, જેના કારણે વિભાગની કામગીરી પર ઊભેલા સવાલો વધુ ગંભીર બન્યા છે. હાલ, ગામમાં ખાણ-ખનીજ વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

