Site icon Gujarat Mirror

ભૂકંપ પ્રતિરોધક બાંધકામના નવા નિયમો સ્થગિત

કેન્દ્ર સરકારે નોટીફિકેશન રદ કરતા બાંધકામ ઉદ્યોગને મોટી રાહત

ગુજરાતમાં ભૂકંપના ઝોનિંગમાં કરવામાં આવેલા ફેરફારોના કારણે બાંધકામના નિયમોમાં પણ મોટા ફેરફારો આવ્યા હતાં અને બાંધકામ ખર્ચ 25 ટકા જેવો વધી ગયો હતો. પરંતુ કેન્દ્ર સરકારે નવા સિસ્મિક કોડ સ્થગિત કરવામાં આવતાં બાંધકામ ઉદ્યોગને મોટી રાહત થઈ છે.

બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા નવેમ્બર 2025માં જાહેર કરાયેલ આ સુધારેલ કોડના અમલને ટેક્નિકલ તેમજ આર્થિક અસરોને ધ્યાનમાં રાખીને સ્થગિત કરવામાં આવ્યો છે. હાલમાં જૂનો કોડ IS 1893 (ભાગ 1): 2016 જ યથાવત અમલમાં રહેશે.

આ નિર્ણયથી રાજકોટ સહિત ગુજરાતના મોટા શહેરોમાં ચાલુ રહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને મોટી રાહત મળી છે. નવા કોડમાં ભૂકંપ ઝોન ફેક્ટર અને ડિઝાઇન ફોર્સમાં વધારો થવાની શક્યતા હતી, જેનાથી હાઈ-રાઈઝ બિલ્ડિંગ્સ, બ્રિજ, મેટ્રો અને અન્ય મોટા પ્રોજેક્ટ્સમાં સ્ટ્રક્ચરલ ડિઝાઇન, રીનફોર્સમેન્ટ અને ફાઉન્ડેશનના કદમાં વધારો થઈને પ્રોજેક્ટ ખર્ચમાં નોંધપાત્ર વધારો થઈ શકતો હતો. રાજકોટ જેવા ઝડપથી વિકસતા શહેરમાં હાલ ચાલી રહેલા અનેક હાઈ-રાઈઝ રહેણાંકીય અને વ્યાપારી પ્રોજેક્ટ્સ તેમજ શહેરી વિકાસના કામો પર આની સીધી અસર પડી શકતી હતી, પરંતુ હવે ડિઝાઇનર્સ અને કોન્ટ્રાક્ટર્સ 2016ના કોડ મુજબ જ કામ ચાલુ રાખી શકશે.

સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગના નિષ્ણાત આનંદ શાહે જણાવ્યું કે, IS 1893 જેવા કોડમાં સમયાંતરે સુધારા જરૂૂરી છે કારણ કે નવી સિસ્મિક માહિતી અને સંશોધનને આધારે ડિઝાઇન પેરામીટર્સ બદલાય છે. પરંતુ મોટા ફેરફારો અમલમાં મૂકતા પહેલાં વ્યાપક ચર્ચા અને તબક્કાવાર અમલ જરૂૂરી છે. સલામતીને પ્રાથમિકતા આપીને પ્રોજેક્ટની આર્થિક અને ટેક્નિકલ વ્યવહારિકતા જાળવવી મહત્વની છે. કેન્દ્ર સરકારે મેટ્રો રેલ, મોટા પુલો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર પડતી અસરને ધ્યાનમાં રાખીને આ સમીક્ષાનો નિર્ણય લીધો છે. આગામી મહિનાઓમાં BIS, મંત્રાલયો, એન્જિનિયરિંગ સંસ્થાઓ અને સ્ટેકહોલ્ડર્સ સાથે વિસ્તૃત ચર્ચા બાદ જરૂૂરી ફેરફારો સાથે નવી સૂચના જાહેર થઈ શકે છે. રાજકોટના બાંધકામ ક્ષેત્ર માટે આ અસ્થાયી રાહત સમાન છે, જે શહેરના ઝડપી વિકાસને ટેકો આપશે.

Exit mobile version