છ માસનો ગર્ભ છતા પણ કોરોનાની મહામારી સામે ટીમને નેતૃત્વ પુરૂ પાડતા કિંજલ ગણાત્રા


વોર્ડ નં. 2ના વોર્ડ ઓફિસરની ફરજ નિષ્ઠાને બિરદાવતા મ્યુનિ. કમિ. ઉદિત અગ્રવાલ
રાજકોટ તા. 26
કોરોનાની વર્તમાન પરિસ્થિતિને નજર સમક્ષ રાખી સરકારશ્રી દ્વારા લાગુ કરવામાં આવેલ લોકડાઉન પીરીયડ દરમ્યાન રાજકોટ શહેરમાં નાગરિકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ સરળતાથી મળી રહે અને તેમની લાઈફ નોર્મલ બની રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકાનો સ્ટાફ દિવસ રાત જોયા વગર પોતાની ફરજ બજાવી રહયો છે ત્યારે એમાં પણ કર્તવ્યનિષ્ઠાની પરાકાષ્ઠા ગણાય તેવા એક જબરદસ્ત ઉદાહરણ વિશે લોકોને જાણકારી આપતા મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે સગર્વ એમ જણાવ્યું હતું કે, વોર્ડ નં. 2 ના વોર્ડ ઓફિસર કિંજલબેન ગણાત્રા છઠા માસની સગર્ભા અવસ્થામાંથી પસાર થઇ રહયા છે. આવી સ્થિતિ વચ્ચે પણ તેઓ પોતાની ટીમનું નેતૃત્વ કરી પોતાના વોર્ડમાં તેમની કામગીરી નિભાવી રહયા છે. આવા નિષ્ઠાવાન અધિકારી માટે


રાજકોટ મહાનગરપાલિકા ગર્વ અનુભવે છે. સાથોસાથ નાગરિકોએ પણ આ બાબતની સગર્વ નોંધ લેવી જોઈએ.
શહેરના લોકલ કરીયાણાની દુકાનોમાં આવશ્યક ચીજ વસ્તુઓનો પુરતો જથ્થો મળતો રહે તેવી વ્યવસ્થા કરવાની
સાથોસાથ શહેરમાં કરીયાણાની જે જે દુકાનો ખુલ્લી રહેવાની છે તે દુકાન ઉપર રાજકોટ મહાનગરપાલિકાએ લીલા રંગના સ્ટીકર લગાવવાની કામગીરી ઉપરાંત કચેરીના અન્યાદેશો અનુસાર તેઓ પોતાની કામગીરી બજાવી રહયા છે. શહેરની કરીયાણાની દુકાનોએ શાકભાજીનો જથ્થો પણ પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં તેમની વોર્ડ ટીમો સંકલન કરી રહી છે.

રિલેટેડ ન્યૂઝ