અનેકગણું ફળ આપતી અને કર્મ નિર્જરા કરતી મહિમાવંત

શામ્બ-પ્રદ્યુમ્ન ઋષિ કહ્યા, સાડીઆઠ કરોડ…તે તીર્થેશ્ર્વર પ્રણમીએ પૂર્વ કર્મ પિછોહ

શેત્રુંજય છ’ગાઉ પ્રદક્ષિણા

અકેકુ ડગલું ભરે, શત્રુંજય સમો જેહ
ઋષભ કહે ભવ ક્રોડના, કર્મ ખપાવે તેહ
શેત્રુંજય તીર્થને પ્રાય: શાશ્ર્વત તીર્થ માનવામાં આવે છે તેનો મહિમા અપૂર્વ, અનેરો છે. વર્તમાન ચોવીસીમાં 23 તીર્થંકરોએ અહીં પદાર્પણ કરેલ છે. તેમાંય
પ્રથમ જૈન તીર્થંકર ભગવાન ઋષભદેવ અથવા આદિનાથ કે આદિશ્ર્વર દાદાનાં પુનિત સંસ્મરણો આ તીર્થ સાથે સંકળાયેલાં છે. આદિનાથ ભગવાન અહીં નિયમિત પદાર્પણ કરતાં અને ડુંગર પરના રાયણના વૃક્ષ નીચે તપ-આરાધના કરતા. તેઓ અત્રે પૂર્વ નવાણું વખત પધાર્યા હતા એટલે આજે પણ નવાણું યાત્રાનો અનેરો મહિમા છે. શેત્રુંજય તીર્થ વિશ્ર્વભરમાં કદાચ એકમાત્ર એવું તીર્થ છે કે જેમાં ડુંગર પર 863 ઉપરાંત શિખરબંધી નાનાં-મોટાં દેરાસરો છે. જેમાં લગભગ 17000 ઉપરાંત પ્રતિમાઓ બિરાજમાન છે. 603 મીટર ઊંચી શત્રુંજય પર્વતમાળા પર આવેલાં આ દેરાસરો મોટાભાગે આરસપહાણથી અને સફેદ પથ્થરોથી બંધાયેલાં છે.
આવા
ચમત્કારિક, પવિત્ર શેત્રુંજયની જાત્રા કરવા દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે તેમાં પણ ફાગણ સુદ તેરસ-13ની છથગાઉની જાત્રાનું અનેરું મહત્વ છે. લોકમુખે તે નઢેબરિયા મેળાથ કે નઢેબરિયા તેરસથ તરીકે પણ જાણીતી છે. શેત્રુંજય પર કરોડો સાધુ-ભગવંતો મોક્ષ પામ્યા હોવાથી તેનો અણુએ અણુ અતિ પવિત્ર મનાય છે. આ દિવસે શ્રીકૃષ્ણજીના પુત્રો શામ્બ અને પ્રદ્યુમ્ન સાડાઆઠ કરોડ મુનિઓ સાથે અનશન કરી મોક્ષપદને પામ્યા છે. એથી આ દિવસે શેત્રુંજય ગિરિરાજની છ ગાઉની પ્રદક્ષિણા યાત્રાનો અપૂર્વ મહિમા છે અને એટલે જ હજારોની સંખ્યામાં જૈનો એક જ દિવસમાં અસંખ્ય લોકોને મુક્તિ અપાવનાર, પવિત્ર ભાડવા ડુંગરને હૈયાના અનેરા ઉલ્લાસ સાથે ભેટવા માટે ઊમટી પડે છે અને પોતાનાં કર્મોની નિર્જરા કરે છે. અહીં દેશભરના વિવિધ જૈન સંઘો દ્વારા સાધર્મિક ભક્તિનો લાભ લેવા માટે અનેક પાલ ઊભા કરાય છે. જેમાં ચા-પાણી, ભરપૂર નાસ્તો વગેરે અપાય છે. પોતાના પાલમાં પધારી સાધર્મિક ભક્તિનો લાભ આપવા બે હાથ જોડી વીનવતા હોય છે ત્યારે અનેરાં ભાવુક દ્રશ્યો સર્જાતાં રહે છે.

લબ્ધિથી પ્રાપ્ત થઈ ચંદન તલાવડી
ઋષભદેવ પરમાત્માના શાસનમાં થયેલા ચિલ્લણ મુનિ સંઘ સાથે શત્રુંજય ગિરિરાજ પધાર્યા હતા. હર્ષાવેશમાં લોકો જુદા-જુદા રસ્તેથી ગિરિરાજ પર ચડવા લાગ્યા હતા. સખત ગરમીને લીધે સંઘ અતિશય
તૃષાતુર થઈ ગયો. ચિલ્લણ મુનિએ પોતાની લબ્ધિથી એક મોટું તળાવ પાણીથી છલકાવી દીધું અને સંઘના યાત્રિકોએ આ નિર્મળ પાણીથી પોતાની તૃષા શાંત કરી. ત્યારથી આ તલાવડીનું નામ ‘ચિલ્લણ’ યાને ‘ચંદન તલાવડી’
પ્રસિદ્ધ થયું.

ફાગણ સુદ તેરસના દિવસે શ્રીકૃષ્ણજીના પુત્રો શામ્બ અને પ્રદ્યુમ્ન સાડાઆઠ કરોડ મુનિઓ સાથે અનશન કરી મોક્ષપદને પામ્યા તેથી આ દિવસે શત્રુંજય ગિરિરાજની


છ’ગાઉની પ્રદક્ષિણા યાત્રાનો અપૂર્વ મહિમા
અસંખ્ય લોકોને મુક્તિ અપાવનાર, પવિત્ર ભાડવા ડુંગરને હૈયાના અનેરા ઉલ્લાસ સાથે ભેટવા જૈનો મોટી સંખ્યામાં ઊમટી પડે છે

ચાલો કરીએ અપૂર્વ મહાત્મ્ય ધરાવતી છ’ગાઉ યાત્રા
છ’ગાઉની જાત્રાના દિવસે યાત્રાળુઓ સર્વપ્રથમ શત્રુંજય ગિરિરાજની જય તળેટીએ સૌપ્રથમ ચૈત્યવંદન કરી ગિરિરાજ ચડવાનું શરૂ કરે છે. તળેટી બાદ બાબુનું દેરાસર,
જલમંદિર, રત્નમંદિર, સમવસરણ, હિંગલોજદેવી, હનુમાનધારા, રામપોળ વગેરે થઇને દાદાનું મુખ્ય દેરાસર પહોંચી ઋષભદેવનાં દર્શન-પૂજા ચૈત્યવંદન કરે છે. ત્યાર પછી જમણી બાજુના રસ્તેથી છ’ગાઉની જાત્રા શરૂ કરે છે. આ જાત્રા દરમિયાન સૌ પ્રથમ આ ગિરિરાજ પર મોક્ષ પામનાર દેવકીના છ પુત્રોનું મંદિર આવે છે. ત્યારબાદ આગળ વધતાં ‘ઉલ્કા જલ’ નામનું પોલાણ-ખાડો આવે છે. દાદા આદિનાથ પ્રભુનું ન્હવણ (પક્ષાલ) જમીનમાં થઈ અહીં આવે છે એમ માનવામાં આવે છે. અહીં ડાબી બાજુ એક નાની દેરીમાં શ્રી આદિનાથ ભગવાનનાં પગલાં છે. અહીં લોકો વિધિ સહિત ચૈત્યવંદન કરે છે. આગળ શ્રી અજિતનાથ પ્રભુની અને શ્રી શાંતિનાથ પ્રભુની બે દેરીઓ આવે છે. એમાં આ બન્ને ભગવાનનાં પગલાં છે. એકદા નેમિનાથ ભગવાનના સમયમાં થયેલા નંદિષેણસૂરિ અહીં આવી ચૈત્યવંદન કરવા લાગ્યા. દેરીઓ સામસામે હોવાથી પૂંઠ પડવા લાગી એથી તેમણે અહીં ‘અજિતશાંતિ’ નામના મંત્રગર્ભિત સ્તવનની રચના કરી. આ સ્તવનના પ્રભાવથી બન્ને દેરીઓ પાસપાસે આવી ગઈ. આ નંદિષેણસૂરિ સાત હજાર મુનિઓ સાથે આ તીર્થમાં અનશન કરી મોક્ષે ગયા છે. અહીં નનમો જિણાણંથ કહી ચૈત્યવંદન કરી લોકો આગળ વધે છે ત્યારબાદ ચંદન તલાવડી, રત્નની પ્રતિમા, સિદ્ધશિલા, ભાડવા ડુંગર આવે છે.કૃષ્ણજીના પુત્રો શામ્બ અને પ્રદ્યુમ્ન સાડાઆઠ કરોડ મુનિઓ સાથે મોક્ષે ગયા છે. તેમની સ્મૃતિમાં અહીં એક દેરીમાં આદીશ્વર ભગવાનનાં પગલાંની સાથે શામ્બ અને પ્રદ્યુમ્નનાં પગલાં પણ છે.
એક દિવસે સાડાઆઠ કરોડ આત્માઓને મુક્તિ અપાવનાર ભાડવા ડુંગરને ભેટતાં અત્યંત ભાવવિભોર બની જવાય
છે. ભાડવા ડુંગરથી વિદાય લેતાં હવે લોકો નીચે ઊતરે છે. નીચે તળેટી પર પહોંચતાં જ એક વિશાળ વડ નજરે પડે છે એને સિદ્ધવડ તરીકે ઓળખવામાં આવે છે. સિદ્ધશિલાની જેમ આ સિદ્ધવડના સ્થાને પણ અનેક આત્માઓ સિદ્ધગતિને પામ્યા છે. એથી આ સિદ્ધવડનું ભારે માહાત્મ્ય છે. અહીં એક મોટી દેરીમાં શ્રી ઋષભદેવ ભગવાનનાં પગલાં છે. અહીં લોકો છેલ્લું ચૈત્યવંદન કરે છે, કારણ કે છ’ગાઉ પ્રદક્ષિણાનો આ અંતિમ મુકામ છે. અહીં છ’ગાઉની પ્રદક્ષિણાયાત્રાની પૂર્ણાહૂતિ થાય છે.

રિલેટેડ ન્યૂઝ