નવી ‘કલ્પસર સહયોગ સમિતિ’ની રચના, ગામડે ગામડે જઈને લોકજાગૃતિ કેળવાશે: રાજકોટમાં યોજાઈ મહત્વની બેઠક
સૌરાષ્ટ્ર અને ગુજરાતની જળ સમસ્યાના કાયમી ઉકેલ માટે વિશ્વની સૌથી મોટી જળસંચય યોજનાઓ પૈકીની એક એવી ’કલ્પસર યોજના’ની કામગીરીને વેગ આપવા અને તેને જન-જન સુધી પહોંચાડવા માટે તાજેતરમાં 8 જુલાઈના રોજ રાજકોટ ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.
જાણીતા ઉદ્યોગપતિ શ્રી પરસોત્તમભાઈ કમાણીના સંયોજકત્વ હેઠળ ‘નવી કલ્પસર સહયોગ સમિતિ, ગુજરાત’ની રચના કરવામાં આવી છે, જે જિલ્લા, તાલુકા અને ગામડે-ગામડે જઈને લોકજાગૃતિ કેળવશે.
આ બેઠકમાં ગુજરાતના ભૂતપૂર્વ કૃષિમંત્રી શ્રી બેચરભાઈ ભાદાણી, ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા, અગ્રણી ઉદ્યોગપતિઓ અને સામાજિક આગેવાનો સર્વશ્રી જમનભાઈ ડેકોરા, કમલનયનભાઈ સોજીત્રા, પ્રફુલભાઈ સેંજલીયા, વીરાભાઇ હુંબલ, ગટોરભાઈ પટેલ, નીરજભાઈ રામણી, જીવાભાઇ બારડ અને શ્રી પ્રતાપભાઈ પટેલ (ટર્બો બેરિંગ) વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને યોજનાને વ્યાપક બનાવવા માટે પોતાના અમૂલ્ય સૂચનો રજૂ કર્યા હતા.
સમિતિના સંયોજક શ્રી પરસોત્તમભાઈ કમાણી અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા અને કમલનયનભાઈ સોજીત્રા સહિતના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, કલ્પસર એ માત્ર સરકારી યોજના નથી પરંતુ ગુજરાતની જીવાદોરી છે. આ યોજના અંગે લોકોમાં સકારાત્મક માહોલ ઊભો કરવા અને સરકાર સમક્ષ આ ભગીરથ કાર્ય વહેલી તકે પૂર્ણ થાય તે માટે લોકજુવાળ ઊભો કરવા સમિતિ દ્વારા આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના ગામડે-ગામડે જઈને વિવિધ કાર્યક્રમો અને મિટિંગોનું આયોજન કરવામાં આવશે. આ યોજના અંતર્ગત ખંભાતના અખાતમાં ભાવનગરથી ભરૂૂચ વચ્ચે આશરે 30 કિલોમીટર લાંબો આડબંધ (ડેમ) બનાવીને સમુદ્રની અંદર એક વિશાળ મીઠા પાણીનું સરોવર ઊભું કરાશે. જેમાં નર્મદા, મહી, સાબરમતી, ઢાઢર અને ભોગાવો જેવી નદીઓનું દરિયામાં વહી જતું મીઠું પાણી રોકવામાં આવશે.
યોજનાના મુખ્ય ફાયદાઓ
અફાટ જળસંચય: 10,000 મિલિયન ઘન મીટર મીઠા પાણીનો સંગ્રહ થશે, જેથી સૌરાષ્ટ્ર અને ગુજરાતની પાણીની તંગી કાયમ માટે દૂર થશે.
ખેતીને મોટો લાભ: સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અંદાજે 20 લાખ હેક્ટરથી વધુ વિસ્તારને સિંચાઈનું પાણી મળશે.
ખારાશ પર નિયંત્રણ: આડબંધના કારણે દરિયાના ખારા પાણીની આગળ વધતી વિપરીત અસર અટકશે અને ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે.
અંતર અને ઈંધણની બચત: ડેમ પર ટ્રાન્સપોર્ટ કોરિડોર બનવાથી ભાવનગર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું અંતર 150 થી 200 કિલોમીટર જેટલું ઘટશે, જેનાથી સમય અને કરોડો રૂૂપિયાના ઈંધણની બચત થશે જે વેપાર-ઉદ્યોગ માટે વરદાન સાબિત થશે.
ગ્રીન એનર્જી: ડેમ પર સોલાર પેનલ અને અન્ય માધ્યમો દ્વારા મોટાપાયે પરંપરાગત (પુન:પ્રાપ્ય) વીજળી ઉત્પન્ન કરવાનું આયોજન છે.
બેઠકના અંતે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ કલ્પસર યોજનાને વેગ અને સહયોગ આપવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

