રાજયમાં જુદા જુદા જિલ્લાઓ અને તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓ પૈકી અનેક શાળાઓની જમીન અન્ય કોઇ ટ્રસ્ટ કે સંસ્થાના નામે હોવાની અનેક ફરિયાદો શિક્ષણ વિભાગને મળી હતી. આ ફરિયાદના અનુસંધાનમાં પ્રાથમિક શાળાઓની જમીન જે તે શાળાઓના નામે કરવા માટે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ ડીપીઓને સૂચના આપવામાં આવી છે.
આશ્ચર્યની વાત એ કે, એક વર્ષ પહેલા પણ આ પ્રકારની સૂચના આપવામાં આવી હોવાછતાં કોઇ કાર્યવાહી ન થતાં હવે એવી ચીમકી આપવામા આવી છે કે, ભવિષ્યમાં કોઇ પ્રશ્ન કે સમસ્યા ઉભી થાય તો સ્કૂલના આચાર્યથી લઇને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને જવાબદાર ગણવામાં આવશે. રાજયમાં સરકારી સ્કૂલોમાં ગેરકાયદે દબાણો થયા હોવાની વિગતો બહાર આવી હતી. જેના અનુસંધાનમાં પૂર્વ સાંસદે પત્રો લખીને પણ રજૂઆત કરી હતી. આ રજૂઆતો પછી પણ અસરકારક કામગીરી ન થતાં શિક્ષણ મંત્રીને આ મુદ્દે પત્ર લખીને જાણકારી આપવામાં આવી હતી. શિક્ષણમંત્રીએ આ મુદ્દે વિભાગને સૂચના આપી હતી.
જેના અનુસંધાનમાં ગત ઓગસ્ટ માસમાં જ પ્રાથમિક શિક્ષણ નિયમક કચેરીને પત્ર લખીને આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવા તાકીદ કરાઈ હતી. આમછતાં વિભાગે લાંબા સમય સુધી કોઇ કાર્યવાહી કરી નહોતી. તાજેતરમાં શિક્ષણ નિયામક કચેરીએ એક પરિપત્ર જાહેર કરી તાકીદ કરી હતી કે, જે સરકારી પ્રાથમિક શાળાઓની જમીન શાળાના નામે નથી અને આ જમીન સરકારી પડતર, ગૌચર કે જંગલ વિભાગ કે અન્ય કોઇના નામે હોય તો તાકીદે જમીનના માલિક-કબજેદાર તરીકે સંબંધિત પ્રાથમિક શાળાનું નામ દાખલ કરવાનું રહેશે. આ પ્રકારનું નામ દાખલ કરવા માટે સંબંધિત જવાબદારોએ તાકીદે દરખાસ્ત કરવાની રહેશે.

