ચીનની દગાબાજી કરતાં નેપાળની હરામખોરી વધુ નડવાની

ચીન લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર નવાં લશ્કરી થાણાં બનાવી રહ્યું છે ને સાયબર એટેકે કરીને ભારતના સેટેલાઈટ કોમ્યુનિકેશન નેટવર્કને ખોરવી નાખવાની ફિરાકમાં છે એ વાવડ તાજા છે ત્યાં હવે નેપાળ મેદાનમાં આવ્યું છે. નેપાળે થોડા સમય બહાર પાડેલા નવા રાજકીય આ નકશામાં ભારતના ઉત્તરાખંડના પિથોરાગઢમાં આવેલા કાલાપાની, લિપુલેખ અને લિંપિયાધૂરા વિસ્તારોને નેપાળનો હિસ્સો બતાવ્યા છે. નેપાળની સ્કૂલોમાં ભણાવાતા નકશાથી માંડીને ચલણી નોટો ને સિક્કા સુધી બધે નેપાળે આ નવો નકશો દર્શાવીને આ વિસ્તારો પોતાના બાપની જાગીર હોય ને ભારતે તેને બથાવી પાડ્યા હોવાનો કુપ્રચાર જોરશોરથી કરવા માંડ્યો છે. આ મુદ્દે ડખો ચાલે જ છે ત્યાં હવે નેપાળે આ વિસ્તારોમાં જનમત લેવાનું એલાન કર્યું છે. ભારતમાં દર દસ વર્ષે વસતી ગણતરી થાય છે એ રીતે નેપાળમાં પણ દર દસ વરસે વસતી ગણતરી થાય છે. નેપાળનું નેશનલ પ્લાનિંગ કમિશન અને સેન્ટ્રલ બ્યૂરો ઑફ સ્ટેટિસ્ટિક્સ સંયુક્ત રીતે વસતી ગણતરી કરશે ને 2021ના મે મહિનામાં નેપાળની વસતી કેટલી તેનો આંકડો બહાર પાડશે. આ વસતી ગણતરીની ક્વાયત અત્યારથી શરૂ કરી દેવાઈ છે ને નેપાળે આ વખતે કાલાપાની, લિપુલેખ અને લિંપિયાધૂરા વિસ્તારોમાં પણ વસતી ગણતરી માટે માણસો મોકલવાનું નક્કી કર્યું હોવાના અહેવાલ છે. વસતી ગણતરીની સાથે સાથે નેપાળ સરકાર બીજું એક ફોર્મ પણ મોકલશે ને તેમાં આ વિસ્તારનાં લોકોનો નેપાળમાં જોડાવા મુદ્દે જનમત લેવાશે. આ જનમતમાં ક્યા સવાલો પૂછાશે તેની વિગતો પણ તૈયાર કરી દેવાઈ છે.
નેપાળે સત્તાવાર રીતે આ જાહેરાત
કરી નથી, પણ વસતી ગણતરીની ક્વાયત અંગે જે સૂચનાઓ આપવામાં આવી છે તેમાં કાલાપાની, લિપુલેખ અને લિંપિયાધૂરા વિસ્તારોમાં પણ ઘરે ઘરે ફરીને ગણતરી કરવાનું કહેવામાં આવ્યું હોવાના અહેવાલ છે. નેપાળનામીડિયામાં આ સમાચાર છે ને તેના આધારે ભારતમાં પણ પ્રતિષ્ઠિત ગણાતાં રાષ્ટ્રીય અખબારો તથા વેબસાઈટ્સ પર આ સમાચાર છે એ જોતાં આ વાત સાવ મોંમાથા વિનાની તો નહીં જ હોય.
ઉત્તરાખંડ ભારતનો વિસ્તાર છે
ને પિથોરાગઢના કાલાપાની, લિપુલેખ અને લિંપિયાધૂરા વિસ્તારો ભારતનો જ હિસ્સો છે તેથી નેપાળના કહેવાથી વસતી ગણતરી કે જનમત થઈ જવાનાં નથી. ભારતનું આ વિસ્તારો પર શાસન છે ને આ વિસ્તારનાં લોકો ભારતીય જ છે. એ લોકો નેપાળ કે બીજા કોઈની સાથે જાય એવી વાત કરવી એ પણ તેમના દેશપ્રેમનું અપમાન કર્યું કહેવાય તેથી એ મુદ્દાની તો ચર્ચા જ ના હોય. નેપાળ સરહદે આપણું લશ્કર તૈનાત છે ને આપણા લશ્કરમાં આપણી સરહદોની સુરક્ષા કરવાની તાકાત છે જ.
લદાખમાં આવેલા અક્સાઈ ચીનના 38,000 ચોરસ કિલોમીટર વિસ્તાર પર ચીને 1962માં કબજો કરી લીધેલો. 1950ના દાયકાથી ચીને આ વિસ્તાર પર પોતાનો દાવો કરવા માંડેલો ને 1957માં અક્સાઈ
ચીનની વચ્ચેથી પસાર થાય તેવો જિનઝિયાંગ અને તિબેટને જોડતો વેસ્ટર્ન હાઈવે બાંધીને આપણું નાક વાઢી લીધેલું. લેહનું ડેમચોક અત્યારે ભારતના કબજામાં છે ને ભારતીય લશ્કરનું ત્યાં થાણું છે, પણ ચીન આ વિસ્તાર પોતાનો હોવાનો દાવો કરે છે. પાકિસ્તાને ચીન પર વરસીને અક્સાઈ ચીનનો પાંચ હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર ભેટમાં આપી દીધો પછી ચીન ત્યાં અડિંગો જમાવીને બેસી ગયું છે. નેપાળ પણ ચીનનું આંગળિયાત છે ને ભવિષ્યમાં આ વિસ્તારો ચીનને ભેટમાં આપી દે પછી ચીન મેદાનમાં આવે ને મોટો ડખો ઊભો થાય. આ બધા વિવાદો ભારતને આર્થિક રીતે પણ નુકસાનકારક છે કેમ કે ભારતે સરહદો સાચવવા વધારે લશ્કરી ખર્ચ કરવો પડે. માતૃભૂમિ કરતાં વધારે કંઈ મહત્ત્વનું ના હોય એ જોતાં ભારત ગમે તેવી લડાઈ લડવા ને કિંમત ચૂકવવા તૈયાર જ છે. હવે પછી આ લડાઈ ઉગ્ર બનશે તેના આ બધા સંકેત છે.

રિલેટેડ ન્યૂઝ