ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને 12ની શાળાકીય વિષયોની પરીક્ષા 31 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી લેવાઈ હતી. ત્યારબાદ હાલમાં ધો.12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા ચાલી રહી છે. આ પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે શાળાઓને 21 ફેબ્રુઆરી સુધીમાં બોર્ડને ગુણ મોકલી આપવાના રહેશે. વિદ્યાર્થીઓના ગુણ બોર્ડની પરીક્ષા માટે ભરેલા આવેદનપત્રના નંબરના આધારે ભરવાના રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે ધો.10 અને 12ના મુખ્ય વિષયોની પરીક્ષા લેવાતી હોય છે. જેમાં થિયરની પરીક્ષા સાથે બોર્ડ દ્વારા પ્રાયોગિક પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે.
ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂૂ કરવામાં આવશે. જોકે, બોર્ડ દ્વારા અમુક વિષયોની પરીક્ષા લેવાની જવાબદારી જે-તે શાળાઓને જ સોંપાઈ છે. દરમિયાન, ચાલુ વર્ષ માટે એકેડેમિક કેલેન્ડર અનુસાર, ધો.10 અને 12ના બોર્ડના વિષયોની શાળાકક્ષાએ લેવાની થતી સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષા 31 જાન્યુઆરીથી લેવાઈ હતી. આ પરીક્ષા 4 ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ હતી.
ત્યારબાદ 6 ફેબ્રુઆરીથી ધો.12 સાયન્સની મુખ્ય ત્રણ વિષયોની પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવી હતી. હાલમાં આ પ્રાયોગિક પરીક્ષા ચાલી રહી છે. જેમાં વિદ્યાર્થીઓના ગુણ બોર્ડને રોજેરોજ મોકલી આપવા માટે આદેશ કરાયો છે. ધો.10 અને 12ની શાળાકક્ષાની પ્રાયોગિક અને સૈદ્ધાંતિક પરીક્ષાના ગુણ મોકલવા માટેની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. જેમાં શાળાઓએ 21 ફેબ્રઆરી સુધીમાં તમામ વિદ્યાર્થીના ગુણ બોર્ડને મોકલી આપવાના રહેશે. શાળાઓએ બોર્ડને વિદ્યાર્થીઓના ગુણ ઓનલાઈન મોકલવાના રહેશે. ગુણ મોકલવામાં કોઈ મુશ્કેલી જણાય તો બોર્ડનો સંપર્ક સાધવા માટે સૂચના અપાઈ છે.

