છેલ્લા સાત વરસની સૌથી મોટી ભીષણ વેચવાલીથી શેર-સટ્ટામાં ભંગાણ: દસ લાખ કરોડના ધોવાણને સરભર કરવા મથામણ: નાગરિકો-નિષ્ણાતોના મિશ્ર પ્રત્યાઘાત
આગામી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોઇ આકારા ડોઝ નહીં
સોના અને ચાંદીની ચાલુ ઐતિહાસિક ઉથલપાથલ અંગે સરકારનું મૌન યથાવત રહેતા રેસ ચાલુ રહેશે
સન 2047 સુધી કોર્પોરેટ જાયન્ટ રિલાયન્સ વગેરે ડેટા કંપનીઓને ટેક્સ હેવનની ખેરાત
બજેટમાં જાહેર થયા ફાસ્ટ ટ્રેન માટેના સાત નવા રેલવે કોરીડોર, કેન્દ્રીય બજેટનું કુલ કદ 53.5 લાખ કરોડ, 44 લાખ કરોડ કરવેરા આવકની કેન્દ્રને આશા
કેન્દ્રના નાણાપ્રધાન નિર્મલા સીતારામને પ્રસ્તુત કરેલા સને 2026-27 નાણાકીય વરસના કુલ 53.5 લાખ કરોડનું કદ ધરાવતા બજેટના દેશભરમાં મિશ્ર પ્રત્યાઘાતો પડયા છે જયારે ભારતીય શેરબજારમાં ગઇકાલના ભીષણ કડાકા પછી આજે બજારે રિકવરી કરવાની મથામણ સાથે ઉઘાડ કર્યો હતો પરંતુ ગઇકાલના રોકાણકારોના રૂપિયા દસ લાખ કરોડના ધોવાણને સરભર કરતા હજુ વાર લાગે એવો પ્રારંભીક અણસાર છે.
કેન્દ્ર સરકારના બજેટમાં આ વખતે સંરક્ષણ માટેની ફાળવણીમાં પંદર ટકાનો સીધો વધારો કરીને દેશના અન્ય અગ્રતાક્રમ ધરાવતા ઉત્પાદન, કૃષિ અને પ્રવાસન ક્ષેત્રે અનેક પ્રકારના ઝડપી વિકાસ કરનારા પગલા જાહેર કરવામાં આવ્યા છે. દેશના એક વિરાટ મોડેલરૂપ ડેટા સેન્ટર માટે રિલાયન્સ જામનગરમાં તૈયારી કરી રહ્યું છે ત્યારે એ પ્રકારની ડેટા કંપનીઓને પ્રોત્સાહન આપવા ભારત સરકારે લગભગ આવતા પચીસ વરસ સુધી પુર્ણ કરમુક્તિનો લાભ જાહેર કર્યો છે જે અન્ય મોટી કોર્પોરેટ કંપનીઓના ડેટા ડિવિઝનના વિકાસ માકેનો નવો રાહતયુક્ત માર્ગ ખુલ્લો કરે છે.
કેન્દ્ર સરકારને મળતા સીધા અને અપ્રત્યક્ષ કરવેરામાંથી રાજ્યોને ભાગ આપવા માટે 1.4 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે જે કેટલાક સમયથી વણસતા જતા કેન્દ્ર-રાજય સંબંધો પરની નવી પાટાપિંડી છે. આનાથી રાજયોની પોતાને અન્યાય થતો હોવાની માનસિકતામાં સુધાર આવશે એવી નાણા પ્રધાનને આશા છે. જેની ઉંચી ડોકે રાહ જોવાતી હતી તે વ્યક્તિગત કરકપાત એટલે કે આવકવેરામાં સરકારે તરત કોઇ જાહેરાત કરવાનું ટાળીને નવા નાણાકીય વરસના આરંભે એટલે કે પહેલી એપ્રિલે ઠેલ્યું છે જેને કારણે સામાન્ય નોકરીયાત કરદાતાઓ નિરાશ થયા છે.
સોના-ચાંદીની ચાલુ ઐતિહાસીક ઉથલ પાથલ અંગે સરકારનું મૌન યથાવત રહેતા એ રેસ ચાલુ રહેવાની ધારણા છે. બજેટ પછીના પ્રત્યાઘાતમાં સોના-ચાંદી બન્નેના ભાવમાં ઘટાડાના આંચકા આજે જોવા મળ્યા છે.
આ વખતનું બજેટ ગત વર્ષ કરતા અંદાજે 5.5 ટકા મોટું છે. જોકે, આ આંકડાઓની પાછળ સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે સરકારની ચોખ્ખી આવક માત્ર 35.33 લાખ કરોડ રૂૂપિયા છે, ત્યારે 53.47 લાખ કરોડનો ખર્ચ કેવી રીતે પૂરો કરવામાં આવશે? સરકારના આંકડાઓ મુજબ, આ ખાધ પૂરી કરવા માટે દેશ ફરી એકવાર મોટા પાયે ઉધારી (લોન) પર નિર્ભર રહેશે.
બજેટ દસ્તાવેજ અનુસાર, વર્ષ 2026-27માં કેન્દ્ર સરકારને કુલ 44 લાખ કરોડ રૂૂપિયાની ટેક્સ આવક થવાની અપેક્ષા છે. જોકે, તેમાંથી 15.26 લાખ કરોડ રૂૂપિયા રાજ્યોને તેમના હિસ્સા પેટે આપી દેવામાં આવશે. આમ, રાજ્યોનો હિસ્સો આપ્યા બાદ કેન્દ્ર સરકાર પાસે ચોખ્ખી ટેક્સ આવક 28.66 લાખ કરોડ રૂૂપિયા બચશે. આ ઉપરાંત, વ્યાજની કમાણી અને સરકારી કંપનીઓના ડિવિડન્ડ દ્વારા 6.66 લાખ કરોડની બિન-ટેક્સ આવક થશે. આમ, સરકારની કુલ કુલ કમાણી 35.33 લાખ કરોડ રૂૂપિયા થશે. જેમાં આવકવેરો (14.66 લાખ કરોડ) અને જીએસટી (10.19 લાખ કરોડ) મુખ્ય સ્તંભ રહેશે.
સરકારની આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત પૂરો કરવા માટે સરકાર 16.95 લાખ કરોડ રૂૂપિયાનું દેવું કરશે.
ગત વર્ષે (2025-26) આ આંકડો 15.58 લાખ કરોડ હતો, એટલે કે એક જ વર્ષમાં સરકારની ઉધારીમાં 1 લાખ કરોડ રૂૂપિયાથી વધુનો વધારો થયો છે. સરકારની કમાણીના દરેક 1 રૂૂપિયામાં 24 પૈસા ઉધારીના હશે. આ દેવું મુખ્યત્વે ઘરેલું બજારમાંથી સરકારી બોન્ડ દ્વારા લેવામાં આવશે, જ્યારે અંદાજે 15 હજાર કરોડ રૂૂપિયા વિદેશથી લોન લેવાશે.
બજેટમાં સરકારે દેવું ઘટાડવાની વ્યૂહરચના પણ રજૂ કરી છે. સરકારનો લક્ષ્યાંક છે કે 2030 સુધીમાં દેશના કુલ દેવાને જીડીપીના 50 ટકા સુધી લાવવામાં આવે. હાલમાં આ દેવું જીડીપીના 56.1 ટકા છે, જેને 2026-27માં ઘટાડીને 55.6 ટકા કરવાનું લક્ષ્ય છે. તેવી જ રીતે, રાજકોષીય ખાધ (ફિસ્કલ ડેફિસિટ) ને જીડીપીના 4.4 ટકાથી ઘટાડીને 4.3 ટકા પર લાવવાનો દાવો કરવામાં આવ્યો છે.
આમ, બજેટ 2026નું સમગ્ર મોડેલ ત્રણ બાબતો પર ટકેલું છે: ટેક્સ અને જીએસટી દ્વારા સ્થિર આવક, વિકાસ માટે બજારમાંથી મોટી ઉધારી અને ધીમે ધીમે રાજકોષીય ખાધને અંકુશમાં લેવાના પ્રયાસો. ટૂંકમાં, સરકારની તિજોરીમાં ભલે 35 લાખ કરોડ હોય, પણ વિકાસની ગતિ જાળવવા સિસ્ટમ આવતા વર્ષે પણ દેવા પર નિર્ભર રહેશે.
સામાન્ય ચીજવસ્તુઓ ને સેવા પરના કર આંકડાઓ ગાયબ કેમ ?
હવે ચીજવસ્તુઓ અને સેવાઓ માટે ગુડસ એન્ડ સર્વિસ ટેકસ એટલે કે જીએસટી પ્રણાલિકા ઘણા સમયથી લાગુ છે તે કઈ ચીજ કે સેવા પર કેટલો જીએસટી લગાવવો તેનો નિર્ણય એકલી કેન્દ્ર સરકાર નથી લેતી પણ રાજ્ય સરકારોના નાણાંપ્રધાનો અને કેન્દ્રીય નાણામંત્રીની બનેલી જીએસટી કાઉન્સિલ લે છે. આ જીએસટી કાઉન્સિલની વરસમાં ચાર વાર બેઠકો મળે છે. આ બેઠકોમાં જીએસટીમાં ફેરફારમાં નિર્ણયો લેવાઈ જાય છે તેથી બજેટમાંથી ચીજવસ્તુઓ અને સેવાઓ પરના ટેકસમાં આંકડો જ નીકળી ગયો છે.

