કોર્પોરેશનની ચૂંટણીમાં રઘુવંશીઓને કદ પ્રમાણે વેતરી નાખ્યા
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં રઘુવંશી સમાજની ધરાર અવગણના અને ટિકિટ કાપવાના વિરોધમાં આવતીકાલે શનિવારે “રઘુવંશી સ્વાભિમાન સંમેલન” યોજાશે. આ સંમેલન એ માત્ર એક બેઠક નથી, પરંતુ રાજકોટના રઘુવંશી સમાજ તમામ નાના મોટા કાર્યકરો ના સંયુક્ત પ્રયાસો દ્વારા સત્તાધીશો સામે છેડાયેલું “સ્વાભિમાન આંદોલન” છે. જે કાલે રાત્રે 8-30 કલાકે યાજ્ઞિક રોડ ખાતે આવેલા રઘુવંશી યુવા શક્તિ સંઘના પ્રદેશ કાર્યાલય ખાતે યોજાશે.
રઘુવંશી યુવા શક્તિ સંઘના અગ્રણીઓએ ખુલ્લો આક્ષેપ કર્યો છે કે, રાજકોટમાં 2.5 લાખ અને વિધાનસભા-69 માં 70,000 થી વધુ રઘુવંશી મતદારો હોવા છતાં, સમાજના સક્ષમ પુરુષ નેતૃત્વને ખતમ કરવાનું પાપ કરવામાં આવ્યું છે. રઘુવંશી મતોના જોરે કોર્પોરેટરથી ધારાસભ્ય સુધી પહોંચેલા દર્શિતાબહેન શાહે પોતાની વ્યક્તિગત ઈર્ષા અને ઈચ્છા ખાતર વોર્ડ નં. 01, 02 અને 03 માં રઘુવંશી ઉમેદવારોની ટિકિટો કાપવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ખાસ કરીને રઘુવંશીઓના ગઢ એવા વોર્ડ નં. 02 માં 9,500 મતો હોવા છતાં ટિકિટ કાપીને સમાજના સ્વાભિમાનને લલકારવામાં આવ્યું છે.
ત્યારે કાલે રાજકોટના ઈતિહાસના સૌથી મોટા “રઘુવંશી વિરાટ મહાસંમેલન” ની તારીખ, સમય અને મેદાન (સ્થળ) ની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. જે વોર્ડમાં રઘુવંશી ઉમેદવાર નથી ત્યાં ’ગઘઝઅ’ અને જ્યાં ઉમેદવાર છે ત્યાં પક્ષ જોયા વગર તેને જીતાડવાની વ્યૂહરચના કાર્યકરોને સમજાવવામાં આવશે.
જો અત્યારે રઘુવંશી સમાજ નહીં જાગે, તો ભવિષ્યમાં સંગઠન કે સરકારમાં આપણો એક પણ પ્રભાવશાળી નેતા બાકી નહીં રહે તે ડરને વાસ્તવિકતામાં બદલાતો રોકવા માટે કાર્યકરોને સજ્જ કરાશે.

