Site icon Gujarat Mirror

8 માર્ચ સુધીમાં રાજ્યની તમામ શાળાઓ સ્વચ્છ કરવા આદેશ

ગુજરાત રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ તેમજ ખાનગી શાળાઓમાં સ્વચ્છતા અને ભૌતિક સુવિધાઓ સુધારવા માટે રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. આદેશ મુજબ રાજ્યની તમામ શાળાઓમાં સ્વચ્છતા સંકુલોની જાળવણી, જરૂૂરી મરામત તથા પાણીની સુવિધા સહિતની તમામ કામગીરી આગામી 8 માર્ચ, 2026 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા આ અંગે પરિપત્ર જાહેર કરી તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ (DEO), જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ (DPEO) અને શાસનાધિકારીઓને કડક સૂચનાઓ આપવામાં આવી છે. પરિપત્રમાં જણાવ્યા મુજબ શાળાઓમાં સ્વચ્છતા માત્ર આરોગ્ય માટે નહીં પરંતુ વિદ્યાર્થીઓ માટે સ્વસ્થ અને પ્રોત્સાહક શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવા માટે પણ અત્યંત જરૂૂરી છે.

પરિપત્ર અનુસાર રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આવેલા સ્વચ્છતા સંકુલોની હાલતનું તાત્કાલિક મૂલ્યાંકન કરી જરૂૂરી મરામત કરવી ફરજિયાત રહેશે. શૌચાલયોના દરવાજા યોગ્ય રીતે બંધ થઈ શકે તેવા હોવા જોઈએ, આસપાસ ઝાડી-ઝાંખરા કે ગંદકી ન હોવી જોઈએ અને નિયમિત સફાઈ સુનિશ્ચિત કરવાની રહેશે. જ્યાં પાણીની સુવિધા ઉપલબ્ધ ન હોય ત્યાં તરત પાણીની વ્યવસ્થા કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે.

આ સાથે સ્વચ્છતા સંકુલોમાં વીજળી સંબંધિત કોઈપણ જોખમ ન રહે તે માટે ઇલેક્ટ્રિકલ વ્યવસ્થાની પણ તપાસ કરવા સૂચના આપવામાં આવી છે. નળ, બારી-બારણા અને અન્ય ભૌતિક સુવિધાઓ કાર્યરત હાલતમાં હોવી જરૂૂરી હોવાનું સ્પષ્ટ કરાયું છે. જો સ્વચ્છતા સંકુલોમાં મોટી કે નાની મરામતની જરૂૂરિયાત હોય તો તે કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે.

રાજ્યની જે શાળાઓને સ્કૂલ કંપોઝિટ ગ્રાન્ટ મળતી હોય, તેને નિયમોનુસાર તેનો ઉપયોગ કરીને મરામત અને સ્વચ્છતા સંબંધિત કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે ગ્રાન્ટ ઉપલબ્ધ ન હોય તેવી શાળાઓએ પોતાના ભંડોળમાંથી આ કામગીરી કરવાની રહેશે. આ અંગે કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.

Exit mobile version