પશ્ચિમ બંગાળમાં નિપાહ વાઈરસના બે શંકાસ્પદ કેસના કારણે હડકંપ મચ્યો છે. આ બંને દર્દીઓ પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના બારાસાતની એક ખાનગી હોસ્પિટલમાં મેલ અને ફીમેલ નર્સ તરીકે ફરજ બજાવે છે. એજન્સીના જણાવ્યા અનુસાર, સોમવારે AIIMS કલ્યાણી ખાતે વાયરસ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીમાં સત્તાવાર સૂત્રોએ આ કેસોની પુષ્ટિ કરી છે. હાલ તેમની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવાયું છે અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, આ બંને નર્સ ડિસેમ્બર મહિનામાં મિદનાપુર અને બર્ધમાન સ્થિત પોતાના ઘરે ગયા હતા, જ્યાં તેઓ બીમાર પડ્યા હતા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ આ સ્થિતિ અંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ફોન પર વાત કરી હતી અને કેન્દ્ર તરફથી તમામ ટેકનિકલ અને લોજિસ્ટિક મદદની ખાતરી આપી છે. કેન્દ્ર દ્વારા એક ‘નેશનલ જોઈન્ટ આઉટબ્રેક રિસ્પોન્સ ટીમ’ તૈનાત કરવામાં આવી છે અને વાયરસના સંક્રમણને નિયંત્રિત કરવા માટે જરૂરી પ્રોટોકોલ જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં જે લોકો આ બંને નર્સના સંપર્કમાં આવ્યા હતા, તેમને શોધીને હોમ આઈસોલેશનમાં રહેવાની સૂચના આપવામાં આવી છે.
રાજ્ય આરોગ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, બંને નર્સો એક જ હોસ્પિટલમાં કામ કરે છે. તેમના નમૂનાઓ પરીક્ષણ માટે AIIMS કલ્યાણી મોકલવામાં આવ્યા હતા, જ્યાં પ્રારંભિક અહેવાલોમાં નિપાહ ચેપની શક્યતા દર્શાવવામાં આવી હતી. બંને હાલમાં સારવાર હેઠળ છે, પરંતુ ડોકટરોએ તેમના સ્વાસ્થ્યની સ્થિતિ ગંભીર ગણાવી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે ૧૧ જાન્યુઆરીએ શંકાસ્પદ કેસ નોંધાયા પછી તરત જ સંકલિત કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તૈનાત કરાયેલ પ્રતિભાવ ટીમમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) પુણે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિઓલોજી ચેન્નાઈ અને વન્યજીવન વિભાગના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. આ ટીમ રાજ્યને વાયરસના સ્ત્રોતને શોધવા અને તેના ફેલાવાને રોકવામાં મદદ કરશે.

