Site icon Gujarat Mirror

પોલીસ રિપોર્ટ નેગેટિવ હોય તો પણ પાસપોર્ટ આપવો પડે

નાગરિકને પાસપોર્ટ મેળવવા કે, રિન્યૂ કરવાના કાયદાકીય અધિકારથી વંચિત રાખી શકાય નહીં: રાજસ્થાન હાઈકોર્ટ


પાસપોર્ટ બનાવવા અથવા રિન્યુ કરાવવા માટે કતારમાં ઉભેલા લોકો માટે સારા સમાચાર છે. રાજસ્થાન હાઈકોર્ટે કહ્યું છે કે પોલીસ તપાસનો રિપોર્ટ નેગેટિવ આવે તો પણ પાસપોર્ટ બનાવવાનું રોકી શકાય નહીં. તાજેતરમાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે નકારાત્મક પોલીસ વેરિફિકેશન રિપોર્ટ હોવાના કારણે નાગરિકને પાસપોર્ટ મેળવવાના કાયદાકીય અધિકારથી વંચિત રાખી શકાય નહીં. જસ્ટિસ અનુપ કુમાર ધંડની ખંડપીઠે ભારપૂર્વક જણાવ્યું હતું કે પાસપોર્ટ ઓથોરિટી પોલીસ રિપોર્ટથી બંધાયેલી નથી.


સાવિત્રી શર્મા વિ. યુનિયન ઓફ ઈન્ડિયાના કેસમાં સાવિત્રી શર્માની અરજી પર સુનાવણી કરતા બેન્ચે તેના ચુકાદામાં કહ્યું હતું કે, નસ્ત્રએક પ્રતિકૂળ પોલીસ વેરિફિકેશન રિપોર્ટ નાગરિકને પાસપોર્ટ મેળવવાના તેના કાયદાકીય અધિકારથી વંચિત કરી શકે નહીં. જો કે, કોર્ટે પાસપોર્ટ વિભાગને સ્વતંત્રતા આપી છે કે જો પોલીસ વેરિફિકેશનમાં કંઇક ખોટું હોય તો તેઓ કાયદા મુજબ કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર છે. આ સાથે હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને પાસપોર્ટ ઓફિસરને અરજદારની પાસપોર્ટ રિન્યુઅલની અરજીને 8 સપ્તાહની અંદર ચલાવવાનો નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે કોઈપણ ભારતીય નાગરિકને તેનો પાસપોર્ટ મેળવવા કે રિન્યૂ કરવાના કાયદાકીય અધિકારથી વંચિત રાખી શકાય નહીં. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે પાસપોર્ટ કે ટ્રાવેલ ડોક્યુમેન્ટ આપવાનો નિર્ણય પાસપોર્ટ ઓથોરિટી દ્વારા જ લેવામાં આવે.


કોર્ટે સ્પષ્ટ કર્યું કે પાસપોર્ટ એક્ટ, 1967 ની જોગવાઈઓ પાસપોર્ટ ઓથોરિટીને પાસપોર્ટ જારી કરતા પહેલા તપાસ કરવાની પરવાનગી આપે છે, તેથી તે મુસાફરી દસ્તાવેજની માંગ કરનાર વ્યક્તિના અગાઉના ઇતિહાસના સંબંધમાં પોલીસ વેરિફિકેશન રિપોર્ટ મંગાવી શકે છે. પાસપોર્ટ ઓથોરિટી દ્વારા આવી તપાસનો હેતુ દરેક ચોક્કસ કેસના સંજોગોમાં પાસપોર્ટ જારી કરવો જોઈએ કે નકારવો જોઈએ તે નક્કી કરવામાં સક્ષમ કરવાનો છે. જો કે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે આખરે નિર્ણય પાસપોર્ટ ઓથોરિટીનો છે, જેમાં તપાસ રિપોર્ટને ધ્યાનમાં લેવાનો વિકલ્પ પણ સામેલ છે.


કેસમાં અરજદારનો પાસપોર્ટ મે, 2022 સુધી માન્ય હતો. આવી સ્થિતિમાં તેણે પાસપોર્ટ રિન્યુઅલ માટે વિભાગમાં અરજી કરી હતી, પરંતુ પોલીસ વેરિફિકેશન દરમિયાન તેનો નેગેટિવ રિપોર્ટ આવતાં તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. અરજદારે આને હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને પાસપોર્ટ રિન્યુઅલની વિનંતી કરી હતી. પોલીસે અરજદારની રાષ્ટ્રીયતા અંગે શંકા વ્યક્ત કરી હતી. અરજીકર્તાએ જણાવ્યું કે તેના દાદા નેપાળમાં રહેતા હતા પરંતુ તેઓ જન્મથી ભારતીય છે. તેમના બે બાળકોનો જન્મ પણ અહીં જ થયો હતો અને તેમના લગ્ન પણ અહીં ભારતમાં જ થયા હતા.

Exit mobile version