બાંગ્લાદેશમાંથી શેખ હસીનાને ભગાડયા પછી નવી રચાયેલી મુહમ્મદ યુનુસની સરકાર એક તરફ ભારત તરફ આકરું વલણ અપનાવી રહી છે ત્યારે બીજી તરફ પાકિસ્તાનના ખોળામાં બેસવા માંડી છે. નોબલ પ્રાઈઝ વિજેતા મુહમ્મદ યુનુસની સરકાર ભારત સાથેના સંબંધોમાં કાપ મૂકી રહી છે ત્યારે પાકિસ્તાનને અછોવાનાં કરી રહી છે. તેના ભાગરૂૂપે ઢાકાથી-ઈસ્લામાબાદ વચ્ચેની ડાયરેક્ટ ફલાઈટ ફરી શરૂૂ કરી દેવાઈ અને પછી પાકિસ્તાનીઓ માટે વિઝામાં પણ રાહત જાહેર કરી દેવાઈ. હવે બાંગ્લાદેશના લશ્કરને પાકિસ્તાન આર્મીના અધિકારીઓ ટ્રેનિંગ આપવાના છે અને બાંગ્લાદેશ નેવી પાકિસ્તાન નેવી સાથે મળીને સંયુક્ત ક્વાયત પણ કરવાનું છે. પાકિસ્તાન દર 2 વર્ષે સાથી દેશો સાથે કવાયત કરે છે. આ વખતે 2025ના ફેબ્રુઆરીમાં કરાચી બંદરથી પાકિસ્તાન અને બાંગ્લાદેશ નૌકાદળની સંયુક્ત કવાયત શરૂૂ થવાની છે. આ સંયુક્ત કવાયતને અમન-2025 નામ આપવામાં આવ્યું છે.
બાંગ્લાદેશ નેવી દોઢ દાયકા પછી પહેલી વાર આ કવાયતમાં જોડાશે.પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ હમણાં બાંગ્લાદેશ ગયા ત્યારે યુનુસે શરીફને લાલ જાજમ પાથરીને આવકાર્યા હતા. આ યાત્રા દરમિયાન પાકિસ્તાન આર્મીના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ કમિટીના ચેરમેન જનરલ સાહિર શમશાદ મિર્ઝાએ મોકલેલા બાંગ્લાદેશ આર્મીને ટ્રેનિંગના પ્રસ્તાવ પર પણ ચર્ચા થઈ હતી.
મિર્ઝાઓ નવેમ્બરમાં બાંગ્લાદેશને ટ્રેનિંગનો પ્રસ્તાવ મોકલ્યો હતો. યુનુસ તો લશ્કરની કઠપૂતળી છે તેથી બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને આ પ્રસ્તાવને સ્વીકાર્યો એટલે તેમણે પણ લીલી ઝંડી આપી દીધી.યુનસે લીલી ઝંડી આપતાં જનરલ વકારે પાકિસ્તાન આર્મીને ટ્રેનિંગ માટે ઔપચારિક આમંત્રણ આપ્યું છે. પાકિસ્તાન તો ટાંપીને જ બેઠું છે એટલે તરત કાર્યક્રમ બનાવી દેવાયો. આ કાર્યક્રમ પ્રમાણે, પાકિસ્તાન આર્મીના મેજર જનરલ રેન્કના અધિકારીની આગેવાનીમાં એક વિશેષ ટીમ 2025ના ફેબ્રુઆરીથી બાંગ્લાદેશી લશ્કરને તાલીમ આપશે. ફેબ્રુઆરીમાં શરૂૂ થનારી ટ્રેનિંગનો પ્રથમ તબક્કો મૈમનસિંહ કેન્ટોનમેન્ટમાં આર્મી ટ્રેનિંગ એન્ડ ડોક્ટ્રિન કમાન્ડ (એટીડીસી) હેડક્વાર્ટર ખાતે યોજાવાનો છે. ભારત માટે ખતરાની ઘટંડી એ રીતે છે કે, મૈમનસિંહ કેન્ટોનમેન્ટ ભારતના મેઘાલયની એકદમ નજીક છે.
ભારતનાં ઉત્તર-પૂર્વનાં રાજ્યોની એકદમ નજીક પાકિસ્તાની લશ્કરની ટુકડી હોય એ ભારતની સુરક્ષા સામે ખતરો જ કહેવાય. બાંગ્લાદેશનું ભૌગોલિક સ્થાન ભારત માટે મહત્ત્વનું છે કેમ કે ભૂતાનનું ડોકલામ પણ ચિકન નેક કોરિડોરની નજીક છે. ચીન તેને કબજે કરવા માગે છે. બાંગ્લાદેશમાં યુનુસ સરકાર અને હવે પાક આર્મીના પ્રવેશ બાદ ચીન માટે સ્થિતિ અનુકૂળ છે.