ભાજપના સાંસદ ગૌતમ ગંભીરને ધમકીભર્યો મેલ મોકલનાર વ્યક્તિની ઓળખ થઈ, મેલ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો હતો

પૂર્વ ક્રિકેટર અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીરને ધમકીભર્યો મેલ મોકલનાર વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે.પાકિસ્તાનમાં રહેતા શાહિદ હમીદ નામના એકાઉન્ટમાંથી ગૌતમ ગંભીરને એક મેલ મોકલવામાં આવ્યો હતો.સાંસદ ગૌતમ ગંભીર સહિત અન્ય કેટલાક લોકોને આતંકી સંગઠનના નામે ધમકીભર્યો મેલ મળ્યો હતો. જે બાદ દિલ્હી પોલીસે ગૂગલ પાસેથી આ સંબંધમાં માહિતી માંગી હતી.ગૂગલે આપેલી માહિતી મુજબ ગૌતમ ગંભીરને પાકિસ્તાનથી ધમકીભર્યો મેલ મોકલવામાં આવ્યો છે.

પાકિસ્તાન તરફથી ગૌતમ ગંભીરને મોકલવામાં આવ્યો ધમકીભર્યો મેલ

ગૂગલે દિલ્હી પોલીસને આપેલી માહિતી અનુસાર, પાકિસ્તાનના શાહિદ હમીદ નામના એકાઉન્ટમાંથી ગૌતમ ગંભીરને ધમકીભર્યો મેલ મોકલવામાં આવ્યો છે.પાકિસ્તાનમાંથી આઈપી એડ્રેસ પણ મળી આવ્યું છે. આ કેસની તપાસ દિલ્હી પોલીસના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ પાસે છે.પરંતુ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ સહિત ઘણી એજન્સીઓ પણ આ મામલામાં નજર રાખી રહી છે.ગૌતમે દિલ્હી પોલીસમાં ફરિયાદ કરી હતી કે તેને ISIS કાશ્મીરના નામે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ પછી બુધવારે તેમના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

ગૌતમ ગંભીરની સુરક્ષા વધારી દેવામાં આવી

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ડેપ્યુટીકમિશનર ઓફ પોલીસ (સેન્ટ્રલ)ને મોકલવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે મંગળવારે રાત્રે લગભગ 9.32 વાગ્યે, ગૌતમ ગંભીરના સત્તાવાર ઈમેલ આઈડી પર "ISIS કાશ્મીર" તરફથી જાનથી મારી નાખવાની ધમકી
મળી.અધિકારીઓએ જણાવ્યું કે ઈ-મેલમાં લખ્યું હતું કે, "અમે તમને અને તમારા પરિવારને મારી નાખીશું." ફરિયાદમાં ગૌતમ ગંભીરે મામલાની નોંધ લેવા, એફઆઈઆર નોંધવા અને પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી.

પોલીસના સ્પેશિયલ સેલ વતી ગૂગલને એક પત્ર લખીને તે ઈમેલ આઈડીના ઓપરેટર સહિત અન્ય સંબંધિત માહિતી માંગવામાં આવી હતી.ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સેન્ટ્રલ) શ્વેતા ચૌહાણે જણાવ્યું કે ગંભીરના અંગત સચિવ ગૌરવ અરોરા વતી રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશનમાં બુધવારે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.ફરિયાદ મળ્યા બાદ, જિલ્લા પોલીસે ગંભીરની અંગત સુરક્ષા અને રાજેન્દ્ર નગર વિસ્તારમાં તેના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે.હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

રિલેટેડ ન્યૂઝ